(એજન્સી) લખનૌ, તા.૫
પોલીસે સોમવારના રોજ જણાવ્યું હતું કે, એક ખાનગી હોસ્પિટલમાં બંધક બનાવીને એક દલિત નર્સ પર ડૉક્ટર દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો. પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આ ઘટના રવિવારની મધ્યરાત્રિએ બની હતી. એસપી (ગ્રામીણ) સંદીપ કુમાર મીણાએ જણાવ્યું હતું કે, આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. શનિવારની સાંજે, ૨૦ વર્ષીય પીડિતા સાંજે ૭ વાગ્યે તેની ફરજ માટે હોસ્પિટલમાં ગઈ હતી. તે છેલ્લાં સાત મહિનાથી ત્યાં કામ કરતી હતી. મોડી રાત્રે, અન્ય નર્સ, મેહનાઝે તેને ડો. શાહનવાઝને તેના રૂમમાં મળવા કહ્યું. મીનાએ જણાવ્યું હતુ, જ્યારે તેણે આવું કરવાની ના પાડી, ત્યારે મેહનાઝ અને વોર્ડ બોય જુનૈદ તેને બળજબરીપૂર્વક હોસ્પિટલના ઉપરના માળે એક રૂમમાં લઈ ગયા અને તેને બહારથી તાળું મારી દીધું. મીનાએ ઉમેર્યું કે, પાછળથી ડૉ. શાહનવાઝ રૂમમાં ઘૂસી ગયો અને તેને બંધક બનાવીને તેના પર બળાત્કાર કર્યો, તેણે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને જાતિવાદી અપશબ્દો પણ આપ્યા હતા.