પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, પેરિસમાં જીતેલા મેડલ કોઈપણ પેરાલિમ્પિકમાં ભારત માટે સૌથી વધારે મેડલ છે
પેરિસ, તા.૫
ધર્મવીર અને પ્રણવ સુરમાએ ક્લબ થ્રોમાં કમાલ કરતાં પેરિસ પેરાલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. હ્લ૫૧ ઇવેન્ટમાં ભારતને એક જ ઇવેન્ટમાં બે-બે મેડલ મળ્યા. જ્યારે બ્રોન્ઝ મેડલ વર્લ્ડ ચેમ્પિયન રહેલા સર્બિયાના જેલ્કો દિમિત્રીજેવિકે પોતાના નામે કર્યો. ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર ધર્મવીરની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. તેણે શરૂઆતના ચાર થ્રો ફાઉલ કરી દીધા હતા પણ દમદાર પુનરાગમન બાદ ધર્મવીરે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. ધર્મવીરે ચાર થ્રો ગુમાવ્યા બાદ પાંચમાં થ્રોમાં પોતાનું પૂરૂં જોર લગાવી દીધું. તેણે પાંચમાં થ્રોમાં ૩૪.૯૨નું અંતર પ્રાપ્ત કર્યું અને પ્રથમ સ્થાને રહ્યો. તેણે પોતાના અંતિમ પ્રયાસમાં ૩૧.૫૯ મીટરનો થ્રો કર્યો. આ રીતે ધર્મવીરે ભારત માટે ગોલ્ડ જીતી પેરિસમાં ભારતનો તિરંગો લહેરાવી દીધો. ધર્મવીર ઉપરાંત ક્લબ થ્રોની આ ઇવેન્ટમાં પ્રણવ સુરમાએ પણ પોતાનો કમાલ બતાવ્યો અને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. પ્રણવે ૩૪.૫૯ મીટરનું અંતર પ્રાપ્ત કરત આ કમાલ કર્યો. તેણે પોતાના બીજા પ્રયાસમાં પણ ૩૪ મીટરથી વધારે દૂર થ્રો કર્યો હતો પણ પ્રથમ સ્થાને આવવાથી ચૂકી ગયો. પ્રણવનો એક થ્રો ફાઉલ રહ્યો હતો. જ્યારે બાકીના પ્રયાસમાં તેનો થ્રો ૩૪ મીટરથી નીચે રહ્યો હતો. ક્લબ થ્રોની આ ઇવેન્ટમાં ભારત માટે અમિતકુમાર પણ હિસ્સો રહ્યો હતો પણ તેનો થ્રો કંઈ ખાસ રહ્યો નહીં. અમિતે સૌથી વધારે ૨૩.૯૬ મીટરનો થ્રો કર્યો હતો. આ જ કારણ છે કે, અમિત પોડિયમ સુધી પહોંચી શક્યો નહીં. અમિત આ ઇવેન્ટમાં ૧૦મા સ્થાને રહ્યો છે. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લિટના દમદાર પ્રદર્શનથી આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી હવે મેડલની સંખ્યા ૨૪ થઈ ગઈ છે. કોઈપણ પેરાલિમ્પિકમાં ભારત માટે આ સૌથી વધારે મેડલ છે. આ રીતે ભારત હવે મેડલ ટેલીમાં ૧૩મા સ્થાને પહોંચી ગયું છે.