(એજન્સી) તા.૬
તુર્કીના વિદેશ મંત્રી હકન ફિદાને ગુરૂવારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની આકરી ટીકા કરી, તેમને ‘ગાઝામાં હત્યાકાંડનો મુખ્ય ગુનેગાર’ ગણાવ્યા. ફિદાને નેતન્યાહુ પર રાજકીય સત્તા જાળવી રાખવા ગાઝામાં હિંસા ચાલુ રાખવાનો આરોપ લગાવ્યો.‘નેતાન્યાહુ સત્તામાં રહેવા માટે મૃત્યુ અને આતંક ફેલાવવાનું ચાલુ રાખે છે,’ ફિદાને ઉત્તર મેસેડોનિયાના વિદેશ મંત્રી ટિમ્કો મુકિન્સ્કી સાથે મુલાકાત કર્યા પછી સ્કોપજેમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. ફિદાને ઇઝરાયેલની ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીની ટીકા કરી હતી અને વેસ્ટ બેંકમાં પેલેસ્ટીનીનો પર વધતા હુમલાઓ તેમજ અલ-અક્સા મસ્જિદમાં ઉશ્કેરણી પર પ્રકાશ પાડ્યો હતો, જેનો તેણે દાવો કર્યો હતો કે તે કટોકટીને વધારે છે. તુર્કીના વિદેશ મંત્રીએ એવો પણ દાવો કર્યો કે નેતાન્યાહુ નવી શરતો લાદીને અને મંત્રણામાં અડચણ ઊભી કરીને યુદ્ધવિરામના પ્રયાસોને નબળી પાડી રહ્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને નેતાન્યાહુ સામે પગલાં લેવા આહ્વાન કરતાં જણાવ્યું કે, ‘નરસંહાર વિશે મૌન રહેવું એ ગુનામાં સામેલ થવા સમાન છે.’