(એજન્સી) તા.૮
ગાઝા પટ્ટી વિસ્તાર પર ઇઝરાયેલના ભયાનક આક્રમણથી થઈ રહેલા મૃત્યુઆંકમાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે અને પેલેસ્ટીનના આરોગ્ય મંત્રાલય જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૪૮ કલાકમાં ઇઝરાયેલના લશ્કરના ભયાનક હવાઈ હુમલામાં વધુ ૬૧ જેટલા પેલેસ્ટીનની નાગરિકોના મૃત્યુ થયા છે અને ૧૬૨થી વધુ ઘાયલ થયા છે. અત્યાર સુધીમાં ઇઝરાયેલી લશ્કરના આક્રમણથી થયેલા મૃત્યુનો આંકડો વધીને ૪૦,૯૩૯ પર પહોંચી ગયો છે તેમ મંત્રાલય જણાવે છે. કુલ ૯૪,૬૧૬ જેટલા પેલેસ્ટીનની નાગરિકો ઘાયલ થયા છે જેમાંના ઘણા બોમ્બમારાને કારણે પોતાના મહત્ત્વના અંગો ગુમાવી ચૂક્યા છે. અલ જઝીરા ટીવી ચેનલના જણાવ્યા મુજબ મધ્ય ગાઝામાં ગઈ રાત્રે એક વિસ્થાપિત છાવણી પર હવાઈ આક્રમણ થયું હતું જેના કારણે એક જ પરિવારના ચાર સભ્યો માર્યા ગયા હતા. આ રેફ્યુજી કેમ બુરેજ વિસ્તારમાં આવેલો હતો. એ જ દિવસે એટલે કે ગઈકાલે રાત્રે એક શાળામાં આશરો લઈ રહેલા વિસ્થાપિત નાગરિકો પર ભયાનક હવાઈ આક્રમણ થતાં આઠ લોકો માર્યા ગયા હતા જેમાંના અડધા એક જ પરિવારના હતા એવું જાહેર થયું છે. દસ મહિનાથી અનેક પરિવારોએ આ શાળામાં આશ્રય લીધો હતો અને તેને પણ ઇઝરાયેલના હવાઈ હુમલામાં તબાહ કરી નાખવામાં આવી હતી. ગયા બેથી પાંચ સપ્ટેમ્બર સુધીમાં હવાઈ હુમલાથી કુલ ૧૧૦ પેલેસ્ટીનની નાગરિકોનાં મોત થયા છે અને ૨૩૦ ઘવાયા છે.