(એજન્સી) તા.૮
શનિવારે મધ્ય અને ઉત્તરી ગાઝા પટ્ટીમાં ઘરો અને નાગરિકોને નિશાન બનાવીને ઈઝરાયેલી દળો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૧ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે અને બાળકો સહિત ૩૦ અન્ય ઘાયલ થયા છે. ઉત્તરી ગાઝાની અલ-અવદા હોસ્પિટલના તબીબી સૂત્રોએ જણાવ્યું કે મધ્ય ગાઝામાં નુસરત શરણાર્થી શિબિરમાં એક નાગરિક મેળાવડા પર ઇઝરાયેલી હુમલામાં પાંચ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે. ગાઝા નાગરિક સંરક્ષણના પ્રવક્તા મહમૂદ બસ્સલે જણાવ્યું કે ગાઝા સિટી અને મધ્ય ગાઝામાં અલ-બુરીજ શરણાર્થી શિબિર પર થયેલા હુમલામાં એક બાળક અને એક મહિલા સહિત છ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે. વધુમાં, સાક્ષીઓએ અહેવાલ આપ્યો કે ઇઝરાયેલી આર્ટિલરીએ ઉત્તરી ગાઝાના બીટ લાહિયામાં વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં બાળકો સહિત ડઝનેક નાગરિકોને ઇજા પહોંચી. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલામાં ઓછામાં ઓછા ૩૦ લોકો ઘાયલ થયા છે. ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હમાસ દ્વારા સીમાપારથી થયેલા હુમલા બાદથી ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં ૪૦,૦૦૦ થી વધુ પેલેસ્ટીનીઓને મારવા ઉપરાંત, લશ્કરી અભિયાને ર૩ લાખ લોકોના મોટા ભાગનો વિસ્તાર ખંડેરમાં છોડી દીધો છે, મોટાભાગના નાગરિકોને ઘરવિહોણા અને દુષ્કાળના જોખમમાં મૂક્યા છે.