(એજન્સી) તા.૯
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલે જણાવ્યું કે, એપ્રિલ ૨૦૨૩થી સુદાનમાં સેના અને રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) અર્ધલશ્કરી સમુહ વચ્ચેના સંઘર્ષમાં ૨૦,૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
સુદાનની બે દિવસની મુલાકાત દરમિયાન પોર્ટ સુદાનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે જણાવ્યું કે, પાડોશી દેશોમાં ૨૦ લાખ શરણાર્થીઓ ઉપરાંત ૧ કરોડ લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે.
તેમણે જણાવ્યું કે, “ઇમરજન્સીનું પ્રમાણ આઘાતજનક છે અને સંઘર્ષને રોકવા અને તેના કારણે જે વેદના થઈ રહી છે તેનો સામનો કરવા માટે અપૂરતી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું કે, સુદાનની ૨.૫ કરોડ વસ્તીમાંથી લગભગ અડધાને તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે, જ્યારે દેશના ૭૦ ટકા આરોગ્ય ક્ષેત્ર હવે કાર્યરત નથી.
ડબ્લ્યુએચઓ પ્રમુકે “વિશ્વને જાગવા અને સુદાનને તે જે દુઃસ્વપ્નમાંથી પસાર થઈ રહ્યું છે તેમાંથી બહાર કાઢવા માટે મદદ કરવા આહ્વાન કર્યુ.”
શનિવારે, ઘેબ્રેયસસે સુદાનમાં અસુરક્ષા, સામૂહિક વિસ્થાપન, પૂર, દુષ્કાળ અને રોગચાળો ફાટી નીકળવા સહિત ગંભીર માનવતાવાદી અને આરોગ્ય મુદ્દાઓને સંબોધવા માટે WHOની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.