(એજન્સી) અંકારા, તા.૧૦
તુર્કી રાષ્ટ્રપ્રમુખ તૈયબ એરદોગોને આજે ઇઝરાયેલના વિસ્તારવાદના સતત વધતા જતા ખતરાનો સામનો કરવા માટે યહૂદી દેશની સામે ઇસ્લામી દેશોનું મહા જોડાણ રચવા માટે હાકલ કરી હતી.
તાજેતરમાં ઇઝરાયેલના લશ્કરી દળોએ તુર્કી અમેરિકા મૂળની એક મહિલા કાર્યકરની હત્યા કરી નાખી હતી તેના વિરોધમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તુર્કીના રાષ્ટ્રપ્રમુખે આવું એલાન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ઈઝરાયેલના વિસ્તારવાદ આક્રમણ અને તેના ઘમંડને રોકવા માટે એક જ પગલું જરૂરી છે કે ઇઝરાયેલ સામે ઇસ્લામી દેશો એક થવા જોઈએ અને ઇઝરાયેલના સત્તાવાર ત્રાસવાદની સામે ઇસ્લામી દેશોનું જોડાણ હોવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે આ દિશામાં આગળ જવા માટે જ તુર્કીએ ઇજિપ્ત અને સીરિયા સાથે સંબંધો સુધારવા એક ડગલું પહેલું આગળ લીધું છે. એ પગલાં પાછળનો હેતુ જ એ છે કે ઇઝરાયેલના વિસ્તારવાદની સામે અને તેના વધતા પ્રભાવ અને જોખમ સામે ઇસ્લામી દેશો એક હરોળમાં આવીને એકતા સાથે ઊભા રહે. તાજેતરમાં ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ ફતાહ અલસીસીએ તુર્કીની મુલાકાત લીધી હતી અને તુર્કીના પ્રમુખ સાથે ગાઝા યુદ્ધ અંગે ચર્ચા વિચારણા કરી હતી અને ૧૨ વર્ષથી ઇજિપ્ત તથા તુર્કી વચ્ચે શુષ્ક અને ઠંડા થઈ ગયેલા સંબંધોને પુનઃ મજબૂત કરવા માટેના માર્ગો વિશે વિચારોની આપ-લે કરી હતી. તુર્કી સેના પ્રમુખે એવું પણ જાહેર કર્યું હતું કે સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બસર અલ અસદને પણ તુર્કી આવવા માટે આમંત્રણ મોકલવામાં આવશે. જેથી કરીને બંને દેશો વચ્ચેના સંબંધો ફરીથી સારા થઈ જાય. ઇઝરાયેલ તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી.