ન્યુરોલોજીસ્ટ સર લુડવિગ ગુટમેને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ઇજાગ્રસ્ત સૈનિકોના રિહેબિલિટેશન માટે આ ગેમ્સનું આયોજન કર્યું હતું, જેણે ધીરે-ધીરે કોમ્પિટિટિવ ગેમ્સનું રૂપ લઈ લીધું
૧૯૭૨ ગેમ્સમાં મુરલીકાંત પેટકર ભારતના પ્રથમ પેરાલિમ્પિક મેડલ વિજેતા છે
ગેમ્સના ઇતિહાસમાં ભારતે એક જ દિવસમાં આઠ મેડલ જીતી ઇતિહાસ રચ્યો
રમતનું મેદાન એ સશક્ત અને દૃઢ સંકલ્પ ધરાવતા ખેલાડીની સિદ્ધિનું ક્ષેત્ર ગણાય છે. જ્યાં દિવ્યાંગો મેદાન મારી જાય તો અચરજની અનુભૂતિ કરાવે તે સ્વાભાવિક છે. હાલ સંપન્ન થયેલા ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના નિરાશાજનક બાદ પેરાલિમ્પિકના દિવ્યાંગ ખેલાડીઓએ સફળતાના ઝંડા ગાળ્યા છે. તે તમામ દેશવાસીઓ માટે ગૌરવની બાબત બની છે. અચરજ તો એ વાતનું છે કે, આપણું તંત્ર સરકાર ઓલિમ્પિકના ખેલાડીઓને તૈયાર કરવા વિવિધ સુવિધાઓ તથા પૌષ્ટિક આહાર સુદ્ધાં ઉપલબ્ધ કરાવવા પાછળ અઢળક નાણાં ખર્ચે છે. તેની સરખામણીમાં દિવ્યાંગ ખેલાડીઓને તૈયાર કરવા પાછળ ઓછો ખર્ચ કરવામાં આવતો હશે. જો કે, નોંધનીય વાત એ છે કે, સશક્ત ખેલાડીઓની સરખામણીમાં દિવ્યાંગ ખેલાડીઓએ દેશ માટે ગોલ્ડ સહિત અ.ધ.ધ.ધ. મેડલ જીત્યા છે. જ્યારે સર્વાંગ સંપૂર્ણ નોર્મલ ખેલાડીઓ મેડલ જીતવામાં ઉણા ઉતર્યા છે. તેમાંયે ગોલ્ડ તો એકેય ઇવેન્ટમાં મળ્યો નથી. મેડલોની સૂચિ જોતા તો એ ઉક્તિ મનમાં ઉભરે છે કે, ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય.’ પેરિસ ઓલિમ્પિકમાં ભારતના ફાળે ૬ મેડલ આવ્યા જેમાં એક પણ ગોલ્ડ મેડલ નથી. જ્યારે પેરાલિમ્પિક ગેમ્સ ૨૦૨૪માં ભારતીય દિવ્યાંગ ખેલાડીઓએ સાત ગોલ્ડ સહિત ૨૯ મેડલ જીત્યા. જે પેરાલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ વાત સાચી છે કે, પેરાલિમ્પિક અને ઓલિમ્પિકમાં રમત અને તેમાં મેડલોના મહત્ત્વનું સ્તર અલગ-અલગ છે પણ પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન લાજવાબ રહ્યું છે. ઓલિમ્પિકમાં ખેલાડીઓના લચર પ્રદર્શનના કારણે ભારતીય પ્રશંસકોમાં ફેલાયેલી નારાજગી પેરાલિમ્પિકમાં ખેલાડીઓના શાનદાર પ્રદર્શને દૂર કરી દીધી છે. ૧૯૬૮માં જ્યારે ભારતે પહેલીવાર પેરાલિમ્પિકમાં ભાગ લેવા ઇઝરાયેલ પહોંચ્યું તો તેને ખાલી હાથ પરત ફરવું પડ્યું હતું પણ ૧૯૭૨માં કંઈક યાદગાર થયું. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં પોતાનું યોગદાન આપનાર અનુભવી મુરલીકાંત પેટકરે ભારતના પ્રથમ પેરાલિમ્પિક મેડલ વિજેતા છે. પેટકરે ના ફક્ત ગોલ્ડ પર નિશાન સાધ્યું પણ એક વિશ્વ રેકોર્ડ પણ બનાવી દીધો. મુરલીકાંત પેટકરે વર્ષ ૧૯૭૨માં હિન્ડનબર્ગ ગેમ્સમાં પુરૂષોની ૫૦ મીટર ફ્રી સ્ટાઇલ ૩ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મુરલીકાંત એક બોક્સર હતા જેમને બાદમાં બુલેટ ઇન્જરીના કારણે પોતાનો એક હાથ ગુમાવવો પડ્યો અને બાદમાં તે સ્વિમર બની ગયા હતા. પેરાલિમ્પિક ગેમ્સમાં વ્યક્તિગત એથ્લિટોએ દેશને ગૌરવ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. ૧૯૬૦માં પેરાલિમ્પિક ગેમ્સની શરૂઆત થઈ હતી. ત્યારથી લઈ પેરિસ ગેમ્સ ૨૦૨૪ સુધી ભારતની સફર ઘણી અપ્સ-ડાઉનથી ભરેલી રહી છે. જેમાં ટોક્યો અને પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રદર્શન યાદગાર રહ્યું છે, જેમાં પેરિસનું પ્રદર્શન નોંધનીય રહ્યું છે. ભારતીય એથ્લિટોએ પેરાલિમ્પિક ગેમ્સ ૨૦૨૪ના પાંચમાં દિવસે કંઈક એવું કરી બતાવ્યું જેણે ભારત માટે ઇતિહાસ રચી દીધો. ભારતે બીજી સપ્ટેમ્બરે કુલ આઠ મેડલ જીત્યા હતા. આ પહેલાં પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતે એક જ દિવસમાં આટલા મેડલ ક્યારેય જીત્યા નથી.
પેરાલિમ્પિક ગેમ્સનો ઇતિહાસ પણ ઘણો રોચક રહ્યો છે. એક ન્યુરોલોજીસ્ટે બીજા વિશ્વયુદ્ધમાં ઇજાગ્રસ્ત સૈનિકના રિહેબિલિટેશન માટે આ ગેમ્સનું આયોજન કર્યું હતું. જેણે ધીરે-ધીરે કોમ્પિટિટિવ ગેમ્સનું રૂપ લઈ લીધું. દિવ્યાંગ લોકો માટે સંગઠિત રૂપથી આ ગેમ્સની સ્થાપનાનો શ્રેય સર લુડવિગ ગુટમેનને આપવામાં આવે છે. ગુટમેન એક ન્યુરોલોજીસ્ટ હતા જે બીજા વિશ્વયુદ્ધ પહેલાં જર્મનીથી ભાગી ઇંગ્લેન્ડ જતા રહ્યા હતા. જ્યાં પ્રેક્ટિસ દરમ્યાન ઇજાગ્રસ્તો માટે આ પહેલ કરી જે બાદમાં પેરાલિમ્પિક ગેમ્સમાં ફેરવાઈ ગઈ.