(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU)ના આયુર્વેદ ફેકલ્ટીના એક દલિત રિસર્ચ સ્કોલરે વરિષ્ઠ પ્રોફેસર વિરૂદ્ધ જાતિવાદી અપશબ્દો બોલવા અને એક મીટીંગ દરમિયાન તેમના પર અડધા ખાધેલા સમોસા ફેંકવા બદલ નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ (NCSC)માં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ૩૦ મેના રોજ બની હતી જ્યારે ફરિયાદી, શિવમ કુમાર, એક સંશોધન વિદ્યાર્થી, આયુર્વેદ ફેકલ્ટીના એનાટોમી વિભાગમાં જુનિયર રિસર્ચ ફેલો (SRF)થી સિનિયર રિસર્ચ ફેલો (JRF)માં અપગ્રેડેશન માટે ઇન્ટરવ્યુ માટે હાજર હતો. હોલમાં વરિષ્ઠ પ્રોફેસરો અને અન્ય સંશોધન વિદ્યાર્થીઓ હાજર હતા. પ્રોફેસરો અને એક્સટર્નલ એક્સપર્ટ એક જ ટેબલ પર બેઠેલા હતા. રિફ્રેશમેન્ટ સેશન દરમિયાન શિવમે તેના ફોનમાંથી એક ગ્રુપ ફોટોગ્રાફ કેપ્ચર કર્યો. આનાથી ગુસ્સે થઈને, એક વરિષ્ઠ પ્રોફેસરે કથિત રીતે શિવમ પર તેના આંશિક રીતે ખાધેલા સમોસા ફેંક્યા અને તેની સાથે જાતિવાદી ટિપ્પણીઓ કરી. તેણે ખોરાક લેતી વખતે કોઈના ફોટોગ્રાફ લેવાના તેના શિષ્ટાચાર પર સવાલ ઉઠાવ્યા. શિવમે વિદ્યાર્થીઓના ડીન સહિત યુનિવર્સિટી સત્તાધીશોને ફરિયાદ કરી હતી. જો કે, હજુ સુધી કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. જ્યારે તેમને યુનિવર્સિટી તરફથી કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેણે ૩૦ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ નોંધાવી. વિદ્યાર્થીઓના ડીન પ્રો. એકે નેમાએTOIને જણાવ્યું કે, આ મામલો ઉકેલ માટે આયુર્વેદ ફેકલ્ટીના ડીનને મોકલવામાં આવ્યો છે. અનેક પ્રયત્નો છતાં, આયુર્વેદ ફેકલ્ટીના ડીન પ્રોફેસર પીકે ગોસ્વામીનો સંપર્ક થઈ શક્યો ન હતો.