Site icon Gujarat Today

ઈસ્લામી સમાજમાં માનવ સમાનતા

ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે

જો ઈસ્લામી શિક્ષાઓનું અધ્યયન કરવામાં આવે તો જ્યાં આપણને એક આ વાત જાણવા મળે છે કે આ શિક્ષાઓ દ્વારા મનુષ્યના વ્યકિતગત જીવનને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યાં બીજી બાજુએ આમાં સામાજિક અને સામૂહિક જીવનના મૂલ્યોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. કેમ કે જો મનુષ્ય સંબંધી વર્તમાન યુગની વિચારધારાને આપણી સમક્ષ મુકીએ તો આ સ્પષ્ટ થઈ જાય છે કે તમામ લોકો આ વાતનો સ્વીકાર કરી ચુકયા છે કે મનુષ્યનું જીવન સમાજ અને સમૂહ વિના અધૂરૂં છે. આ રીતે આ વાત સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જાય છે કે જ્યાં મનુષ્યને તેના વ્યકિતગત જીવન માટે માર્ગદર્શનની આવશ્યકતા છે, ત્યાં તેના માટે સામૂહિક અને સામાજિક જીવન વિતાવવા સંબંધી નિયમાવલી પણ જરૂરી છે. આ સંબંધમાં ઈસ્લામી શિક્ષાઓ દ્વારા ફકત બૌદ્ધિક અને વૈચારિક સ્તરે વાતો કહેવામાં આવી છે એટલું જ નહીં પરંતુ અંતિમ પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)સાહેબના પ્રાયોગિક અને ક્રિયાત્મક જીવનથી પણ ઘણી એવી ઘટનાઓ પ્રાપ્ત થાય છે, જેમને સામાજિક સ્વરૂપે મનુષ્યના જીવન જીવવા સંબંધી નિયમાવલીના સ્વરૂપે જોઈ શકાય છે.
ઈસ્લામી શિક્ષાઓમાં સામાજિક વ્યવસ્થાની સ્થાપના માટે જે મૂળ મંત્રો ઉપર સૌથી વધારે ભાર આપવામાં આવ્યો છે તેમાં સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય સૌથી વધારે મહત્વપૂર્ણ છે. આજે હું મારા આ લેખમાં ઈસ્લામી શિક્ષાઓમાં વર્ણવેલ માનવ સમાનતાના વિષય પર વાત કરીશ. કુર્આનમાં અલ્લાહનું કથન છે કે અય લોકો ! મેં તમને એક પુરૂષ અને સ્ત્રીમાંથી પેદા કર્યા છે અને પછી તમને કુટુંબો અને પરિવારોમાં વિભાજીત કરી દીધા છે જેથી કરીને તમે એક બીજાને ઓળખી શકો. તમારામાંથી અલ્લાહની નજીક સૌથી વધારે પ્રિય તે છે જે સૌથી વધુ સદાચારી છે. કુર્આનમાં અલ્લાહના આ કથનથી સ્પષ્ટ થઈ જાય છે કે તમામ મનુષ્ય પોતાના જન્મને અનુરૂપ સમાન છે. તેઓમાં ધર્મ, વંશ, ક્ષેત્ર, જાતિ અને લિંગના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ નથી.
આજ પ્રકારે જો ઈસ્લામની મૌલિક ઈબાદતોનું અવલોકન કરવામાં આવે તો તેનાથી આ વાત સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જાય છે કે ઈસ્લામી શિક્ષાઓમાં માનવ સમાનતા સંબંધી જે વાર્તાને વૈચારિક સ્વરૂપે કહેવામાં આવી રહી છે, ઈસ્લામી ઈબાદતોમાં તેજ વાતોનો પ્રાયોગિક, ક્રિયાત્મક અને વ્યાવહારિક સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવી છે જેથી કરીને આના દ્વારા તેને સમાનતાનું શિક્ષણ પ્રાપ્ત થાય. આજ રીતે કુર્આન દ્વારા સમસ્ત માનવજાતિને તેના જન્મને અનુરૂપ જે સમાનના પ્રદાન કરવામાં આવી હતી, ઈસ્લામી સમાજમાં તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું. આ સંબંધમાં જો આપણે મુહમ્મદ (સ.અ.વ.) સાહેબ દ્વારા મદીનામાં સ્થાપિત ઈસ્લામી સમાજ તથા તેની વ્યવસ્થાનું અધ્યયન કરીએ તો આ વાત સ્પષ્ટ થઈ જાય છે. કે મુહમ્મદ (સ.અ.વ.)સાહેબે તે સમાજમાં વસતા પ્રત્યેક માનવીને સમાન અધિકાર આપ્યા. ત્યાં ધર્મ, ક્ષેત્ર અને લિંગના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવ્યો નહીં. પરંતુ તમામ લોકોને ધાર્મિક, સામાજિક અને આર્થિક સ્વતંત્રતા અને સમાનતા આપવામાં આવી.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)

Exit mobile version