કાનપુર, તા.૨૭
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે બીજા સેશન દરમ્યાન ખરાબ પ્રકાશના કારણે રમત રોકવી પડી. ત્યારબાદ વરસાદ શરૂ ગયો. હવામાનને જોતા મેચના પ્રથમ દિવસે રમતને સમાપ્ત કરવી પડી. રમત જ્યારે રોકવામાં આવી ત્યારે બાંગ્લાદેશે ૩૫ ઓવરોમાં ત્રણ વિકેટે ૧૦૭ રન બનાવી લીધા હતા. બાંગ્લાદેશે આ દરમ્યાન લંચ બાદના સેશનમાં ૯ ઓવરની રમતમાં ૩૩ રન બનાવી કપ્તાન નજમુલ હસન શાંતો (૩૧)ની વિકેટ ગુમાવી દીધી. રમત અટકી ત્યારે મુશફિકુર રહીમ (૬) અને મોમીનુલ હક (૪૦) અણનમ હતા. આ પહેલા ઝડપી બોલર આકાશ દીપે ઘેરાયેલા વાદળોના કારણે ઝડપી બોલરો માટે મદદગાર પરિસ્થિતિમાં ઓપનિંગ બેટ્સમેનોને આઉટ કરી ભારતને સારી શરૂઆત અપાવી હતી. બાંગ્લાદેશે દિવસના પ્રથમ સેશનમાં બે વિકેટે ૭૪ રન બનાવ્યા હતા. ગત રાત્રે પડેલા વરસાદના કારણે આઉટ ફિલ્ડ લીલું થઈ ગયું હતું. જેના કારણે દિવસની રમત એક કલાક મોડી શરૂ થઈ હતી. ઝડપી બોલરોને અનુકૂળ પરિસ્થિતિઓના ફાયદો ઊઠાવવા માટે ભારતીય કપ્તાન રોહિત શર્માએ ત્રણેય ઝડપી બોલરોને અંતિમ ઇલેવનમાં જાળવી રાખતા બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. આકાશ દીપે આ દરમ્યાન ૧૦ ઓવરમાં ૩૪ રન આપી બે વિકેટ ઝડપી. બુમરાહ અને સિરાજને વિકેટ મળી નહીં પણ તેમને બાંગ્લાદેશના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. સેટ થઈ ગયેલા શાંતોને અશ્વિને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.