International

ઈઝરાયેલી વડાપ્રધાન નેતાન્યાહુએUNમાં બે મેપ બતાવ્યા, ભારતને આશીર્વાદ તો ઈરાનને શ્રાપ ગણાવ્યો

(એજન્સી) તા.૨૮
આરબ રાષ્ટ્રો સાથેના ઈઝરાયેલના અણબનાવથી આખી દુનિયા પરિચિત છે. તાજેતરમાં ઈઝરાયેલ એના પરંપરાગત દુશ્મન પેલેસ્ટીન અને પડોશી દેશ લેબેનોન સાથે ‘વૉર-મોડ’માં છે. આરબ રાષ્ટ્રોને ઈઝરાયેલ વિરૂદ્ધ ભડકાવવાનો આરોપ ઈઝરાયેલ હંમેશથી ઈરાન પર લગાવતું રહ્યું છે, જે સંદર્ભે તાજેતરમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ યુનાઇટેડ નેશન્સ(યુ.એન.) ખાતે આપેલ ભાષણમાં ઈરાનને આડેહાથે લઈને કડક ભાષામાં ખુલ્લેઆમ ચીમકી આપી હતી. યુ.એન.માં ભાષણ આપતી વખતે ઈઝરાયેલના વડાપ્રધાન આક્રમક મૂડમાં હતા. ભાષણ દરમિયાન તેમણે બે નકશા બતાવ્યા હતા જેમાં જમણા હાથમાં પકડેલા નકશામાં ઈરાન અને એના પડોશી દેશો ઈરાક, સીરિયા અને યમનને કાળા રંગમાં દર્શાવવામાં આવ્યા હતા. નેતાન્યાહુએ તેમને ‘ધ કર્સ’ (શ્રાપ) તરીકે ઓળખાવ્યા હતા. તેમના ડાબા હાથમાં બીજો નકશો હતો જેમાં અન્ય દેશો સહિત ભારતને હાઇલાઇટ કરવામાં આવ્યું હતું. નેતાન્યાહુએ ડાબા હાથમાં પકડેલા નકશામાં ઇજિપ્ત, સુદાન, સાઉદી અરેબિયા અને ભારતને લીલા રંગમાં દર્શાવવામાં આવ્યા હતા અને એ દેશોને તેમણે ‘ધ બ્લેસિંગ’ (આશીર્વાદ) તરીકે ઓળખાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયેલ પર હમાસના હુમલાની નિંદા કરનાર પ્રથમ વિશ્વ નેતાઓમાંના એક હતા. ભારતે સંપૂર્ણ યુદ્ધવિરામની હાકલ કરી છે. ગાઝા યુદ્ધ પછી યુ.એન. ખાતેના તેમના પ્રથમ ભાષણમાં ઈઝરાયેલના વડાપ્રધાને કડક ભાષામાં ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે મધ્યપૂર્વમાં ફેલાયેલી અંશાતિનું દોષી ઈરાનને ગણાવ્યું હતું. તેમણે ઈરાનને જલદ ભાષામાં ચેતવણી આપતાં કહ્યું હતું કે, ‘મારી પાસે તેહરાન (ઈરાનની રાજધાની) માટે એક સંદેશ છે, અને તે એ કે, જો તમે અમારા પર હુમલો કરશો તો અમે તમારા પર વળતો પ્રહાર કરશું. ઈરાનમાં એવું કોઈ સ્થળ નથી જ્યાં ઈઝરાયેલના હાથ ન પહોંચી શકે. અને આ વાત સમગ્ર મધ્ય-પૂર્વને લાગુ પડે છે.‘સાથોસાથ નેતાન્યાહુએ વિશ્વભરના દેશોને સંબોધીને કહ્યું હતું કે, ‘આ નકશા ફક્ત ઈઝરાયેલને નહીં, આખી દુનિયાને લાગુ પડે છે. દુનિયાએ હવે ‘આશીર્વાદ’ અને ‘શ્રાપ’ વચ્ચે પસંદગી કરી લેવી જોઈએ. દુનિયાને વારેવારે અશાંતિ તરફ ધકેલનારા ઈરાનને ખૂશ કરવાનું હવે બંધ કરો.’ નેતાન્યાહુએ જે નકશા બતાવ્યા એમાં પડોશી દેશોના અમુક વિસ્તાર ઈઝરાયેલની માલિકીના હોય એ રીતે દર્શાવ્યા હતા. બંને નકશામાં પેલેસ્ટીનના ‘વેસ્ટ બેંક’ અને ‘ગાઝા’ વિસ્તારને ઈઝરાયેલના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. એ ઉપરાંત નકશામાં સીરિયાના ‘ગોલાન હાઇટ્‌સ’ ક્ષેત્રને પણ ઈઝરાયેલનો ભાગ દર્શાવવામાં આવ્યો હતો. નેતાન્યાહુએ પેલેસ્ટીનને પણ ચેતવણી આપતાં કહ્યું હતું કે, ‘ઈઝરાયેલ શાંતિ ઈચ્છતું રાષ્ટ્ર છે. પેલેસ્ટીનીઓએ યહૂદીઓ વિરૂદ્ધ દ્વેષ ફેલાવવાનું બંધ કરવું જોઈએ અને યહૂદી રાષ્ટ્ર સાથે સમાધાન કરી લેવું જોઈએ.‘ઈતિહાસ સાક્ષી પૂરે એમ છે કે ઈઝરાયેલને લગભગ તમામ આરબ રાષ્ટ્રો સાથે બનતું નથી, પણ આ વખતે ઇજિપ્ત, સુદાન અને સાઉદી અરેબિયા રાષ્ટ્રોને ‘આશીર્વાદ’ રૂપ ગણાવીને ઈઝરાયેલ તેમની સાથે હૂંફાળા સંબંધો શરૂ કરવા ઈચ્છુક હોવાનો સંદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જુલાઈ ૨૦૨૪માં ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસની રાજકીય પાંખના વડા ઈસ્માઈલ હનીયેહની હત્યા બાદ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. એપ્રિલ ૨૦૨૪માં સીરિયામાં ઈરાનની એમ્બેસી પર થયેલા હુમલા બાદ ઈરાને પ્રથમ વખત ઈઝરાયેલ પર સીધો હુમલો કર્યો હતો. નેતાન્યાહુએ યુ.એન.માં આપેલ ચેતવણીઓ મધ્યપૂર્વમાં સળગી રહેલા યુદ્ધના દાવાનળમાં ઈંધણનું કામ કરે છે કે પછી શાંતિ બહાલ કરવામાં નિમિત્ત બને છે, એ તો સમય જ કહેશે.

Related posts
International

બ્રિટનના પત્રકાર સંઘે ગાઝા પર ઇઝરાયેલના હવાઈહુમલામાં પાંચ પત્રકારોની હત્યાની ટીકા કરી

(એજન્સી) તા.૨૮બ્રિટિશ નેશનલ યુનિયન ઓફ…
Read more
International

અરબ લીગે અલ-અક્સા મસ્જિદ પરઇઝરાયેલના મંત્રીની ઘૂસણખોરીની નિંદા કરી

(એજન્સી) કૈરો, તા.૨૮અરબ લીગ (AL)ના…
Read more
International

બશર અસદના સંબંધીઓએ લેબેનોનથી બહાર જવાનો પ્રયાસ કરતાં ધરપકડ કરવામાં આવી

(એજન્સી) તા.૨૮સીરિયન રાષ્ટ્રપતિ બશર…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.