(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
દલિત વસાહતમાં ૧૧ દિવસ પહેલા બનેલી હૃદયદ્રાવક ઘટના બાદ આજે પણ સ્થિતિ સામાન્ય થઈ નથી. કોલોનીમાં હજુ પણ સુરક્ષા દળો તૈનાત છે અને દરેક જગ્યાએ તણાવ પ્રવર્તે છે. જોકે વહીવટી સ્તરે રાહત અને પુનર્વસનની કામગીરી ચાલી રહી છે. જ્યારે લોકલ ૧૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે અમને ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ રોક્યા અને કહ્યું કે, શૂટિંગ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી જરૂરી છે. થોડાં કલાકો સુધી રાહ જોયા બાદ અમને કહેવામાં આવ્યું કેે, મીડિયા પર પ્રતિબંધ મૂકતો એવો કોઈ આદેશ નથી, ત્યારબાદ અમને ત્યાં જવાની પરવાનગી મળી.
આ ઘટના બાદ હવે કોલોનીની સ્થિતિ ઘણી હદે સારી થઈ ગઈ છે. તાડપત્રી અને તંબુ મુકીને લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશાસને દરેક પરિવારને ૧,૩૯,૨૫૦ રૂપિયા વળતર તરીકે આપ્યા છે. સ્થાનિક લોકો હજુ પણ એ ભયાનક રાતની યાદોમાંથી બહાર નીકળી શક્યા નથી. ઘટના દરમિયાન, એક શાળા, ચર્ચ અને કોલોનીના ઘણા ઘરો સંપૂર્ણપણે બળી ગયા હતા.
અમારી વાતચીતમાં સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ ઘટના બાદ તેઓ હજુ પણ ડરમાં છે અને બહાર નીકળતા અચકાય છે. કેટલાંક લોકોએ કહ્યું કે, તેઓ હવે એકલા બહાર નીકળતા નથી અને પોલીસને જાણ કરીને જ બહાર જાય છે. ધંધાને પણ માઠી અસર થઈ છે. સ્થાનિક વહીવટીતંત્રે રાહત તરીકે દિવસમાં બે સમયનું ભોજન અને સવારનો નાસ્તો આપ્યો છે, જેમાં ખીચડી જેવી સાદી વસ્તુઓનો સમાવેશ થાય છે. વહીવટીતંત્રે કોલોનીમાં વીજળી, પાણી, શૌચાલય અને એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. અસરગ્રસ્ત પરિવારોને વળતર પણ આપવામાં આવ્યું છે. પરંતુ સવાલ એ થાય છે કે આ મદદ ક્યાં સુધી ચાલુ રહેશે અને તેનાથી વસાહતના લોકોને લાંબાગાળાની રાહત મળશે. પ્રશાસને મીડિયા સામે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આ બાબતને અતિશયોક્તિભરી રીતે રજૂ કરવામાં આવી રહી છે, જેના કારણે તેમની ફરજ પર અસર થઈ રહી છે. જો કે મીડિયા માને છે કે તે પોતાનું કામ કરી રહ્યું છે અને પ્રશાસને તેની જવાબદારી નિભાવવી જોઈએ.
કોલોનીના રહેવાસીઓ હજી પણ તે રાતની ભયાનકતામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને પ્રશ્ન એ છે કે આ સરકારી સહાય ક્યાં સુધી ચાલુ રહેશે અને તેમને સામાન્ય સ્થિતિમાં પાછા આવવાની તક ક્યારે મળશે.