Site icon Gujarat Today

એક સમયે નાના ગેરેજથી શરૂઆત કરી હતી, હવે ૬૬,૯૦૪ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ગુરૂગ્રામના સૌથી ધનિક વ્યક્તિ છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
હુરૂન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૪માં સ્થાન મેળવનાર નિર્મલ કુમાર મિંડા, હરિયાણાના ગુરૂગ્રામના સૌથી ધનિક વ્યક્તિ છે. મિંડા હાલમાં ઉનો મિંડા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. ગયા વર્ષે તેમની સંપત્તિમાં ૬૮ ટકાનો વધારો થયો છે અને તેમની કુલ સંપત્તિ હવે ૩૦,૮૦૦ કરોડ રૂપિયા છે. ઉનો મિંડા મેન્યુફેક્ચર્સ, જે ઓટો પાટ્‌ર્સનું ઉત્પાદન કરે છે, તેની શરૂઆત ખૂબ જ નાની હતી. એક નાની વર્કશોપથી જે શરૂ થયું તે હવે ૬૬,૯૦૪ કરોડ રૂપિયાની કંપની બની ગઈ છે, જે સખત મહેનત અને સમર્પણના સાચા પ્રમાણપત્ર તરીકે ઉભરી આવી છે. ઉનો મિન્ડા કાર અને ટુ-વ્હીલર માટે વિવિધ પ્રકારના ઓટો પાટ્‌ર્સનું ઉત્પાદન કરે છે. આ બિઝનેસની શરૂઆત નિર્મલ કુમારના દિવંગત પિતાએ ૧૯૫૮ માં કરી હતી. આ કંપનીની શરૂઆત રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક નાની વર્કશોપ તરીકે થઈ હતી. શરૂઆતમાં, આ કંપની મોટરસાયકલ માટે ઇલેક્ટ્રિક પાટ્‌ર્સ બનાવતી હતી. નિર્મલ મિંડા ૧૯૭૭માં માર્કેટિંગ વિભાગમાં ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. પોતાના શાણપણ અને ધંધાકીય કુશળતાથી નિર્મલે તેને સફળતાના શિખરે પહોંચાડ્યું. ઉનો મિંડા આજે એક પ્રખ્યાત નામ, વિશ્વભરમાં ૭૩ ફેક્ટરીઓ ધરાવે છે.૨૦૨૦થી તે ઇલેક્ટ્રિક વાહનો માટે સેન્સર અને લાઇટ જેવા ભાગો સપ્લાય કરી રહી છે. ઉનો મિંડા ગ્રુપના વડા નિર્મલ મિંડાને ઘણાં એવોર્ડ મળ્યા છે. તેમના નેતૃત્વમાં જૂથે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઉલ્લેખનીય છે કે, અબજોપતિ મિંડાને તેમની વ્યાવસાયિક અને સામાજિક સિદ્ધિઓ માટે હરિયાણા રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ફોર્બ્સના તાજેતરના ડેટા અનુસાર, મિંડાની સંપત્તિ ૨૦૧૮થી ૧ અબજ ડોલરથી વધીને હવે લગભગ ૨.૭ અબજ ડોલર થઈ ગઈ છે. અબજોપતિ અને સફળ ઉદ્યોગપતિ હોવા છતાં નિર્મલ કુમાર મિંડા હંમેશા સમાજની સેવા કરે છે અને સમુદાયોની સેવા કરવાનું પોતાનું મુખ્ય કર્તવ્ય માને છે. ઉનો મિંડા દ્વારા શરૂ કરાયેલ મિંડા બાલ ગ્રામ એક અનાથાશ્રમ છે જે ૭૦થી વધુ નિરાધાર બાળકોનું ઘર છે. અનાથાશ્રમ તેમને ભોજન, મફત શિક્ષણ, આશ્રય અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે છે. વધુમાં, મિંડા બાલ ગ્રામના બાળકોને ધોરણ પાંચમા સુધીનું શિક્ષણ આપવા માટે પ્રાથમિક શાળા મિંડા વિદ્યા નિકેતનની સ્થાપના કરવામાં આવી છે.

Exit mobile version