ઇઝરાયેલના લેબેનોન પરના ભૂમિ આક્રમણને સખત રીતે વખોડી કાઢતું તુર્કીર્, યુનોએ માંગી તાકીદના ધોરણે ૪૦ કરોડ ડોલરની સહાય, ઇઝરાયેલી આક્રમણને કારણે સંઘર્ષ વધી જતા સામૂહિક હિજરત શરૂ
(એજન્સી) બૈરૂત, તા.૧
ઇઝરાયેલના લશ્કરી દળોએ લેબેનોનમાં ઘૂસીને ભૂમિ આક્રમણ શરૂ કરી દેતા તુર્કી દ્વારા ઇઝરાયેલના લશ્કરી પગલાની સખત રીતે નિંદા કરવામાં આવી છે અને યુનોએ સંઘર્ષ વધી જતા હિજરત થઈ રહી હોવાથી ૪૦ કરોડ ડોલરની તાકીદની સહાય માંગી છે. ઈરાન સમર્થિત પ્રતિકાર હિઝબુલ્લાહ જૂથના નાયબ નેતા નઈમે ઇઝરાયેલ સામે લાંબુ યુદ્ધ લડી લેવાની પ્રતિજ્ઞા કરી હતી અને નસરૂલ્લાહનાં મોત બાદ સંગઠન સમક્ષ કરેલા પહેલા આગ ઝરતા ભાષણમાં નઈમ કાસમે જણાવ્યું હતું કે અમારા સંગઠનના લડાયક જવાનો લેબેનોનનું રક્ષણ કરવા માટે તૈયાર છે અને તેમણે ચેતવણી આપી હતી કે જો ઇઝરાયેલ ભૂમિ આક્રમણ કરશે તો અમે વળતી લડત આપવા માટે તૈયાર છીએ. બળવાખોર જૂથ તરફથી ઉત્તર ઇઝરાયેલમાં અનેક મિસાઈલ છોડવામાં આવી હતી, જેના કારણે લગભગ દસ લાખ ઈઝરાયેલીઓને ભૂગર્ભમાં બંકરોમાં આશરો લેવાની ફરજ પડી છે. દરમિયાન ઇઝરાયેલના લશ્કરે શહેરી વિસ્તારો ખાલી કરીને જતા રહેવા માટે ૨૦ જેટલા શહેરો અને ગામોના નાગરિકોને ફરમાન કર્યું છે. યુનોના શાંતિ રક્ષક મિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મર્યાદિત જમીની યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે એવી ઇઝરાયેલ દ્વારા યુનોને માહિતી આપવામાં આવી છે. યુનો શાંતિરક્ષક મિશને આ પ્રદેશમાં યુદ્ધ વધુ વકરે નહીં અને શાંતિની પુનઃસ્થાપના થાય એ માટે તમામ રીત ધારક પક્ષોને અનુરોધ કર્યો હતો. એ દરમિયાન ઇઝરાયેલના જમીની આક્રમણની કાર્યવાહીને તુર્કીએ સખત રીતે વખોડી કાઢી છે અને આ કાર્યવાહીને ગેરકાયદે ગણાવી છે અને ઇઝરાયેલના દળો તાત્કાલિક પાછા ખેંચી લેવાની માગણી કરી છે. તુર્કીના વિદેશ મંત્રાલય દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે હુમલાને કારણે ફરીથી હજારો લોકોને હિજરત કરવાની ફરજ પડશે. ઈરાન સમર્થિત મિલિટન્ટ જૂથ દ્વારા ઇઝરાયેલના પાટનગર તેલ અવીવ પાસે આવેલા મોસાદના વડા મથક ઉપર પણ મિસાઈલમારો કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલ દ્વારા સીરિયામાં પણ દમાસ્ક્સની આજુબાજુ કેટલાક વિસ્તારો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં કેટલીક જાનહાનિ થઈ હોવાનું જાહેર થયું છે. લેબેનોનના વડાપ્રધાન નજીબ મિકાતીએ જણાવ્યું હતું કે મારા દેશના ઇતિહાસનો સૌથી ખરાબ અને કપરો સમય છે અને સૌથી ભયજનક સમય કાળમાંથી મારો દેશ પસાર થઈ રહ્યો છે. ઇઝરાયેલ પણ વારંવાર કહી રહ્યું છે કે અમારી લડાઈ લેબેનોનના નાગરિકો સામે નથી પણ બળવાખોર ઈરાની જૂથ સામે છે. એટલે લોકો સલામત સ્થળે ચાલ્યા જાય અને ઓપરેશન પૂરૂં થયા પછી પોતાના વિસ્તારોમાં પાછા આવી શકે છે.