
ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
જે પ્રકારે ઈસ્લામી શિક્ષાઓમાં માનવતાથી ભલાઈ તથા માનવ સમાજની ઉન્નતિ અને પ્રગતિ માટે નૈતિક, સામાજિક, આર્થિક તથા આધ્યાત્મિક વ્યવસ્થાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તે જ રીતે ઈસ્લામે પોતાની એક રાજનીતિક વ્યવસ્થા પણ આપી છે. જેને લાગુ કરવા માટે ફકત માનવ સમાજને સુવ્યવસ્થિત સ્વરૂપે ચલાવી શકાય છે. એટલું જ નહીં પરંતુ તેને પ્રગતિશીલ પણ બનાવી શકાય છે.
ઈસ્લામની રાજનીતિક વ્યવસ્થા ત્રણ મૌલિક વિશ્વાસો અને બિંદુઓ પર આધારિત છે : તૌહિદ, રિસાલત અને ખિલાફત. એકેશ્વરવાદનો વિશ્વાસ ફકત અલ્લાહની સત્તા અને શાસનનો સ્વીકાર કરે છે અને તેના જ આદેશોના નિયમો અને સંવિધાનને માને છે. અલ્લાહનું આ સંવિધાન જે માધ્યમથી મનુષ્ય સુધી પહોંચે છે તેનું નામ ‘રિસાલત’ છે. આ માધ્યમથી મનુષ્યને બે વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. એક કુર્આન, જેમાં સ્વયં અલ્લાહે પોતાનું સંવિધાન વર્ણવ્યું છે. બીજું આ સંવિધાનની યોગ્ય અને વાસ્તવિક વ્યાખ્યા, જે મોહમ્મદ (સ.અ.વ.) સાહેબે અલ્લાહના પયગમ્બર હોવાને નામે પોતાના કથનો તથા કર્મો દ્વારા માનવતાની સમક્ષ પ્રસ્તુત કર્યા છે. આ જ બંને વસ્તુઓને ઈસ્લામી સંવિધાનનું નામ આપ્યું છે અને આ જ તે મૌલિક આધાર છે જેની ઉપર ઈસ્લામી રાજ્યનીસ સ્થાપના થાય છે.
ખિલાફત શબ્દનો પ્રયોગ અરબી ભાષામાં પ્રતિનિધિત્વના માટે બોલવામાં આવે છે. ઈસ્લામી શિક્ષા અનુસાર મનુષ્ય આ સંસારમાં અલ્લાહનો પ્રતિનિધિ છે. અર્થાત આ સંસારમાં તેના દ્વારા પ્રદાન કરવામાં આવેલા નિયમો અને પ્રાધિકારોનો પ્રયોગ કરે છે. ઈસ્લામી રાજનીતિક વ્યવસ્થા અનુસાર ઈસ્લામ કોઈ વ્યક્તિ વિશેષ, પરિવાર વિશેષ અથવા વર્ગ વિશેષને ખલીફા નિર્ધારિત કરતા નથી પરંતુ તે બધા તે સમાજને ખિલાફતનું દાયિત્વ પ્રદાન કરે છે. જે તૌહિદ અને રિસાલતના મૌલિક નિયમોનો સ્વીકાર કરીને પ્રતિનિધિત્વની શરતોને પૂર્ણ કરતા હોય.
આજ તે કેન્દ્ર બિંદુ છે જ્યાંથી ઈસ્લામમાં લોકતંત્ર તથા પ્રજાતંત્રનો આરંભ થાય છે. ઈસ્લામી સમાજનો પ્રત્યેક વ્યક્તિ ખિલાફતનો અધિકાર અને પ્રાધિકાર ધરાવે છે, આ અધિકારમાં તમામ વ્યક્તિ બરાબર એટલે કે એકસરખા ભાગીદાર છે. કોઈને પણ કોઈની ઉપર વરિષ્ઠતા પ્રાપ્ત નથી. રાજ્યની વ્યવસ્થા ચલાવવા માટે જે સરકાર બનાવવામાં આવશે તે તેઓની જ ઈચ્છા અનુસાર બનશે. આ જ લોકો પોતાના ખિલાફતના પ્રાધિકારનો એક ભાગ તેમને સોંપશે. સરકાર બનાવવા તથા તેને ચલાવવામાં તેઓના અભિપ્રાય અને સૂચનો સામેલ હશે. જે તેઓનો વિશ્વાસ પ્રાપ્ત કરશે. તે જ તેઓની તરફથી ખિલાફતના દાયિત્વનું નિર્વાહ કરશે અને જે તેઓનો વિશ્વાસ ગુમાવશે તેને આ પદ પરથી ખસી જવું પડશે. ઈસ્લામી અથવા મુસ્લિમ રાજ્યનો ઉદ્દેશ કુર્આનમાં સ્પષ્ટ શબ્દોમાં આ બતાવવામાં આવ્યો છે કે તે ભલાઈઓને સ્થાપિત કરે અને તેને ઉન્નતિશીલ બનાવે, બુરાઈઓને રોકે કે અટકાવે તથા તેને નષ્ટ કરવાની વ્યવસ્થા કરે. ઈસ્લામી રાજનીતિક વ્યવસ્થામાં જ્યાં મુસલમાનોના અધિકારોને નિર્ધારિત કરવામાં આવ્યા છે ત્યાં બીજા ધર્મોના લોકોના અધિકારોને પણ નિર્ધારિત કર્યા છે. ઈસ્લામી રાજનીતિક વ્યવસ્થામાં અન્ય ધર્મોના લોકોને પોતપોતાના ધર્મ ઉપર જળવાઈ રહેતા ધાર્મિક કૃત્યોને પૂર્ણ કરવા, રીતિ-રિવાજ તેઓના ધર્મના તહેવારોને મનાવવા કે ઉજવવાની સંપૂર્ણપણે સ્વતંત્રતા પ્રદાન કરવામાં આવી છે. તેઓ ફક્ત પોતાના ધર્મનો પ્રચાર તથા પ્રસાર કરવાની સ્વતંત્રતા ધરાવે છે. એટલું જ નહીં પરંતુ સંવિધાનની સીમામાં રહીને ઈસ્લામ ધર્મ ઉપર આલોચના કે ટીકા પણ કરી શકે છે.
ફોજદારી તથા દીવાની નિયમોમાં મુસ્લિમ તેમજ અન્ય લોકોની વચ્ચે કોઈ ભિન્નતા રાખવામાં આવી નથી. તેમના વ્યક્તિગત વિધાનોમાં ઈસ્લામી રાજ્ય કોઈ હસ્તક્ષેપ કરશે નહીં. આ પ્રકારે એક ઈસ્લામી રાજ્યના માટે આ ઉચિત કે યોગ્ય નથી કે તે બીજા રાજ્યોમાં મુસલમાનો ઉપર કરવામાં આવતા દમન, અત્યાચારો તથા અન્યાયનો પ્રતિકાર કે બદલો પોતાના રાજ્યમાં વસવાટ કરતા બીજા કે અન્ય ધર્મના લોકોની સાથે લે.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)