(એજન્સી) તા.૫
દક્ષિણ લેબેનોનની એક હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું કે ઇઝરાયેલી દળોએ શુક્રવારે હોસ્પિટલને ખાલી કરવાની ચેતવણી આપ્યા બાદ ગોળીબાર કર્યો છે. બિન્ત જબીલ શહેરની સાલાહ ગંદૌર હોસ્પિટલના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ગોળીબારમાં ‘તબીબી અને નર્સિંગ સ્ટાફના નવ સભ્યો ઘાયલ થયા છે, જેમાંથી મોટાભાગના ગંભીર છે,’ જ્યારે મોટાભાગના તબીબી કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. એક દિવસ પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે લેબેનોનમાં પાછલા ૨૪ કલાકમાં ૨૮ આરોગ્ય કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. આ પહેલા શુક્રવારે ઈઝરાયેલી સેનાએ એક નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે હિઝબુલ્લાહ દ્વારા આતંકીઓ અને હથિયારોના પરિવહન માટે બચાવ વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.