એક રાતમાં થયેલા સૌથી વ્યાપક હુમલામાં એક પેટ્રોલ પંપ સહિત અનેક ઈમારતોને નુકસાન
લેબેનોનના ભૂમિ યુદ્ધમાં હિઝબુલ્લાહના ૪૦૦ લડાકુને મારી નાખ્યા હોવાનો ઈઝરાયેલનો દાવો
(એજન્સી) બૈરૂત, તા.૭
દક્ષિણ બૈરૂત પરના અત્યાર સુધીના સૌથી મોટા, સૌથી ભયાનક અને ભીષણ હવાઈ આક્રમણમાં ઈઝરાયેલના ૩૦ યુદ્ધ વિમાનોથી એક જ રાતમાં અનેક સ્થળે ભયંકર બોમ્બવર્ષા કરવામાં આવી હતી જેના કારણે ચારેય તરફ ભારે વિનાશ અને તબાહીના દૃશ્યો જોવા મળ્યા હતા. ચારેય તરફ બિલ્ડિંગોમાંથી નીકળતી આગ અને ઘુમાડાથી બૈરૂતનું આકાશ છવાઈ ગયું હતું. એક અહેવાલ મુજબ એક પટ્રોલ પંપ અને કેટલીક બિલ્ડિંગો ઉપર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલી સેનાના પ્રવકતાએ જણાવ્યું હતું કે, લડાકુ જૂથના શસ્ત્ર અને દારૂગોળો જ્યાં હોય છે એ તમામ બિલ્ડિંગો પર સચોટ નિશાન લગાવી બોમ્બ વર્ષા કરવામાં આવી હતી. પાકી બાતમીના આધારે હુમલા કરવામાં આવ્યા હતા. દરમ્યાન ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે, લેબેનોનમાં ભૂમિ યુદ્ધમાં અત્યાર સુધીમાં હિઝબુલ્લાહના ૪૦૦ લડાકુને ખતમ કરવામાં આવ્યા છે. લડાકુ જૂથના ગઢ ગણાતા વિસ્તારોમાં યુદ્ધ ચાલી રહ્યું છે.