આરોપી ચંદન વર્મા શનિવારે જેલમાં બંધ હતો; પરિવારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી
(એજન્સી) તા.૮
અમેઠીમાં હત્યા કરાયેલા દલિત પરિવારના સગાએ આરોપ મૂક્યો કે આરોપી ચંદન વર્માએ મૃતક પૂનમ સાથે બળજબરીથી લીધેલી કથિત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પરિવારનો આરોપ છે કે જો પોલીસે મહિલાની ફરિયાદ પર કાર્યવાહી કરી હોત તો હત્યા નિવારી શકાઈ હોત. એક દલિત પરિવારના ચાર સભ્યો સુનિલ કુમાર (૩૫) કે જે પન્હૌનાની કમ્પોઝિટ સ્કૂલમાં સહાયક શિક્ષક હતા, તેમની પત્ની પૂનમ અને તેમના ૫ અને ૨ વર્ષની વયના બે બાળકોની ગુરૂવારે ભવાની નગરમાં તેમના નિવાસસ્થાને વર્મા દ્વારા કથિત રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે શુક્રવારે રાત્રે નોઈડાના ટોલ પ્લાઝા નજીક વર્માની ધરપકડ કરી હતી, જ્યારે તે દિલ્હી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. શનિવારે તેમના વતન ગામમાં મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પૂનમ સાથેના સંબંધોમાં ખટાશ આવ્યા બાદ વર્માએ કથિત રીતે પરિવારની હત્યા કરી હતી. જો કે, પરિવારે દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે બે મહિના કરતા ઓછા સમય પહેલા પૂનમે નોંધાવેલી ફરિયાદ પર પોલીસે કાર્યવાહી કરી હોત તો પરિવારને બચાવી શકાયો હોત. મીડિયા અનુસાર, મૃતક પૂનમના ભાઈ ભાનુએ કહ્યું, “ચંદન મારી બહેનને તેની સાથે વાત કરવા દબાણ કરતો હતો. તેણે તેની સાથે બળજબરીથી તસવીરો પણ ખેંચી હતી, જે હવે વાઇરલ કરવામાં આવી રહી છે,” તેણે ઉમેર્યું, ‘જો મારી બહેને એફઆઈઆર નોંધાવ્યા પછી સ્થાનિક પોલીસે ચંદન સામે કાર્યવાહી કરી હોત તો આ ઘટના બની ન હોત.’ વર્માને શનિવારે રાયબરેલી જિલ્લા જેલમાં ખસેડવામાં આવ્યો હતો. ગુના માટે વપરાયેલ શસ્ત્રો રીકવર કરતી વખતે તેણે કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યા પછી પોલીસે તેને ગોળી મારી હતી. પોલીસે વર્માને પગમાં ગોળી મારી હતી જ્યારે તેણે સબ ઈન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, વર્માએ ગુનો કબૂલ કર્યો હતો અને પરિવારની હત્યા કર્યા પછી તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં તેણે મિસફાયર કર્યું હતું અને ફરીથી પ્રયાસ કરવાની હિંમત નહોતી કરી. દરમિયાન, પીડિતોના વિસ્તૃત પરિવારે ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. પાંડેએ મીડિયાને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. આદિત્યનાથે ટિ્વટ કર્યું, “ઊંચાહરના માનનીય ધારાસભ્ય મનોજ પાંડેજીની હાજરીમાં હું અમેઠીમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પીડિત પરિવારને મળ્યો. યુપી સરકાર સંપૂર્ણ સંવેદના અને પ્રતિબદ્ધતા સાથે પીડિત પરિવાર સાથે ઉભી છે. ખાતરી રાખો, પીડિતોને ચોક્કસપણે ન્યાય મળશે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.