આખા દેશમાં તમામ સ્ટોર અને ધંધા રોજગાર તથા જાહેર પરિવહન વ્યવસ્થા અને તમામ ટેલિવિઝન પ્રસારણ બંધ રહ્યા અને દેશ આખામાં રજા જાહેર થઈ
(એજન્સી) તેલ અવીવ, તા.૧૨
શનિવારે યહૂદી કેલેન્ડરના સૌથી પવિત્ર ગણાતા દિવસ યોમ કીપુરની સમગ્ર ઇઝરાયેલમાં જાહેર રજા સાથે ઉજવણી કરવામાં આવી હતી અને ૧૯૭૩ બાદ પહેલીવાર યુદ્ધના માહોલમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. યુદ્ધના મોરચે જોડાયેલા સૈનિકોને આ દિવસે ઉપવાસ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. લેબેનોન અને ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલની સેના યુદ્ધ કરી રહી છે અને ઈરાન તથા યમન તરફથી ઇઝરાયેલ પર સતત રોકેટમારા થઈ રહ્યા છે એવા યુદ્ધના વાતાવરણમાં પહેલી વખત દેશભરમાં પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આખા દેશમાં જાહેર રજા રાખવામાં આવી હતી. તમામ ધંધા રોજગાર તથા સ્ટોર દુકાનો તથા જાહેર વિતરણ વ્યવસ્થા અને ટેલિવિઝન પ્રસારણો બંધ રહ્યા હતા. યહૂદી લોકોએ આખો દિવસ ઉપવાસ કરીને અને પ્રાર્થના તથા પ્રાયશ્ચિત કરીને દિવસ મનાવ્યો હતો. નવા નિયુક્ત થયેલા મુખ્ય યહૂદી પાદરી ડેવિડ યુસુફે સૈનિકોને યુદ્ધના મોરચે પવિત્ર દિવસે ઉપવાસ ન કરવાનો આદેશ કર્યો હતો. યહૂદી કેલેન્ડરમાં યોમ કીપુર સૌથી પવિત્ર દિવસ આપણા માટે ગણાય છે. જે રોષ હર્ષનાદથી શરૂ થાય છે અને દસ દિવસ બાદ પરિપૂર્ણ થાય છે જે યહૂદી નવા કેલેન્ડરની શરૂઆત છે એ દિવસને રોસે હસનાહ કહેવામાં આવે છે એ દિવસે તમામ યહૂદી ૨૫ કલાકના ઉપવાસ કરે છે.