(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
આ મહિલા જેમના વિશે આજે અહીં વાત કરવાની છે તેમનું જીવન લાખો સાહસિકો માટે પ્રેરણારૂપ છે. જે લોકો કોર્પોરેટ જગતમાં સફળ થવાની તમન્ના રાખીને મહેનત કરે છે એમના માટે શ્રીમતી રજની બેક્ટરનું જીવન પથદર્શક છે અને એમના માટે ગાઈડનું કામ કરે છે.
રજની બેક્ટરે માત્ર રૂપિયા ૨૦,૦૦૦ના મૂડીરોકાણથી નાનકડો વ્યવસાય શરૂ કર્યો હતો અને આજે તેઓ એમના આ નાનકડા વ્યવસાયને વિરાટ રૂપ આપીને કરોડો રૂપિયાની મહાકાય કંપનીના રૂપમાં વિસ્તૃત કરી શક્યા છે. એ એમની મહેનત તથા ધગશને આભારી છે. કાલે એમનો માર્ગ આસાન નહોતો અને અનેક પડકારો સામે હતા. સખત સ્પર્ધા તો હતી જ પણ સાથે-સાથે સામાજિક વાડાબંધીનો પણ સામનો કરવાનો હતો પણ તેમણે પરિશ્રમ ચાલુ રાખ્યો અને નવું-નવું કરવાથી કદી પણ અટક્યા નહીં. લુધિયાણામાં એમણે પોતાના ઘરે આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કર્યું હતું અને એ પછી બિસ્કીટ અને અન્ય ખાદ્યચીજો પણ બનાવવાનું શરૂ કર્યું હતું અને એમની કંપની ઝડપથી પ્રગતિ કરતી ગઈ હતી અને એમની તમામ પ્રોડક્ટ ટૂંક સમયમાં જાણીતી થઈ ગઈ હતી.
શ્રીમતી રજની બેક્ટરના જીવનમાં એક જોરદાર અને મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે મેકડોનાલ્ડ જેવી વિશ્વવ્યાપી કંપનીએ એમની કંપની ફૂડ સ્પેશિયાલિટીઝ લિમિટેડની ઉપર પસંદગી ઉતારી હતી અને બન સપ્લાયર તરીકે આ કંપનીની કાયમી પસંદગી કરવામાં આવી હતી. આ બહુ મોટી તક જવા દે તો એમનું નામ રજની નહીં. તેમણે તરત જ તેમની ચીજવસ્તુઓ માટે બજારમાં વધતી જતી માંગને પ્રતિસાદ આપ્યો અને ગ્રેટર નોઈડામાં ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરી દીધો અને એ પછી દેશભરમાં અનેક વિવિધ શોપ પણ શરૂ કરી. ૨૦૨૩ સુધીની ગણતરીમાં એમની કંપનીની માર્કેટ વેલ્યુ રૂા.૬૬૮૧ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે અને મિસિસ બેક્ટર્સ ફૂડ સ્પેશ્યાલિટીઝ લિમિટેડ કંપની ઉદ્યોગની સૌથી ઝડપથી વિકાસ પામતી અને પ્રતિષ્ઠિત કંપની બની ગઈ છે. એમની કંપનીમાં બનતી તમામ ચીજો અને ખાદ્ય પદાર્થોની દેશભરમાં ખરીદી થાય છે અને દેશભરમાંથી એ ઉપલબ્ધ પણ છે. જે લોકો કોર્પોરેટ વિશ્વમાં સફળ થવા માંગે છે એ તમામ નવા સાહસિકો માટે શ્રીમતી રજનીનું જીવન ઉદાહરણરૂપ છે અને અત્યારે પણ લાખો લોકોને પ્રેરણા આપી રહ્યું છે. એમનું જીવન બતાવે છે કે જો તમે ધીરજ રાખો અને રચનાત્મક બનો અને નવા નવા સંશોધન કરીને સારી રીતે ધગશથી મંડ્યા રહો તો કશું પણ કરવું અશક્ય નથી. જે લોકો ખૂબ જ મહેનત અને લગન સાથે કોઈપણ નવા ક્ષેત્રમાં આવીને મંડ્યા રહે છે એમને સફળતા મળે જ છે એ દર્શાવતું ઝળહળતું ઉદાહરણ રજની બેક્ટરનું છે.