નોંધપાત્ર પુરૂષાર્થ અને અડગ
નિશ્ચયની પ્રેરણારૂપ ગાથા
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
દેશની સૌથી મુશ્કેલ તથા પડકારરૂપ અને એટલી જ પ્રતિષ્ઠારૂપ ગણાતી UPSC પરીક્ષા પસાર કરવાની દેશના દરેક યુવાન યુવતીની તમન્ના હોય છે અને એ માટે તમારે નોંધપાત્ર મહેનત કરવી પડે છે. શિસ્તના ગુણો કેળવવા પડે છે અને કલાકોના કલાકો પરીક્ષાની તૈયારીઓ કરવી પડે છે. ઘણા તેજસ્વી અને આશાસ્પદ યુવાનો અને યુવતીઓ પરીક્ષાની તૈયારીઓ કરીને IAS તથા IPS કે IFS અધિકારીની પ્રતિષ્ઠિત જગ્યા પર લાયક કરવા માટે પરીક્ષા પસાર કરવા માટે ખૂબ જ આતુર હોય છે. ઘણા બેથી ત્રણ પ્રયાસ પછી પરીક્ષા પસાર કરે છે અને IAS ની જગ્યાએ પ્રતિષ્ઠિત છે તેના માટે લાયક કરે છે પણ કેટલાક ઉમેદવારો એવા પણ હોય છે જે ટોપ રેન્ક મેળવ્યો છતાં અને પહેલા જ પ્રયાસે અને સૌથી નાની ઉંમરે પરીક્ષા પસાર કર્યા છતાં IFS જેવી સેવામાં જવાનું વધુ પસંદ કરે છે. વિદુષી સિંગ એક એવું પ્રેરણાદાયક ઉદાહરણ છે જેમણે ઓલ ઇન્ડિયા રેન્ક ૧૩ મેળવ્યો અને માત્ર ૨૧ વર્ષની ઉંમરે UPSC પરીક્ષા પસાર કરી હતી. તેમનો જન્મ રાજસ્થાનના જોધપુરમાં થયો પણ એમનો પરિવાર અયોધ્યામાં વસવાટ કરે છે. વિદુષીએ ૨૧ વર્ષની ઉંમરે જ પડકારરૂપ પરીક્ષા પસાર કરી લીધી હતી અને કોઈપણ વિધિસરનું કોચિંગ લીધા વગર પરીક્ષા પસાર કરી હતી. દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી અર્થશાસ્ત્રમાં BAની ડિગ્રી મેળવ્યા બાદ ૨૦૨૦માં તેમણે UPSC ઝ્ની સફર શરૂ કરી હતી. કોચિંગ ક્લાસમાં જોડાવાને બદલે તેમણે જાતે અભ્યાસ કરવા માટેનું એક મજબૂત અને નક્કર માળખું અને શિડયુલ તૈયાર કરી લીધા હતા. NCERT ના પુસ્તકો અને અન્ય વાંચન સામગ્રી પર આધાર રાખીને એમણે જોરદાર તૈયારીઓ શરૂ કરી હતી તેમજ જૂનથી ડિસેમ્બર ૨૦૨૧ સુધી મોક ટેસ્ટ અને પ્રેક્ટિસ એક્ઝામ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એમના પુરૂષાર્થનું ફળ મળ્યું હતું અને તેમણે ઇન્ટરવ્યુ રાઉન્ડમાં ૧૮૪ માર્ક તેમજ કુલ ૧૦૩૯ ગુણ પ્રાપ્ત કર્યા હતા. તેમણે વૈકલ્પિક વિષય તરીકે અર્થશાસ્ત્ર પસંદ કર્યું હતું જેના કારણે એમને વધુ સફળતા મળી હતી. આટલી સફળતા છતાં તેમણે IAS નહીં પણ IFS ની કારકિર્દી પસંદ કરી.