(એજન્સી) તા.૨૦
પશ્ચિમ ગાઝામાં યુનાઇટેડ નેશન્સ એજન્સી ફોર પેલેસ્ટીની રેફ્યુજીસ (UNRWA) દ્વારા સંચાલિત એક શાળાને નિશાન બનાવતા ઇઝરાયેલી હવાઇ હુમલામાં શનિવારે બાળકો અને મહિલાઓ સહિત ઓછામાં ઓછા સાત પેલેસ્ટીનીઓ મૃત્યુ પામ્યા છે. આ શાળા વિસ્થાપિત પરિવારોને આશ્રય આપતી હતી. પેલેસ્ટીની ડોક્ટરોના જણાવ્યા અનુસાર શાળા પરના ઇઝરાયેલના હુમલામાં સાત લોકો મૃત્યુ પામ્યા અને ઘણા લોકો ઘાયલ થયા હતા, ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, હવાઇ હુમલામાં શાતિ શરણાર્થી શિબિરમાં સ્થિત અસ્મા શાળાને નિશાન બનાવવામાં આવી હતી, જ્યાં હાલમાં હજારો વિસ્થાપિત પેલેસ્ટીનીઓ રહે છે.
ઉત્તર ગાઝામાં ચાલુ બોમ્બમારાથી ભાગી ગયેલા પરિવારો માટે શાળાનો ઉપયોગ આશ્રયસ્થાન તરીકે કરવામાં આવી રહ્યો હતો. હમાસે સરહદ પારથી હુમલો શરૂ કર્યો ત્યારથી ઇઝરાયેલે ગાઝામાં ૪૨,૫૦૦થી વધુ લોકોને માર્યા છે. સમૂહના નેતા યાહ્યા સિનવાર આ અઠવાડિયાની શરૂઆતમાં મૃત્યુ પામ્યા હતા. ૩૧ જુલાઈએ તેહરાનમાં ઇસ્માઇલ હાનિયાહની હત્યા બાદ સિનવારે કમાન સંભાળી હતી.