(એજન્સી) આગ્રા, તા.૨૦
ગયા વર્ષે ૧૭ વર્ષની ઉંમરની એક દલિત સગીરાનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ આચરવાના ગુના બદલ ફૈઝાબાદની સ્પેશિયલ પોકસો અદાલતે એક આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને રૂપિયા ૬૬,૦૦૦નો દંડ પણ કર્યો છે જે રકમ તેણે પીડિતાને ચૂકવવાની રહેશે.
કેસની વિગતો મુજબ બીજી જૂન ૨૦૨૩ના રોજ પરિહા પોલીસ મથક વિસ્તારમાં આ ઘટના બની હતી. દલિત સગીરાની પડોશમાં રહેતો રઈસ ખાન નામનો શખ્સ તેને ધમકી આપીને અને સાથે ન આવે તો તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપીને તેનો ઉપાડી ગયો હતો. પરિવારની સુરક્ષાને લઈને ડરી ગયેલી સગીરા ખાનના મોટરસાયકલ પર બેસી ગઈ હતી ત્યારે સિકોહાબાદ ગામમાંથી ખાન તેને ટ્રેન મારફત એ જ્યાં કામ કરે છે એ પંજાબ સુધી લઈ ગયો હતો અને હવે પછી બેથી ત્રણ દિવસ સુધી સગીરા પર તેને બળાત્કાર ગુજાર્યો હતો તેવું પોલીસ તપાસમાં જાહેર થયું હતું. પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે પંજાબથી સગીરાને બચાવી લીધી હતી અને રઇસ ખાનની ધરપકડ કરી લીધી હતી અને તેની પર આઇપીસીની કલમ ૩૬૩ તથા ૩૬૬ અને ૩૭૬ તથા પોક્સો કાયદાની કલમ ૩ અને ૪ મુજબ તથા એસ.સી એસટી કાયદા મુજબ કલમો દાખલ કરીને ગુનો દાખલ કર્યો હતો. સ્પેશિયલ જજ રાજીવ સિંઘની અદાલતમાં આ કેસ અંગે ૮ સાક્ષીઓએ જુબાની આપી હતી અને પુરાવાની ચકાસણી કર્યા બાદ તથા તબીબી અને ફોરેન્સી રિપોર્ટ જોયા બાદ અદાલતે રઈસ ખાનને દોષિત જાહેર કર્યો હતો અને તેને માફી આપવાની વિનંતી કર્યા છતાં અદાલતે તેને આજીવન કેદની સજા ફટકારી હતી અને દંડ પણ કર્યો હતો.