(એજન્સી) તા.૨૧
લેબેનોનની રાજ્ય સમાચાર એજન્સીએ રવિવારે અહેવાલ આપ્યો કે ઇઝરાયેલી દળોએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત ફોસ્ફરસ શસ્ત્રોથી દક્ષિણ લેબેનીઝ શહેર કાફ્ર શુબા પર હુમલો કર્યો. કોઈ નુકસાન કે ઈજાઓ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. રાજ્ય સંચાલિત નેશનલ ન્યૂઝ એજન્સીએ પણ જણાવ્યું કે ઇઝરાયેલી દળોએ નજીકના શહેર અલ-કાંતારા પર ગોળીબાર કર્યો. ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ બેરૂતના દક્ષિણી ઉપનગરો પર પણ હવાઈ હુમલા કર્યા હતા, જેમાં હેરેટ હરેકના હિઝબુલ્લાહના ગઢનો પણ સમાવેશ થાય છે. વધુમાં, હિઝબુલ્લાહે જણાવ્યું કે તેના લડાકુઓએ ઉત્તરી ઇઝરાયેલમાં મિસગાવ એમ સેટલમેન્ટમાં ઇઝરાયેલની સૈન્ય તૈનાતી અને સીરિયન હસ્તકના ગોલાન હાઇટ્સમાં માઆલે ગોલાની બેરેકને રોકેટ વડે નિશાન બનાવ્યા હતા. ઇઝરાયેલે ગયા મહિનાના અંતથી લેબેનોનમાં હિઝબુલ્લાહ લક્ષ્યો સામે એક મોટી હવાઈ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં ૧,૫૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૩.૪ લાખથી વધુ વિસ્થાપિત થયા છે. ગયા ઓકટોબરમાં ગાઝા યુદ્ધ બાદથી બંને પક્ષો વચ્ચે સીમા પાર લડાઈ ચાલુ છે.