વોશિગ્ટન તા. ૨૦
હૈદરાબાદમાં દલિત વિદ્યાર્થી રોહીત વેમુલાની આત્મહત્યાના મામલે ઈન્ડીયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલે (આઈએએમસી) શોક અને આઘાતની લાગણી વ્યક્ત કરતાં એવું કહ્યું કે રોહીતની આત્મહત્યાથી ભાજપની સંઘવાદી વિચારસરણી છતી થઈ છે. ભારતના સહિષ્ણુતાના મૂલ્યોનું જતન કરવા પ્રત્યે સમર્પિત થયેલા આ જૂથે એક નિવેદનમાં રોહીતની આત્મહત્યા પર શોક અને આઘાત વ્યક્ત કર્યો હતો.કાઉન્સીલે એક બયાન જારી કરીને એવું જણાવ્યું છે કે રોહીતના આપઘાતને મામલે માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની ભૂમિકા છતી થઈ છે. આ બીજી વખત માનવ સંસાધન વિકાસ મંત્રાલયે યુનિવર્સિટીના કામકાજમાં હસ્તક્ષેપ કર્યો છે. આ પહેલા પણ મદ્રાસ ખાતેની આઈઆઈટીએ આંબેડકર પરિયાર સ્ટડી સર્કલ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મુસ્લિમ કાઉન્સીલે ભારત અને વિશ્વના તમામ લોકોને અપીલ કરતાં એવું જણાવ્યું કે જાતિ આધારિત દમનને વંશવાદના એક સ્વરૂપ તરીકે જ ગણવામાં આવે. ઈન્ડીયન અમેરિકીન મુસ્લિમ કાઉન્સીલના પ્રમુખ ઉમર મલિકે એવું કહ્યું કે રોહીતની આત્મહત્યાથી ભારતમાં ઊંડે સુધી મૂળ જમાવેલું જાતિ આધારિત દમન છતું થયું છે. રોહીતનું મોત એક ઊંડા શોક અને આઘાતનો પ્રસંગ બન્યો છે. એટલું જ નહી પરંતુ રોહીતના મોત માનવાધિકાર અને ધાર્મિક આઝાદીને ખેવના કરનાર લોકો માટે એક આહવાન સમાન બન્યું છે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરી રહેલા દલીત વિદ્યાર્થીના આપઘાત પછી કેન્દ્રીય મંત્રી બંડારૂ દત્તાત્રેય અને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અપ્પારાવની સામે આપઘાત માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. દલિત વિદ્યાર્થી રોહીતની આપઘાતનો પડઘો સમગ્ર દેશભરમાં પડ્યો છે રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયાં હતા.