
ઈસ્લામની ઝલક- પ્રો. અખ્તરૂલ વાસે
માનવ સમાજમાં વ્યાજનો વિષય હંમેશા જ ચર્ચાસ્પદ રહ્યો છે, સાથોસાથ આ પણ વાસ્તવિકતા રહી છે કે માનવ ઈતિહાસનો સંભવતઃ કોઈપણ યુગ એવો નહીં વિત્યો હોય જેમાં પ્રાયોગિક અને ક્રિયાત્મક સ્વરૂપે વ્યાજનું આદાન-પ્રદાન ન થયું હોય. વ્યાજની આ ક્રિયાત્મક લેવડ-દેવડ હોવા છતાં માનવ ઈતિહાસની આ એક ખૂબ જ મોટી હકીકત રહેવા પામી છે કે આરંભથી જ કયારેય પણ કોઈપણ સમાજે આને યોગ્ય સમજ્યું નથી. આ જ કારણે આપણે જોઈએ છીએ કે લગભગ તમામ ધર્મો અને સમાજોમાં આની નિંદા કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ આને રોકવા કે અટકાવવાની યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ જ રીતે આ પણ એક સચ્ચાઈ છે કે વર્તમાન યુગમાં પણ કોઈપણ આર્થિક વ્યવસ્થા હોવી જોઈએ, પછી તે વ્યાજ પર આધારિત હોય એટલું જ નહીં પરંતુ તેના વ્યાજદરને ધીમેધીમે ઘટાડીને શૂન્ય દર સુધી લાવવા ઈચ્છતું હોય.
વ્યાજના સંબંધમાં મૌલિક ઈસ્લામી સ્ત્રોતો અર્થાત કુર્આન તથા હદીસ અને ઈસ્લામી શિક્ષાઓનો પક્ષ સંપૂર્ણપણે સુસ્પષ્ટ છે. કુર્આનમાં અલ્લાહનું કથન છે કે અલ્લાહે વ્યાપાર અને લેનદેનને યોગ્ય તથા હલાલ ઠરાવ્યા છે અને સૂદ અર્થાત વ્યાજને અયોગ્ય અને હરામ ઠરાવ્યું છે. વ્યાજને અયોગ્ય અને હરામ કરવાની આ ઘોષણા ફકત બૌદ્ધિક અને સૈદ્ધાંતિક જ નહીં પરંતુ અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબે પોતાના જીવનની સાથે આના ક્રિયાત્મક સ્વરૂપને પણ પ્રગટ કર્યો અને ૧૦ હિજરીમાં હજના પ્રસંગે પોતાના અંતિમ ઉપદેશમાં વ્યાજને અયોગ્ય ઠરાવ્યું એટલું જ નહીં પરંતુ સૌ પ્રથમ પોતાના વંશ બનુ હાસિમનું વ્યાજ પણ માફ કરી દીધું. વ્યાજને અયોગ્ય અને હરામ કહેવાનો ઈસ્લામે પોતાનો આધાર ન્યાયને બનાવ્યો છે અને તે અંગે કથન છે કે જો કોઈપણ અર્થવ્યવસ્થામાં વ્યાજની પ્રક્રિયા પ્રચલિત થશે તો ત્યાં ન્યાય સ્થાપિત થઈ શકતો નથી. કેમ કે વ્યાજની પ્રક્રિયા દ્વારા સમાજનો એક વર્ગ બીજા વર્ગનું શોષણ કરે છે અને ધીમેધીમે સમાજના ઘણા બધા લોકો ફકત સંપૂર્ણપણે ધનહીન કે નિર્ધન થઈ જાય છે એટલું જ નહીં પરંતુ તેઓને જીવન જીવવા માટેના મૌલિક સંસાધન પણ પ્રાપ્ત થતા નથી.
ઈસ્લામે આ જ વિચારધારા અને પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે પોતાની આ એક વિશેષ અર્થવ્યસ્થા પ્રસ્તુત કરી છે જેમાં ફકત વ્યાજને હરામ કહેવામાં આવ્યું એટલું જ નહીં પરંતુ ગેરકાયદેસર રીતે ધન એકત્રીકરણને પણ અયોગ્ય માનવામાં આવ્યું. સમાજમાં ન્યાયની સ્થાપના તથા ધનના યોગ્ય વિતરણ માટે જકાત તેમજ સદકાની પ્રક્રિયા લાગુ કરવામાં આવી જેથી કરીને સમાજનો જે વર્ગ આર્થિક રીતે પાછળ ધકેલાઈ ગયો હોય તેઓની માત્ર સહાયતા થઈ શકે એટલું જ નહીં પરંતુ તેઓને પણ જીવન જીવવા સંબંધી સંસાધન પ્રાપ્ત થઈ શકે. જો વર્તમાન યુગના માનવ સમાજનું અધ્યયન કરવામાં આવે તો આ જાણવા મળે છે કે આજના આ આધુનિક યુગમાં જેટલી પણ અર્થવ્યવસ્થાઓ પ્રચલિત છે, તે તમામ મૂળભૂત રીતે વ્યાજ પર આધારિત છે. આ જ કારણે આપણે જોઈએ છીએ કે સમાજમાં ધનવાન અને નિર્ધનો વચ્ચે જે ખીણ પડી છે તે વધી રહી છે. જો માનવ સમાજની આ વધી રહેલી ખીણને ઘટાડવી હોય અને માનવ સમાજને વિઘટન તથા પતનથી બચાવવો હોય તો પોતાની અર્થવ્યવસ્થામાંથી વ્યાજની આ પ્રક્રિયાનું સમાપન કરવું પડશે અને આ જ માનવ સમાજનું હિત કહેવાશે.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)