(એજન્સી) મુંબઈ, તા.ર૮
બુધવારે મૌલાનાઓના એક જૂથ દ્વારા રોહિંગ્યા મુસ્લિમોના ભારતમાં રહેવા અંગે પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ શહેરના ગ્રાન્ટેડ રોડ સ્ટેશન નજીક આવેલી બિલાલ મસ્જિદમાં આ બેઠક યોજાઈ હતી. જેમાંથી શહેરના વિવિધ ભાગોમાંથી મૌલાનાઓએ હાજરી આપી હતી. મુફતી અબ્દુલ સત્તારે કહ્યું કે આ માનવતા અંગેનો મુદ્દો છે. રોહિંગ્યાઓને ભારતમાં રહેવાની અનુમતિ આપવી જોઈએ. આ બેઠકમાં ચર્ચા થઈ હતી કે ભારતે આ પહેલાં પણ શ્રીલંકા તિબેટ અને બાંગ્લાદેશના શરણાર્થીઓને આવકાર્યા છે. રોહિંગ્યા મુસ્લિમ માટે પણ આપણે દરવાજા ખોલવા જોઈએ. સરફરાઝ આરઝુ નામના પત્રકારે બેઠક દરમ્યાન કહ્યું કે જો આપણે હિન્દુને આવકારીએ છીએ તો મુસ્લિમોને પણ આવકારવા જોઈએ. જો રોહિંગ્યાઓને મ્યાનમાર પરત મોકલવામાં આવી રહ્યા હોય તો ભારત સરકારે ત્યાં તેમની સુરક્ષા અંગે ખાતરી આપવી જોઈએ. મૌલાના ઈદ્રીસ બસ્તાવીએ કહ્યું કે આપણે એ વાતને પણ ધ્યાનમાં લેવી જોઈએ કે રોહિંગ્યાઓ પર આ હુમલાની શરૂઆત મ્યાનમારના સુરક્ષાદળના ૭૮નાં મૃત્યુ બાદ થઈ હતી. જો આપણા સમાજમાં આવા લોકો છે તો તે આપણા દુશ્મનો છે. જે લોકો સમાજ માટે આવી મુશ્કેલી ઊભી કરે છે તેઓ તિરસ્કારને પાત્ર છે. બેઠકના સંયોજક મૌલાના અશરફે જણાવ્યું કે અમે આ મુદ્દે પ્રધાનમંત્રીને મળવાનું નક્કી કર્યું છે. ભારત માનવતાવાદી મુદ્દાઓ માટે હંમેશાથી જાણીતો છે. અહીં જે માનવીય કાર્યો થાય છે તે વિશ્વમાં અન્ય ક્યાંય થતા નથી.