ટીમ ઇન્ડિયાના ધુરંધર બેટ્સમેનોનું સિરીઝમાં બીજીવાર શરમજનક પ્રદર્શન – પુણે ટેસ્ટમાં ન્યુઝીલેન્ડની મજબૂત સ્થિતિ, લીડ ૩૦૦ને પાર થઈ
પુણે, તા.૨૫
પુણેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડની સ્થિતિ મજબૂત છે. ન્યુઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં ૨૫૯ રન બનાવ્યા હતા તેના જવાબમાં ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં ૧૫૬ રનમાં સમેટાઈ ગઈ. ન્યુઝીલેન્ડે પ્રથમ ઇનિંગના આધારે ૧૦૩ રનની લીડ મેળવી છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડે બીજી ઇનિંગમાં બીજા દિવસના અંતે પાંચ વિકેટે ૧૯૮ રન બનાવ્યા છે અને લીડ ૩૦૧ રનની થઈ ગઈ છે. ગ્લેન ફિલિપ્સ ૯ અને ટોમ બ્લન્ડલ ૩૦ રન બનાવી અણનમ છે. ન્યુઝીલેન્ડે બીજી ઇનિંગમાં પ્રથમ ફટકો ડેવોન કોન્વેના રૂપમાં લાગ્યો, જેને વોશિંગ્ટન સુંદરે આઉટ કર્યો. અશ્વિને ૭૦ના સ્કોર પર યંગને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી. ન્યુઝીલેન્ડ માટે બોલિંગમાં મિચેલ સેન્ટનર ચમક્યો, જેણે કારકિર્દીની પ્રથમ પાંચ વિકેટ હોલ લેતા કુલ સાત વિકેટ ઝડપી. ભારત માટે રવિન્દ્ર જાડેજા ૩૮ રન સાથે હાઇએસ્ટ સ્કોરર રહ્યો. જ્યારે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે ૩૦-૩૦ રનની ઇનિંગ રમી. પ્રથમ ઇનિંગમાં બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શનના કારણે ભારતીય ટીમ બીજા દિવસે દબાણમાં આવી ગઈ છે. ભારતીય ટીમને જો આ મેચ જીતવી છે તો ના ફક્ત તેને ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડને જેટલું બની શકે એટલું જલ્દી આઉટ કરવું પડશે. ૩૦૦થી વધારેનું લક્ષ્યાંક ચોથી ઇનિંગમાં કોઈપણ ટીમ માટે મુશ્કેલ ટાસ્ક હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યુઝીલેન્ડ ૬૮ વર્ષોમાં પહેલીવાર ભારતમાં ઐતિહાસિક પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવાના પ્રયાસમાં છે. ન્યુઝીલેન્ડના કોઈપણ બેટ્સમેનને પિચ પર બેટિંગ કરવામાં કોઈ પરેશાની થતી દેખાઈ રહી નથી. જ્યારે આ પહેલા ભારતની સ્ટાર બેટિંગ લાઇનઅપ આ સિરીઝમાં બીજીવાર પાણીમાં બેસી ગઈ. ગત ટેસ્ટમાં બેંગ્લોરમાં જ ઘરેલુ ધરતી પર ભારતીય ટીમ ૪૬ રનમાં સમેટાઈ ગઈ અને પોતાના જ મેદાન પર ન્યુઝીલેન્ડ સામે ૩૬ વર્ષમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.