International

ઇઝરાયેલ ગાઝામાં પેલેસ્ટીની અટકાયતીઓનોમાનવ ઢાલ તરીકે ઉપયોગ કરે છે : અહેવાલ

(એજન્સી) તા.૨૫
ઇઝરાયેલે ઘેરાયેલા ગાઝા પટ્ટીમાં પેલસ્ટીનીયનોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કર્યો છે અને પોતાના લોકોમાં જાનહાનિ ટાળવા માટે અટકાયતીઓને સંભવિત બોમ્બથી ભરેલી ઇમારતો અને સુરંગોમાં દબાણ કર્યું છે. સીએનએનનો અહેવાલ એક ઇઝરાયેલી સૈનિક અને પાંચ પૂર્વ અટકાયતીઓની જુબાની પર આધારિત છે. સૈનિકે જણાવ્યું કે આ પ્રથા ગાઝામાં કાર્યરત ઇઝરાયેલી એકમોમાં વ્યાપક છે, અને તેણે સ્વીકાર્યું કે તેના યુનિટે માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાના સ્પષ્ટ હેતુ માટે બે પેલસ્ટીનીયનોની અટકાયત કરી હતી. તેણે જણાવ્યું કે ‘અમે તેમને અમારા પહેલાં બિલ્ડિંગમાં પ્રવેશવા કહ્યું, જો ત્યાં કોઈ બોમ્બ હશે, તો તે વિસ્ફોટ કરશે, અમને નહીં.’ આ પ્રથા એટલી સામાન્ય છે કે ઇઝરાયેલી સૈન્ય અપમાનજનક રીતે તેને ‘મચ્છર પ્રોટોકોલ’ કહે છે. પરંતુ સીએનએનએ જણાવ્યું કે આ પ્રથા કેટલી હદે પ્રેક્ટિસ કરવામાં આવે છે તે સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી, પરંતુ તે ઉત્તર ગાઝા, ગાઝા સિટી, ખાન યુનુસ અને રાફાહમાં થયું છે. સૈનિકે જણાવ્યું કે વસંતઋતુમાં ઇઝરાયેલી ગુપ્તચર અધિકારી બે પેલસ્ટીનીયન સાથે તેના યુનિટમાં આવ્યા હતા – એક ૧૬ વર્ષનો છોકરો અને એક ૨૦ વર્ષનો-અને સૈનિકોને તેમને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવા સૂચના આપી હતી. દાવો કરે છે કે તેઓ કોઈક રીતે હમાસ સાથે જોડાયેલા છે. જ્યારે સૈનિકે સૂચના પર પ્રશ્ન કર્યો, ત્યારે અધિકારીએ જવાબ આપ્યો, ‘તે સારું છે કે પેલસ્ટીનીયનો વિસ્ફોટ કરે અને અમારા સૈનિકો નહીં.’ સૈનિકે જણાવ્યું કે ‘તે એકદમ આઘાતજનક છે, પરંતુ ગાઝામાં થોડા મહિનાઓ પછી તમે સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી, ‘તમે થાકી જાવ. દેખીતી રીતે, હું ઈચ્છું છું કે મારા સૈનિકો બચી જાય. પરંતુ, તમે જાણો છો, દુનિયા આ રીતે કામ કરતી નથી.’ સૈનિકે જણાવ્યું કે તેણે અને તેના યુનિટના અન્ય સભ્યોએ એક વરિષ્ઠ અધિકારીને ફરિયાદ કરી, જેણે પહેલા તેમને ‘આંતરરાષ્ટ્રીય કાયદા વિશે ન વિચારવાની’ સૂચના આપી, પરંતુ અંતે તેણે બે પેલસ્ટીનીયનોને છોડી દીધા. સૈનિકે જણાવ્યું કે તેમની મુક્તિ દર્શાવે છે કે તેઓ પેલસ્ટીનીયન સમુહ સાથે જોડાયેલા નથી અને ‘તેઓ આતંકવાદી નથી.’