પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ
ઉમ્મુલ મોમીનીન (મોમીનોની માતા) હઝરત ઝૈનબ બિંતે જહશ બિન રિઆબ રદીઅલ્લાહુ અનહા પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના સાતમા પુનિત પત્ની હતા.
હઝરત ઝૈનબ રદી.ના પિતા જહશ અસદ બિન ખુજેમા કબીલાથી સંબંધ ધરાવતા હતા ત્યાંથી તેઓ સ્થળાંતર કરી મક્કામાં સ્થાયી થયા હતા. હઝરત ઝૈનબના માતા ઉમયમાં બિંતે અબ્દુલ મુત્તલીબ, કુરેશના હાશિમ જેવા ઉચ્ચ કબીલાથી હતા, આમ તેઓ હુઝુર (સ.અ.વ.)ના ફૂઈની પુત્રી હતા. એમના ભાઈ પ્રસિદ્ધ સહાબી અને સેનાપતિ હઝરત અબ્દુલ્લાહ બિન જહશ, એમના એક બીજા ભાઈ હઝરત અબુ એહમદ બિન જહશ રદી.ધાર્મિક કવિતાઓ લખનાર કવિ હતા, એમના મામા હઝરત હમઝા રદી. અને હઝરત અબ્બાસ રદી જેવા ઉચ્ચ કોટીના શૂરવીરો અને સહાબીઓ હતા.
હઝરત ઝૈનબ રદી.નો જન્મ હિજરતથી લગભગ બત્રીસ વર્ષ પહેલા મક્કામાં થયો હતો. નબી (સ.અ.વ.)સાહેબે નબુવ્વતનો એલાન કર્યું એ વખતે જહશ અવસાન પામ્યા હતા પરંતુ એમના સંતાનોએ પ્રારંભમાં જ ઇસ્લામ સ્વીકારી લીધો હતો અને આખું કુટુંબ હિજરત કરી મદીના ચાલ્યું ગયું હતું, એમના ખાલી પડેલા મકાનો પર મક્કાના કુરેશીઓએ કબજો કરી લીધો હતો.
હઝરત ઝૈનબ રદી.ના પ્રથમ લગ્ન ઇસ્લામ સ્વીકાર્યા પહેલા થઇ ચૂક્યા હતા, એમના પતિનું નામ ઇતિહાસમાં જાણીતું નથી, પરંતુ અલ તબરીએ નોંધ્યું છે એ મુજબ હિજરત પહેલાં એમના પતિનું અવસાન થઇ ચૂક્યું હતું. નબી (સ.અ.વ.) સાહેબે ઝૈદ બિન હારીશ રદી.ને દત્તક લીધા હતા અને તેઓ ઝૈદ બિન મુહમ્મદ તરીકે જ ઓળખાતા હતા. નબી (સ.અ.વ.) હઝરત ઝૈનબ રદી. પાસે ગયા અને કહ્યું કે જો તમે ઇચ્છો તો તમારા નિકાહ કરાવી દઉં. તેઓ સમજ્યા કે નબી (સ.અ.વ.) પોતાના માટે કહી રહ્યા છે તો તેઓ સંમત થઇ ગયા પરંતુ નબી (સ.અ.વ.) સાહેબે પોતાના આઝાદ કરેલા ગુલામ અને દત્તક પુત્ર હઝરત ઝૈદ બિન હારીશનું નામ લીધું તો હઝરત ઝૈનબે કહ્યું કે મને એમની સાથે લગ્ન મંજૂર નથી, હું કુરેશની એક ઐયીમ (વિધવા) સ્ત્રી છું.’ એમના એક ભાઈએ પણ વાંધો લીધો તો નબી (સ.અ.વ.) સાહેબે એમને સમજાવ્યા કે ઇસ્લામમાં આઝાદ અને આઝાદ કરેલ (ગુલામ) જેવા કોઈ ભેદ નથી, બધા સરખા છે. ત્યારે એમણે કહ્યું કે હું વિચાર કરીશ. હુઝુર (સ.અ.વ.)સાહેબે વધુમાં એમને કુર્આનની આ આયાત સંભળાવી કે “જયારે કોઈ મુસલમાન પુરૂષ કે સ્ત્રીના મામલે અલ્લાહ અને અલ્લાહના રસૂલ (સ.અ.વ.) સાહેબ કોઈ નિર્ણય આપી દે એ પછી આ મામલે કોઈ શંકા બાકી નથી રહેતી અને જે અલ્લાહ અને રસૂલ (સ.અ.વ.) સાહેબની નાફરમાની કરે એ સખત ગુમરાહ (માર્ગ ભૂલેલો) છે.” (સુરહ : અલ અહ્ઝાબઃ૩૬) એ પછી હઝરત ઝૈનબ રદી. અને એમના કુટુંબીઓ હઝરત ઝૈદ રદી સાથે લગ્ન માટે રાજી થયા. હઝરત ઝૈનબ રદી.ના આ લગ્ન હઝરત ઝૈદ રદી. સાથે કરાવવાનું એક કારણ આ પણ હતું કે ઇસ્લામી સમાજમાં સમાનતાનું દૃષ્ટાંત આપી શકાય, કોઈ કુટુંબ કે વ્યક્તિ ઊંચું કે નીચું નથી. માત્ર પોતાના કર્મોને લીધે જ વ્યક્તિનો રૂતબો અલ્લાહની દૃષ્ટિમાં ઊંચો કે નીચો હોય છે.
હઝરત ઝૈનબ રદી. સાથે હઝરત ઝૈદના લગ્ન થયા એ પહેલા એમના ચાર લગ્નો થઇ ચૂક્યા હતા. એમાં એમના બીજા પત્ની હઝરત ઉમ્મે અયમન (બરાકાહ બિંતે સાલ્બા) રદી.હતા. જેઓ હુઝુર (સ.અ.વ.) સાહેબના માતા પિતાના દાસી હતા અને હુઝુર (સ.અ.વ.) સાહેબના માતા- પિતા અવસાન પામ્યા તો હઝરત અબ્દુલ મુત્તલીબના ઘરમાં એમણે જ હુઝુર (સ.અ.વ.) સાહેબને ઉછેર્યા હતા. હુઝુર (સ.અ.વ.)સાહેબે એમણે આઝાદ કરી દીધા હતા. આમ તેઓ હઝરત ઝૈદથી ઉમરમાં મોટા હતા અને હઝરત ઉસામા બિન ઝૈદ રદી.ના માતા હતા. હ.ઝૈનબ રદી.ના લગ્ન હઝરત ઝૈદ રદી. સાથે થયા પરંતુ બંનેના સ્વભાવમાં ઘણો તફાવત હતો અને જે પરિસ્થિતિમાં એમના લગ્ન થયા હતા એ પરથી કહી શકાય કે એમની વચ્ચે મનમેળ નહીં જ થયો હોય. લગ્નના એક વર્ષ પછી હઝરત ઝૈદ રદી. હુઝુર (સ.અ.વ.) સાહેબ પાસે પત્નીની ફરિયાદ લઈને આવ્યા એ પછી ફરિયાદો વધતી ગઈ અને દરેક વખતે હુઝુર (સ.અ.વ.) સાહેબ એમને સમજાવતા રહ્યા.
નબી (સ.અ.વ.) સાહેબના હઝરત ઝૈનબ રદી. સાથેના લગ્ન બાબતે ઘણી ખોટી ખોટી રિવાયાતો પ્રસિદ્ધ થઇ ગઈ છે. એક રિવાયત મુજબ હુઝુર (સ.અ.વ.) એક દિવસે હઝરત ઝૈદ રદી.ના ઘરે ગયા ત્યારે તેઓ ઘરે નહોતા. હઝરત ઝૈનબ રદી.એ (બારણા તરીકે કામ આપતો) પડદો ખસેડી નબી (સ.અ.વ.) સાહેબને ઘરમાં પધારવા માટે કહ્યું પરંતુ આપ (સ.અ.વ.) સાહેબ ઘરમાં ના ગયા અને ફરમાવ્યું ‘પાક છે એ (અલ્લાહની) જાત જે દિલો પર અધિકાર રાખે છે” અને પછી ત્યાંથી ચાલ્યા ગયા.જયારે હઝરત ઝૈદ રદી.ઘરે આવ્યા તો હઝરત ઝૈનબ રદી.એ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો. હઝરત ઝૈદ રદી.એ વિચાર્યું કે હવે હઝરત ઝૈનબ રદી.થી અલગ થવાનો સમય આવી ગયો છે. તેઓ તરત હુઝુર (સ.અ.વ.) સાહેબ પાસે ગયા ને પોતે પત્નીને તલાક આપી દેશે એમ જણાવ્યું તો નબી (સ.અ.વ.) સાહેબે એમને સમજાવ્યું કે તેઓ તલાક ન આપે અને અલ્લાહથી ડરે. પરંતુ હઝરત ઝૈદ.રદીએ હઝરત ઝૈનબ રદી.ને તલાક આપી દીધા.
અલ્લાહે હઝરત જિબ્રઈલ (અ.સ.) દ્વારા નબી (સ.અ.વ.) સાહેબને આ સંદેશો પહોંચાડ્યો કે તમારા લગ્ન હઝરત ઝૈનબ સાથે થશે. આને લીધે હુઝુર (સ.અ.વ.)સાહેબને પહેલા તો લાગ્યું કે આરબો આ બાબતને બહુ જ ખોટી રીતે લેશે. કેમ કે પોતાના સગા તો ઠીક પણ દત્તક પુત્રના પત્ની સાથે લગ્ન કરવાને પણ બહુ જ ખરાબ સમજતા હતા. પરંતુ અલ્લાહ આ લગ્ન થકી સામાજિક પરિવર્તન ઇચ્છતા હતા. અલ્લાહે સુરહ અહ્ઝાબની ૩૭-૪૦ આયાતમાં સ્પષ્ટ કરી દીધું કે દત્તક પુત્રની તલાક લીધેલી પત્ની સાથે નિકાહ થઇ શકે છે અને ઉમ્મતને કહી દેવામાં આવ્યું કે પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબ તમારામાંથી કોઈ પણ પુરૂષના પિતા નથી, એ અલ્લાહના નબી અને અંતિમ રસૂલ છે. વધુમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે દત્તક લીધેલ પુત્ર (કે પુત્રી) તમારી વાસ્તવિક સંતાન નથી. તમે ભલે એમને પુત્ર કે પુત્રી તરીકે રાખો પરંતુ તમે એમના જૈવિક પિતા બની શકતા નથી. તેઓ તો માત્ર એમના જૈવિક (જેમના થકી જન્મ્યા) પિતાના જ સંતાન છે અને રહેશે. એ સંતાનોને એમના જૈવિક પિતાના નામ સાથે જ સંબોધન કરવું જોઈએ. (આ આયાત પછી હ.ઝૈદ, ઝૈદ બિન હારીશ રદી. તરીકે જ ઓળખાતા થયા.) (ઉપખંડમાં જોવામાં આવે છે કે જે મુસ્લિમ દંપતીઓ છોકરા કે છોકરીને દત્તક લે છે એમને પોતાનું નામ આપે છે અને ડોક્યુમેન્ટ્સમાં પણ પિતા તરીકે જ નામ લખાવે છે. જયારે એમને સમજાવવામાં આવે છે કે શરીઅતની દૃષ્ટિએ આ યોગ્ય નથી ત્યારે દલીલ આપે છે કે અમે જાણીએ છીએ પરંતુ કાયદાની આંટીઘૂંટી એટલી જટિલ છે કે બાળકોને પોતાનું નામ આપી દેવું વધારે સરળ છે.)
ટૂંકમાં ઇદ્દતના સમયગાળા પછી હઝરત ઝૈનબ રદી.ના લગ્ન નબી (સ.અ.વ.) સાહેબ સાથે થયા અને તેઓ ઉમ્મુલ મોમીનીનના ભાગ્યશાળી જૂથમાં સામેલ થઇ ગયા. નબી (સ.અ.વ.) સાહેબે ૪૦૦ દિરહમ મહેર આપી. આ લગ્નના જમણવાર પછી અલ્લાહે જે આયાત અવતરિત કરી એનો ખુલાસો આ છે કે હે મુસલમાનો જયારે તમને નબી (સ.અ.વ.) સાહેબ જમણ માટે બોલાવે તો જમીને તરત નીકળી જાવ અને જરૂર વિના વાતો કરતા બેસી ના રહો, નબી (સ.અ.વ.) સાહેબ શરમાળ છે તેઓ તમને કઈ કહેતા નથી પરંતુ અલ્લાહ સત્ય કહેવામાં શરમાળ નથી. અને જયારે નબી (સ.અ.વ.) સાહેબની પત્નીઓ પાસેથી કઈક માંગો તો પડદાની આડશમાં રહીને માંગો અથવા વાત કરો અને નબી (સ.અ.વ.) સાહેબ પછી એમની પત્નીઓ સાથે લગ્ન કરવા તમારા માટે યોગ્ય નથી (તેઓ ઉમ્મુલ મોમીનીન છે).
હઝરત ઝૈનબ રદી. ખૂબ જ ઇબાદત ગુઝાર હતા અને આ કારણે નબી (સ.અ.વ.)સાહેબ એમને ચાહતા હતા. તેઓ લાંબા ઊંચા કદના હતા. તેઓ ચામડા ધોવાનું કામ કરતા અને જે કઈ રકમ મળતી એ દાન કરી દેતા. જયારે ખલીફા હઝરત ઉમર રદી એ બધી જ પુનિત પત્નીઓને ૧૨૦૦૦ દિરહમ વાજીફો બાંધી આપ્યો હતો, હઝરત ઝૈનબ રદી બધું જ મદીનાના ગરીબોમાં વહેંચી દેતા હતા. તેઓ ખૂબ સખી અને ઉદાર હતા. આ કારણે જ જયારે એમનું અવસાન થયું ત્યારે એમની પાસે એક દિરહમ પણ નહોતું . હુઝુર (સ.અ.વ.) સાહેબે આગાહી કરી હતી કે ‘મને મારી પત્નીઓમાંથી સૌપ્રથમ એ આવી મળશે જેના હાથ લાંબા હશે’ લાંબા હાથથી આશય ઉદારતા અને સખાવત હતો. બધી જ પુનિત પત્નીઓમાં સૌ પ્રથમ એમનું અવસાન થયું. તેઓ હિસ.૨૦માં હઝરત ઉમર રદી.ના ખિલાફત કાળમાં અવસાન પામ્યા ત્યારે એમની ઉમર લગભગ ૫૧ વર્ષ હતી.
એમણે અગિયાર હદીસો રિવાયત કરી હતી જે હદીસ સંગ્રહોમાં સંગ્રહાયેલ છે.