(એજન્સી) તા.૮
છત્તીસગઢના રાજનાંદગામમાં તણાવ વધી ગયો, જ્યારે બજરંગ દળના સભ્યોએ શુક્રવારે પાંચ જુલાઈના રોજ મસ્જિદના નિર્માણના વિરોધમાં સ્થાનિકોને એકઠા કર્યા. વિરોધીઓએ મસ્જિદના બાંધકામ સામે વાંધો ઉઠાવ્યો અને આ વિસ્તારમાં ‘લવ જેહાદ’, પશુઓના કતલ અને ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અહેવાલો અનુસાર, બજરંગ દળના સભ્યોએ ભીડ એકઠી કરી અને મસ્જિદના નિર્માણ સ્થળ પાસે પ્રદર્શન કર્યું. તેઓએ ચાલુ બાંધકામ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને જિલ્લા વહીવટીતંત્રને ધમકી આપી, બાંધકામ હેઠળના મસ્જિદના ભાગને તોડી પાડવાની માંગ કરી. તેઓએ ચેતવણી આપી છે કે, જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ એક વિશાળ આંદોલન શરૂ કરશે જે આ વિસ્તારમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડી શકે છે.
ભાજપશાસિત રાજ્ય છત્તીસગઢમાં તાજેતરમાં ખાસ કરીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ લક્ષિત હુમલાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. દક્ષિણપંથી હિંદુ સમૂહો દ્વારા વારંવાર કરવામાં આવતી મોબ લિંચિગ અને હુમલાઓએ આ સમુદાયોમાં ભય અને અસુરક્ષા પેદા કરી છે.