(એજન્સી) બરેલી, તા.૯
બુદૌન જિલ્લાના એક દલિત ખેડૂતે સહસવાન વિસ્તારમાં ચાર મેરેજ હોલના માલિકો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ તેમની પુત્રીના લગ્ન માટે સ્થળ ભાડે આપવાનો ઇન્કાર કર્યા પછી ભેદભાવનો આરોપ મૂક્યો છે. એસડીએમને કરેલી ફરિયાદમાં, દલિત ખેડૂત અચ્છન લાલે ઉલ્લેખ કર્યો છે કે તેમની ૨૪ વર્ષીય પુત્રીના લગ્ન ૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ નિર્ધારિત છે. અનેક પ્રયત્નો કરવા છતાં, તે આ વિસ્તારના ચાર લગ્ન હોલમાંથી કોઈપણમાં બુકિંગ કરી શક્યો નથી. તેમણે આરોપ મૂક્યો કે, ‘કોઈ હોલ માલિક તેનું સ્થળ ભાડે આપવા તૈયાર નથી કારણ કે અમે દલિત સમુદાયના છીએ,’ અને જીડ્ઢસ્ને હસ્તક્ષેપ કરવા અને સમારંભ માટે સ્થળ સુરક્ષિત કરવામાં મદદ કરવા વિનંતી કરી. અચ્ચનની પુત્રી સહસવાનની એક શાળામાં શિક્ષિકા છે અને દિલ્હીના એક બેંકર સાથે તેના લગ્ન નિર્ધારિત થયાં છે. સર્કલ ઓફિસર કરમ વીર સિંહે જણાવ્યું કે તપાસ શરૂ કરવામાં આવી છે. ‘મેરેજ હોલના માલિકોએ દાવો કર્યો હતો કે તેઓએ ભૂતકાળમાં દલિત સમુદાયના સભ્યો માટે લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું અને કોઈપણ ભેદભાવનો ઇન્કાર કર્યો હતો. માલિકોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તારીખો ઉપલબ્ધ છે ત્યાં સુધી કોઈને કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. જો કે, તેઓએ શરત રાખી છે કે સ્થળ પર કોઈ માંસ રાંધવામાં આવશે નહીં..’ કન્યાના ભાઈ અરૂણે કહ્યું, ‘જો તેઓ હોલ આપવાનો ઇન્કાર કરશે, તો અમે અમારા પોતાના વિસ્તારમાં પરંપરાગત રીતે લગ્ન યોજીશું. જો કે, અમે હોલના માલિકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે મક્કમ છીએ, પછી ભલે તે કોર્ટમાં જાય’ તેમણે ઉમેર્યું હતું કે, માલિકો અમને લગ્નની તારીખ મુલતવી રાખવાનું પણ સૂચન કરી રહ્યા છે. હોલ માલિકોમાંના એક, નારાયણ કુમારે તેમના નિર્ણયનો બચાવ કરતા કહ્યું, ‘અમારી પાસે ૩ ફેબ્રુઆરીએ એક કાર્યક્રમ છે, અને બીજા દિવસે કોઈપણ કાર્યક્રમ માટે સ્થળને સાફ કરવું અને તૈયાર કરવું શક્ય નથી.’ આ ઘટનાએ જાતિના ભેદભાવની ચિંતાઓને વેગ આપ્યો છે, જે પ્રદેશમાં અગાઉના આવા કિસ્સાઓની સમાનતા દર્શાવે છે. પડોશી સંભલ જિલ્લામાં, ફેબ્રુઆરી ૨૦૨૩માં એક આવો જ કિસ્સો નોંધાયો હતો જ્યારે એક દલિત પરિવારે ઉચ્ચ જાતિના સભ્યોના પ્રતિકારને કારણે તેમની પુત્રીના લગ્ન માટે પોલીસ સુરક્ષા માંગી હતી. ત્યાર બાદ સ્થાનિક વહીવટીતંત્રે ૬૦ પોલીસ કર્મચારીઓ સહિત ભારે સુરક્ષા તૈનાત કરી હતી જેથી કરીને સમારંભ કોઈપણ વિક્ષેપ વિના પાર પડે.