(એજન્સી) તા.૧૦
ઓડિશાના કેન્દ્રપારા જિલ્લાના એક મંદિરમાં દેવતાને દૂધ ચઢાવવાની વિધિ કરવાની પરવાનગી ન મળતા દલિત મહિલાઓ વિરોધ કરવા રસ્તા પર બેસી ગઈ હતી. મહિલાઓનું કહેવું છે કે કારતક મહિનામાં ગરજંગા ગામમાં સિદ્ધેશ્વરી રામચંડી શક્તિ મંદિરમાં તેમને ધાર્મિક વિધિ કરવા દેવામાં આવી ન હતી.
પૂજારી પર આરોપ
મહિલાઓનો આરોપ છે કે મંદિરના પૂજારી અને ઉચ્ચ જાતિના કેટલાક લોકો તેમને આ ધાર્મિક વિધિ કરવા દેતા નથી. આ અંગે તેઓએ મારસાળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને તેમને અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી.
પોલીસે માહિતી આપી હતી
આ મામલે પોલીસે કહ્યું કે ફરિયાદ મળ્યા બાદ મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે પોલીસે કહ્યું કે ઉચ્ચ જાતિ અને દલિત સમુદાયના અગ્રણી લોકો સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તે જ સમયે પોલીસે ગામમાં શાંતિ જાળવવા માટે વધારાના દળો તૈનાત કર્યા છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે.