સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી જયારે
પાડોશી હેબલભાઈ કાઠીએ દત્તક લઈ ર૩ વર્ષ સુધી લાડકોડથી ઉછેરી હતી
(સંવાદદાતા દ્વારા)
સુરેન્દ્રનગર,તા.૧ર
કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતા કિસ્સો ઝાલાવાડમાં જોવા મળ્યો છે. જેમાં એક હિન્દુભાઈએ પાડોશમાં રહેતા મુસ્લિમ દંપતિના મોત બાદ તેમની એક મહિનાની પુત્રીને લાડકોડથી ઉછેરી મોટી કરી અને મુસ્લિમ યુવાન સાથે લગ્ન કરાવી પોતાનો પાડોશી ધર્મ સાથે માનવતા નિભાવી સમાજને એક અનોખો રાહ ચિંધ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં વસવાટ કરતા હેબલભાઈ માલા કાઠી સમાજમાંથી આવે છે ત્યારે ૨૩ વર્ષ પહેલા એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં મહંમદ ભાઈ મલેક નામના યુવકનું મોત નીપજ્યું હતું અને તેમના પત્નીનું પણ મોત નીપજ્યું હતું. માતા-પિતાના મોત બાદ માત્ર એક મહિનાની દીકરી જેનું નામ સુહાના પણ એક મહિનામાં માતા-પિતાની છત્રછાયા દીકરીએ ગુમાવી દીધી ત્યારે ગામમાં જ રહેતા રામકુભાઈ માલાએ આ એક મહિનાની દીકરીને દત્તક લઈ લીધી અને ૨૩ વર્ષ સુધી તેને ભણાવી અને તેને સારા સંસ્કારોનું સિંચન કર્યું. દીકરી સુહાના સમયાંતરે મોટી થઈ ત્યારે અંતે તેના હાથ પીળા કરવાના સમયે પિતાની ફરજ નિભાવનાર હેબલ ભાઈએ પોતાની દીકરી સમાન સુહાને પૂછ્યું કે હવે તારા લગ્ન કરવાના છે ત્યારે સુહાનાએ કહ્યું કે મારા લગ્ન ગમે તે સમાજમાં કરો તમે મારા પિતા સમાન છો ત્યારે હેબલ ભાઈએ વિચાર કર્યો કે દીકરીના લગ્ન તેના સમાજમાં થાય પરંતુ તેના માટે પડકાર જનક આ પરિસ્થિતિ હતી. સારો છોકરો શોધવાનું હેબલ ભાઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું અંતે રામપરા ગામે આજે આ સુહાના ના લગ્ન કરવામાં આવ્યા છે. ૨૩ વર્ષ સુધી કાઠી સમાજની સંસ્કૃતિથી ઉછેર થયેલ અને કાઠી સમાજના રીત રિવાજોથી વાકેફ સુહાનાના મુસ્લિમ સમાજના યુવક સાથે લગ્ન કરવામાં આવ્યા છે. કાઠી પરિવારે મુસ્લિમ યુવતીના નિકાહ કરાવી કોમી એકતાનું અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાઠી પરિવારના આંગણે મુસ્લિમ રીત રિવાજ સાથે સુહાનાને વિદાય આપવામાં આવી છે. ત્યારે કાઠી સમાજના રીત રિવાજોથી મોટી થયેલી સુહાનાને વિદાઈ આપવામાં આવી હતી. વિદાય આપતી વેળાં હેબલ ભાઈના પરિવારજનોની આંખોમાંથી અશ્રુઓ સરી પડ્યાંં હતાં.