ઈન્દોર, તા.૧૪
ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રણજી ટ્રોફી મેચમાં મધ્યપ્રદેશ વિરૂદ્ધ બંગાળની ટીમ માટે ઝડપી બોલર મોહમ્મદ શકી રમવા ઊતર્યો. ૩૬૦ દિવસનાં લાંબા ગાળા બાદ મો.શમી પ્રોફેશનલ મેચ રમવા ઊતર્યો હતો. તે તેની કમબેક મેચ હતી. જો કે કમબેક મેચના પ્રથમ દિવસે તે થોડો નીરસ દેખાયો. કારણ કે તેને ૧૦ ઓવર બોલિંગ કર્યા બાદ પણ કોઈ વિકેટ મળી નહીં. જો કે બીજા દિવસે તેની બોલિંગમાં જૂની ધાર જોવા મળી અને તેણે સામેવાળી ટીમની હાલત ખરાબ કરી દીધી. મોહમ્મદ શમીએ એમપી વિરૂદ્ધ ૧૯ ઓવર બોલિંગ કરી જેમાં ચાર ઓવર મેઈડન હતી. શમીએ પ૪ રન આપી ચાર વિકેટ ઝડપી. તેણે ર.૮૯ના રનરેટથી રન આપ્યા. ભલે ઈન્દોરમાં મો.શમીએ દમદાર બોલિંગ કરી પણ તેનો ચમકારો ૭૪૧પ કિલોમીટર દૂર પર્થમાં બેઠેલી ટીમ ઈન્ડિયાને દેખાયો અને ટીમ મેનેજમેન્ટને આનાથી રાહત મળી હશે. મોહમ્મદ શમી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો હિસ્સો નથી પણ તે રણજી ટ્રોફીના ફોર્મ અને ફિટનેસના આધારે ટીમમાં સામેલ થઈ શકે છે. તે જસપ્રીત બુમરાહનો સારો જોડીદાર ઓસ્ટ્રેલિયામાં ફરી મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમીએ ટીમ ઈન્ડિયા માટે અંતિમ મુકાબલો ૧૯ નવેમ્બર ર૦ર૩ના રોજ રમ્યો હતો. જે વન-ડે વિશ્વકપ ર૦ર૩ની ફાઈનલ હતી. તે મેચ બાદથી તે ક્રિકેટથી દૂર હતો. તેના પગની સર્જરી થઈ હતી. તેણે પોતાની પહેલી જ મેચની પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી. ઓસ્ટ્રેલિયા જવાની દાવેદારી રજૂ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતની પ્રથમ ટેસ્ટ મેચ રર નવેમ્બરે પર્થમાં રમાશે.