કુલપતિએ સત્ય શોધક સમિતિનો અહેવાલ અભરાઈએ ચડાવીને પાંચ વિદ્યાર્થીઓની હકાલપટ્ટી કરી હતી
હૈદરાબાદ તા. ૨૧
હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહીત વેમુલાની આત્મહત્યાનું સત્ય શોધવા માટે સિવિલ લિબર્ટી કમીટીની સત્ય શોધક સમિતીએ ૧૮ જાન્યુઆરીના રોજ હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. કમિટીએ પોતાના તારણમાં એવું રજૂ કર્યું છે કે રોહિત સહિતના પાંચ દલિત વિદ્યાર્થીઓની સામે એબીવીપીના નેતા એન સુશીલ કુમાર દ્વારા કરવામાં આવેલી ખોટી ફરિયાદને યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા સ્વીકારવામાં આવી હતી અને પાંચ સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ આખી બાબતની તપાસ હાથ ધરી હતી. સમિતિની તપાસમાં એક પણ વિદ્યાર્થી દોષી ઠર્યો નહોતો અને ફરિયાદ જ ખોટી હતી. સમગ્ર હૈદરાબાદ યુનિવર્સિટીનું ભગવાકરણ કરનાર એબીવીપી વિદ્યાર્થી સંગઠન કે તેના કાર્યકરોને કમિટીના આવા તારણો ગળે ઉતર્યા નહોતા તેથી તેઓ આ આખી બાબતને કેન્દ્રીય મંત્રી બંડારૂ દત્તાત્રેય અને એમએલસી રામચંદ્ર રાવના ધ્યાન પર લાવ્યાં હતા અને પૂરની ચકાસણી વગર જ બંડારૂએ પોતાનો હોદ્દાનો દુરપયોગ કરીને એચઆરડી મંત્રાલયને એક પત્ર પાઠવીને આંબેડકર વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થીઓને રાષ્ટ્રવિરોધી ચીતર્યાં હતા અને તેમની સામે પગલાં ભરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત એમએલસી રામચંદ્ર રાવે પણ રૂબરૂમાં ઉપ કુલપતિની મુલાકાત લઈને આ વિદ્યાર્થીઓ સામે પગલાં ભરવાનું દબાણ કર્યું હતું જેને પગલે ઉપ કુલપતિએ પાંચ સભ્યોની કમિટીનો અહેવાલ અભરાઈએ ચડાવી દીધો હતો અને પાંચ વિદ્યાર્થીની હકાલપટ્ટી કરી નાખી હતી.