પ્રદર્શનકારીઓ પર સીતમ વરસાવી રહેલી પોલીસનો વીડિયો વાયરલ થતાં ભારે આક્રોશ
(એજન્સી) નવી દિલ્હી, તા.૧
દિલ્હીમાં હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાના સમર્થનમાં રેલીઓ યોજી વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને લાકડીઓ વડે ઢોર માર મારવામાં આવ્યા હતા. પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓને માથાના ભાગે મારવામાં આવ્યા છે. તેમના વાળ ખેંચીને તેમને જમીન પર પટકી દેવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના વૈચારિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય બહાર રેલી પર હુમલો કરનાર લોકો લાઠીઓ સાથે આવેલા. પોલીસ અને કેટલાક આજ્ઞાત લોકો પણ સામેલ હતા. સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલી એક વીડિયોક્લિપમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, કેવી રીતે એક પોલીસ કર્મચારીએ મહિલાને જોરદાર લાફો ઝીંકી દીધો હતો. આ મહિલા પોતાના સાથી પ્રદર્શનકારી પર કરવામાં આવેલા હુમલાનો વિરોધ કરી રહી હતી. ત્યારબાદ પોલીસ કર્મચારીએ મહિલાને જમીન પરપટકી દીધી હતી. આરએસએસે આ ઘટનામાં તેના કાર્યકર્તાઓના સામેલ હોવાની વાતને નકારી કાઢી હતી. રસપ્રદ વાત એ છે કે, સેન્ટ્રલ દિલ્હીમાં ઝંડેવાલાન સ્થિત આવેલા આરએસએસ કાર્યાલય બહાર બધા કાર્યકર્તાઓ એકત્ર થયા હતા, રોહિતને ન્યાય આપવામાં આવે તેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ગત મહિને હૈદરાબાદ યુનિવર્સિટીના રિસર્ચ વિદ્યાર્થી રોહિત વેમુલાના આપઘાત બાદ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ-પ્રદર્શનનો દોર શરૂ થઈ ગયો હતો.
એક સમયે તેઓ સૂત્રો ઉચ્ચારી રહ્યા હતા તો બીજી બાજુ તેમને ઢોર માર મારવામાં આવી રહ્યો હતો. એક પ્રદર્શનકારીએ જણાવ્યું હતું કે, અમને આડશ પાસે જ રોકી દેવામાં આવ્યા હતા. પોલીસે અમને બીજા માર્ગનો ઉપયોગ કરવાનું જણાવ્યું. ત્યાં અચાનક ક્યાંથી લોકોનો મોટો સમૂહ આવી પહોંચ્યો અને નિર્દયતા સાથે અમને ફટકારવાનું શરૂ કરી દીધું. એક વીડિયોમાં સંપૂર્ણપણે જોઈ શકાય છે કે, એક વ્યક્તિ પ્રદર્શનકારી પર હુમલો કરી રહ્યો છે જ્યારે બે પોલીસ કર્મીઓ તેને બચાવવાને બદલે ફટકારી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, પ્રદર્શનકારીઓને આ મામલે ફરિયાદ દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે ત્યારબાદ તેંઓ મામલાની તપાસ કરશે. રોહિત વેમુલાના સમર્થકોએ બે કેન્દ્રીય મંત્રીઓ પર આક્ષેપ કર્યો છે કે, રોહિતને ભાજપના વિદ્યાર્થી સંગઠનના એક કાર્યકર્તાને મારવાના કેસમાં ફસાવવામાં આવ્યો હતો અને મંત્રીઓએ આ મામલે યુનિવર્સિટી પાસે રોહિત વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.