અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષ પી એલ પુનિયાએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની આકરી ટીકા કરીને રોહિત દલિત જ હોવાનું જણાવ્યું
નવી દિલ્હી તા. ૧
રોહીત વેમુલા દલિત સમુદાયનો નહોતો એવા વિદેશ મંત્રી સુષમા સ્વરાજના દાવાનું ખંડન કરતાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષ પી એલ પુનિયાએ રવિવારે ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું કે રોહીત દલિત જ હતો. રોહીત દલિત નહોતો એવું નિવેદન આપવા બદલ પુનિયાએ સુષમા સ્વરાજની આકરી ટીકા કરી હતી.ઉલ્લેખનીય છે કે સુષમા સ્વરાજે શનિવારે એવું કહ્યું હતું કે જ્યાં સુધી મારી જાણકારીમાં છે ત્યાં સુધી રોહિત દલિત સમૂદાયનો નહોતો. મોદી સરકારની છબી ખરડવા માટે કેટલાક લોકો રોહીતને દલિત ગણાવી રહ્યાં છે. પુનિયાએ એવું કહ્યું કે રોહીત અનુસૂચિત જાતિનો છે. કેટલાક લોકો આ મુદ્દા પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પુનિયાએ એવો પણ દાવો કર્યો કે રોહિતની માતા દલિત હતી અને તેમની પાસે દલિત હોવાનું પ્રમાણપત્ર પણ છે. તેમની પાસે દલિત હોવાની સાબિતી છે તો પછી તેઓ બીજી જાતિના કેવી રીતે હોઈ શકે. રાજ્યસભાના સાંસદ એવા પુનિયાએ એ વાતનું પણ સમર્થન કર્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે ભૂખ હડતાલમાં સામેલ થનાર રાહુલ ગાંધીએ યોગ્ય કામ કર્યું છે. તેમણે કહ્યું કે દલિત વિદ્યાર્થીઓના ટેકામાં ઊભા રહેવા બદલ હું રાહુલજીનો આભાર વ્યક્ત કરું છું.