દલિત યુવાનોએ ૨૨ ફેબ્રુ.ના રોજ બનારસ હિંદુ યુનિર્સિટીની મોદીની મુલાકાત દરમિયાન રોહિત વેમુલાની આત્મહત્યા સામે વિરોધ વ્યક્ત કરવા મોદી સમક્ષ કાળા વાવટા ફરકાવશે
(એજન્સી) વારાણસી,તા.૨૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૨ ફેબ્રુ.ના રોજ બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ) કેમ્પસની મુલાકાત દરમિયાન કાળા વાવટા ફરકાવવા માટે મંજૂરી લેવા વારાણસી જિલ્લા મેજીસ્ટ્રેટને મળેલા બે દલિત યુવાનોના શાંતિ ભંગ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ બંને વિદ્યાર્થીઓ ભારત મુક્તિ મોરચાની યુવા પાંખ ભારતીય વિદ્યાર્થી મોરચાનું પ્રતિનિધિત્વ કરતા હતા. અખિલ ભારતીય પછાત અને લઘુમતી સમુદાય કર્મચારી સંગઠન સાથે સંકળાયેલી ભારતીય વિદ્યાર્થી મોરચાએ હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત રિસર્ચ સ્કોલર રોહિત વેમુલાની આત્મહત્યા વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે કાળા વાવટા ફરકાવવાનું એલાન આપ્યું હતું. બીવીએમના નેશનલ ઇન્ચાર્જ વિલાસ ખરાત અને યુપી વર્કિંગ પ્રેસિડેન્ટ વિજય પ્રતાપ ભરતીયા ગુરુવારે સવારે ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ રાજમણિ યાદવને તેમના કાર્યાલય પર મળ્યા હતા અને બનારસ હિંદુ યુનિવર્સિટીના ૯૮ર્મો પંદવીદાન સમારોહ માટે વડાપ્રધાનની મુલાકાત દરમિયાન શાંતિપૂર્ણ દેખાવો યોજવા માટે મંજૂરી માગતો પત્ર સુપરત કર્યો હતો. જિલ્લા મેજીસ્ટ્રેટે તત્કાલ પોલીસને બોલાવી હતી. સીઆરપીસીની કલમ ૧૫૧ હેઠળ વિલાસ અને વિજયની ધરપકડ કરવામાં આવી હતી એવું કેન્ટોનમેન્ટ સ્ટેશન અધિકારી રતનસિંહ યાદવે જણાવ્યું હતું. આ બંનેને પાછળથી સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર કરાયા હતા અને રૂા.૧ લાખના જાતમુચરકાના જામીન પર છોડવામાં આવ્યા હતા. દલિત નેતાએ જણાવ્યું હતું કે બીવીએમના કાર્યકરો મંજૂરી નહીં આપવા છતાં વડાપ્રધાન મોદી સામે દેખાવો કરશે.