સ્મૃતિ ઈરાની જુઠ્ઠાણાં ફેલાવી રહ્યાં છે, એમની સામે પગલાં કેમ લેવાયાં નથી ? : રોહિત વેમુલાના કુટુંબીજનો
(એજન્સી) નવી દિલ્હી, તા. 26
રોહિત વેમુલાના મિત્રો અને કુટુંબીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, સ્મૃતિ ઈરાની સંસદમાં રોહિત બાબતે જુઠ્ઠાણાં ફેલાવી રહ્યાં છે. રોહિતે જાન્યુઆરી મહિનામાં હૈદરાબાદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં આત્મહત્યા કરી હતી. એમના કુટુંબીઓએ જણાવ્યું કે, રોહિતના મૃત્યુના બે દિવસ પછી સ્મૃતિ ઈરાનીએ રોહિના મૃત્યુ માટે માફી માંગવાના ઈન્કાર કર્યોહતો. એમના મિત્રોએ જણાવ્યું કે, સ્મૃતિ જુઠ્ઠાણા ફેલાવી આ મુદ્દાને બીજે વાળવા પ્રયાસ કરે છે. રોહિતે છેલ્લા સાત મહિનાથી સ્ટાઈપેન્ડ મેળવ્યું ન હતું. એચઆરડી મંત્રાલયમાંથી પત્રો મોકલવામાં આવ્યા હતા જેમાં જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓ દેશવિરોધી અને ત્રાસવાદી છે. રોહિતની માતાએ જણાવ્યું કે, મારો પુત્ર કઈ રીતે દેશ વિરોધી હતો એ બાબત સ્મૃતિ ખુલાસો કરે ? વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારતે પોતાનો પુત્ર ગુમાવ્યો છે. જો ભારતે પોતાનો પુત્ર ગુમાવ્યો છે તો એ જ પુત્રને દેશદ્રોહી કઈ રીતે કહેવામાં આવે છે. તમારા જ કેબિનેટ પ્રધાન દત્તાત્રેય એમને ત્રાસવાદી કહે છે તો તમોએ એમની સામે શું પગલાં લીધા છે ? લોકસભામાં સ્મૃતિએ વિરોધ પક્ષો ઉપર આક્ષેપો મૂકયા હતા કે એ રોહિતના મૃત્યુને રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે.
સ્મૃતિએ દાવો કર્યો કે જ્યારે રોહિતનો મૃતદેહ ફાંસીએ લટકેલ હતો ત્યારે એમને જીવિત કરવા અને તપાસવા ડૉકટરોની ટીમને પરવાનગી આપવામાં આવી ન હતી. પોલીસે રિપોર્ટ કર્યો હતો. એમને જીવિત કરવાના કોઈ પ્રયાસો કરાયા ન હતા. એના બદલે રોહિતના મૃતદેહને રાજકીય હથિયાર બનાવવામાં આવી રહ્યો છે.
ઘટનાક્રમના મહત્ત્વના મુદ્દાઓ આ મુજબ હતા
* રોહિતની સાથે અમને પણ યુનિવર્સિટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.
* સ્મૃતિ દ્વારા ફેલાવાતા જુઠ્ઠાણાંને અમે ખુલ્લો પાડીએ છીએ.
* એમનું નિવેદન સમગ્ર મામલાને તોડી મરોડી રજૂ કરવાનો છે કારણ કે, આ મુદ્દે પૂછાયેલ પ્રશ્નો બાબત ભાજપા મુશ્કેલીમાં મૂકાઈ છે.
* જે દિવસે રોહિતનું મૃત્યુ થયું હતું. પોલીસ અથવા ડૉકટરોને અંદર જવા માટે પરવાનગી અપાઈ નહતી.
* કોઈપણ વ્યક્તિની જાતિ નિર્ધારિત કરવા માટે પોલીસ સક્ષમ નથી.
* વોઈસ ચાન્સેલર અને ચેરમેનની ૨૭મી નવેમ્બરની મીટિંગ સ્મૃતિ ઈરાનીએ ગોઠવી હતી.
* ૧૧ સભ્યોમાં કોઈપણ સભ્ય એસસી એસટીનો ન હતો.
* પોલીસ કમિશનરે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, ત્યાં કોઈપણ હિંસા થઈ ન હતી.
* રોહિતની માતા પછાત જાતિની છે, એમની દાદી પણ પછાત જાતિની છે.
* ચેરમેન અપ્પારાવને પત્ર લખી જણાવવામાં આવ્યું હતું કે, જે મામલાને દત્તાત્રેય અંગત રીતે જણાવેલ હોય એને ગંભીરતાથી ધ્યાને લેવાય.
* હોસ્ટેલની બહાર અમે ૪થી જાન્યુઆરીથી ૧૭મી જાન્યુઆરી સુધી ધક્કા ખાતા હતા પણ કોઈ નેતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા આવ્યા ન હતા.
* ફેસબુક ઉપર જે વીડિયો બતાવવામાં આવ્યો હતો એમાં જોઈ શકાય છે કે જ્યાં રોહિતનું મૃત્યુ થયું હતું ત્યાં પોલીસ હાજર હતી.