રાધિકા પૂછે છે કે ક્યા આધારે તમે મારા પુત્રને રાષ્ટ્ર વિરોધી જાહેર કર્યો હતો? તેનું સ્ટાઇપેન્ડ શા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું ? ક્યા આધારે તમે તેના પર નકલી અને બનાવટી સર્ટીફિકેટ મેળવ્યાનો આક્ષેપ કર્યો હતો? આ માટે કોણ જવાબદાર છે ?
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
સ્મૃતિ ઇરાની જ્યારે એક યુવાન વિદ્યાર્થીને મૃત્યુ પર લોકસભામાં પોતાનો પ્રતિસાદ આપી રહ્યા હતા ત્યારે રોહિત વેમુલાના માતા રાધિકા પોતાના ૨૬ વર્ષના મૃતક પુત્ર માટે ઇન્ડિયા ગેટ ખાતે યોજાયેલ કેન્ડલ લાઇટ રેલીમાં ન્યાય માગી રહ્યા હતા. સ્મૃતિ ઇરાની સંસદમાં જ્યારે એવુ કહી રહ્યા હતાં કે એક બાળકનો રાજકીય શસ્ત્ર તરીકે ઉપયોગ કરવો કેટલુ નિંદનીય છે ત્યારે રોહિત વેમુલાના માતા રાધિકા વેમુલાની અટકાયત કરીને તેમને પાટનગરના એક પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા. સ્મૃતિ ઇરાનીનું વક્તવ્ય નિહાળતા મને એક ફરીયાદ કરી રહેલ માતાના શબ્દો એટલે કે રાધિકા વેમુલાના શબ્દો યાદ આવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે હું સ્મૃતિ ઇરાનીને મળવા માગું છુ અને પૂછવા માગું છુ કે તેમણે મારા પુત્રને ક્યા આધારે રાષ્ટ્રવિરોધી જાહેર કર્યો હતો. તમારા મંત્રાલયે લખ્યું હતું કે મારો રોહિત અને અન્ય દલિત વિદ્યાર્થીઓ રાષ્ટ્રવિરોધી આતંકી છે. તમે જણાવ્યું હતું કે તે દલિત નથી. તમે એવો આક્ષેપ કર્યો છે કે તેણે બનાવટી સર્ટીફિકેટ મેળવ્યુ હતુ.તો મારે એવુ કહેવુ જોઇએ કે તમે તમારી શૈક્ષણિક લાયકાત માટે બનાવટી સર્ટીફિકેટ મેળવ્યુ છે તેનો અર્થ એ નથી કે અન્યોએ પણ બનાવટી સર્ટિફીકેટ મેળવ્યા હશે?તમે મારા દીકરાનું સ્ટાઇપેન્ડ બંધ કરી દીધુ હતુ તમે યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કર્યો હતો. તમે એચઆરડી પ્રધાન છો પરંતુ તમને શિક્ષણનું કોઇ મૂલ્ય નથી. દલિત બનીને પીએચડી કરવા સુધી પહોચવું કેટલુ મુશ્કેલ હોય છે તે તમે કદાપિ સમજી નહીં શકો. મને તેને આ સ્થિતિ પર પહોચાડતા ૨૬ વર્ષ લાગ્યા હતા તેને તમે માત્ર ત્રણ મહિનામાં બરબાદ કરી નાખ્યા. હું મારા રોહિતની વાત કરૂ છુ તે ૨૪ વર્ષે મૃત્યુ પામ્યો હતો.રાધિકા વેમુલાએ વધુમાં જણાવ્યુ હતુ કે હું સ્મૃતિ ઇરાનીને આ શબ્દો કહેવા માગુ છું.હું હવે મોદીજીને પૂછવા માગુ છુ કે તમે પાંચ દિવસ સુધી મૌન રહ્યા ત્યાર બાદ તેઓ આંબેડકર યુનિવર્સિટી ગયા અને વિદ્યાર્થીઓએ જ્યારે વિરોધ કર્યો ત્યારે તમે કહ્યુ કે ભારતમાતાએ પુત્ર ગુમાવ્યો છે.તમે જે કહ્યુ તે જો માનતા હો તો તમે જેમણે આ પુત્રને રાષ્ટ્રવિરોધી ગણાવ્યો હતો તેમની સામે કેમ કોઇ પગલા લીધા નહીં? આમા સાચુ કોણ છે? પ્રધાન સાચા છે? જો એવુ હોય તો વડાપ્રધાને એક રાષ્ટ્રવિરોધીને ભારતમાતાનો સૂપૂત કેમ ગણાવ્યો? આ પ્રશ્નોના જવાબ મને કોણ આપશે ? આમ રોહિત વેમુલાની માતા અનેક વેધક પ્રશ્નો સ્મૃતિ ઇરાની અને વડાપ્રધાનને પૂછવા માગે છે. સંસદની ચર્ચામાં પણ આ પ્રશ્નોના કોઇ જવાબ આપવામાં આવ્યા નથી. રાધિકાને ન્યાય મળ્યો નથી. રાધિકા ઇચ્છે છે કે શિક્ષણમાં ભેદભાવ વિરોધી એક કલમ ઉમેરીને અનુસૂચિત જાતિ અધિનિયમમાં સુધારો કરવાની જરુર છે.રાધિકા ઇચ્છે છે કે રોહિતના નામે એક ટ્રસ્ટ રચવામાં આવે અને તેના દ્વારા પીએચડી કરનાર ૧૦૦ દલિત વિદ્યાર્થીઓને સહાય કરવામાં આવે રાધિકા પોતાનો નાનો પુત્ર રાજા પીએચડી કરે તેવુ ઇચ્છે છે.
- બિંદા કરાત (સીપીઆઇ–એમના પોલીટ બ્યુરો છે અને રાજ્યસભાના પૂર્વ સભ્ય)