રોહિતની માતાનો કેન્દ્ર અને રાજ્યને સવાલ : શું ન્યાયની આશા છોડી દઈએ એવું ઈચ્છો છો ?
હૈદરાબાદ તા. ૨૬
હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આત્મહત્યા કરનાર દલિત સ્કોલર રોહિત વેમુલાની માતા રાધીકા વેમુલાએ આજે કેન્દ્ર અને રાજ્ય સરકારને એવો સવાલ કર્યો હતો કે અમે ન્યાયની આશા છોડી દઈએ એવું તમે ઈચ્છો છો. રાધિકા વેમુલાએ કહ્યું કે અમારા પરિવારને અલગ અલગ પાડવામાં આવી રહ્યો છે અને અમારે ન્યાય માટે ક્યાં સુધી રાહ જોવી પડશે. તેમણે કહ્યું કે મારા પુત્રના હત્યારાઓને પોલીસ રક્ષણ પૂરુ પાડવામાં આવી રહ્યું છે જ્યારે અમને ટેકો આપનાર લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. હૈદરાબાદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અપ્પારાવની સામે પોલીસ કેસ અને ન્યાયિક તપાસ થઈ હોવા છતાં પણ તેઓ તેમને તેમના પદે ચાલુ રાખવામાં આવ્યાં છે. મીડિયા સાથે વાતીચીત કરતાં રોહિતી માતાએ વધુમાં કહ્યું કે અમે દલિત છીએ તેટલા માટે અમારી સાથે ન્યાય નથી કરવામાં આવી રહ્યો. રોહિતના ભાઈ રાજા વેમુલાએ કહ્યું કે અપ્પારાવ સહિતના જવાબદાર લોકોની સામે શા માટે પગલાં ભરવામાં નથી આવ્યાં. અપ્પારાવની સામે તો એસસી, એસટી ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમ છતાં પણ તેમને બરખાસ્ત નથી કરવામાં આવ્યાં. તેમણે કહ્યું કે બીજી તરફ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને નિશાન બનાવીને તેમની ધરપકડ કરવામાં આવી રહી છે તથા તેમને જેલમાં પૂરવામાં આવી રહ્યાં છીએ. વીસી અપ્પારાવની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવી જોઈએ.
રાજાએ વધુમાં કહ્યું કે જો અપ્પારાવે કોઈ ગુનો નથી કર્યો તો પછી તેઓ ચોરની જેમ અમને રાતે શા માટે મળ્યાં, જ્યારે જ્યારે અમે યુનિવર્સિટી પરિસરમાં દાખલ થવાનો પ્ર યાસ કર્યો ત્યારે અમને શા માટે અટકાવવામાં આવ્યાં. તેમણે આગળ કહ્યું કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મારા ભાઈ રોહિતને પુત્ર તરીકે ગણાવ્યો હતો તો પછી જ્યારે તેમના ઘણા પુત્રોની ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે તેઓ કેમ ચૂપ બેઠા છે. જો કદાચ હું કેન્દ્ર સરકારને કોઈ સવાલ કરીશ તો તેઓ મને રાષ્ટ્ર વિરોધી ગણશે. રાજા વેમુલાએ એવી પણ માંગણી કરી કે ધરપકડ કરવામાં આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બિનશરતી રીતે છોડી મૂકવા જોઈએ.