તા.૧૫
રોહિત વેમુલા પોતાની જાતને “નીચી જાતિમાં જન્મ“ લેવા બદલ નિરાશા અનુભવતો હતો. અને દલિત શબ્દ તેમજ નીચલી જાતિઓને “અછૂત.” તરીકે ઓળખવામાં આવે છે તેનું એને દુખ હતું. પોતાની ડાયરીમાં અને તેના મિત્રો સાથેની મુલાકાતોમાં તેણે ગરીબ લોકોની વધતી જતી મુશ્કેલીઓ, અને સમાજ સાથેની ક્રિયાપ્રતિક્રિયા વગેરેની ચર્ચા કરતો હતો. એક વિદ્યાર્થી તરીકે તેની પ્રગતિમાં દલિત હોવાના લીધે તેને શું તકલીફ થઈ હતી તે તેણે દર્શાવ્યું છે. હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી ખાતે તેની શિષ્યવૃત્તિ ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓના એક જૂથ સાથે વિવાદ પછી રદ કરવામાં આવી હતી. અને તેને “રાષ્ટ્ર વિરોધી’ પ્રવૃત્તિઓમાં શામેલ હોવાનો આક્ષેપ કરીને તેની સાથે એક આરોપી અને આતંકવાદી જેવો વ્યહવાર કરવામાં આવ્યો હતો.
આ વર્ષે જાન્યુઆરીમાં છાત્રાલયના રૂમમાં તેણે આત્મહત્યા કરી હતી. તે પછી ભારતમાં જાતિ આધારિત ભેદભાવની ચર્ચાઓ ફરી શરૂ થઈ હતી. રોહિત વેમુલાએ ૨૬ વર્ષની ઉંમરે આત્મહત્યા કરી એ વાત કદાચ ભારતની આમજનતા અને મીડિયા માટે મહત્વની નથી. જાતિવાદી ભેદભાવના વ્યાપક ઉદાહરણો હોવા છતાં, આજે કહેવામા આવે છે કે ભારતમાં જાતિવાદ ખતમ થઈ ગયો છે પરંતુ આજે પણ ભારતીય સમાજમાં ધર્મના નામે તેમનો અસ્વીકાર થઈ રહ્યો છે.
ભારતના બંધારણને ઘડવામાં અગ્રણી દલિત નેતા ભીમરાવ આંબેડકરે આ ભેદભાવ વિષે ઘણું લખ્યું છે. ૧૪ એપ્રિલ ૨૦૧૬ ના રોજ બંધારણના “સ્થાપક પિતા” ની ૧૨૫ મી જન્મજયંતી છે. આંબેડકરે અનેક હિન્દુ ગ્રંથોના આધારે જાતિ આધારિત પ્રથાઓની ટીકા કરી હતી. દાયકાઓ સુધી આવી ચર્ચા કર્યા બાદ બાદ, તેમણે બોદ્ધ ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો હતો. અને તેમણે ૧૪ ઓક્ટોબર, ૧૯૫૬ના રોજ પોતાના પાંચ લાખ કરતાં વધુ અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો.
અને હવે ગુરુવારે રોહિત વેમુલાની માતા અને તેના ભાઈએ આંબેડકરના પૌત્ર પ્રકાશની હાજરીમાં બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. જ્યારે રોહિતની મોટી બહેન જેણે એક ઉચ્ચ વર્ણના માણસ સાથે લગ્ન કર્યા છે, તેણે ધર્મ પરીવર્તન કર્યું નથી. રોહિત વેમુલાના ભાઈ રાજા વેમુલાએ ધર્મ પરીવર્તન પછી કહ્યું હતું કે “આજે હું અને મારી માતા ખરેખર મુક્ત થયા છીએ. આજે અમે એક શરમથી, દૈનિક અપમાનથી મુક્ત થયા છીએ. જે ભગવાનના નામથી અમને સદીઓથી યાતનાઓ આપવામાં આવે છે તેની પ્રાર્થના કરવાના અપરાધથી મુક્ત થયા છીએ.”
રોહિત વેમુલાએ આંબેડકર તેમજ બુદ્ધની પ્રશંસા કરી હતી. પરંતુ તેણે ક્યારેય ધર્મ પરીવર્તન માટે વિચાર્યું ન હતું. તેની આત્મઘાતી નોંધમાં તેણે પોતાની જાતને વૈજ્ઞાનિક દલીલો દ્વારા સાનિત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને કહ્યું હતું કે મોટે ભાગે સમાજમાં લોકોને તેમના વિચાર અને ક્ષમતાને બદલે તેની જાતિ મુજબ ઓળખવામાં આવે છે.
રોહિતે લખ્યું હતું કે “એક માણસની કિંમત અને તેની ઓળખ માત્ર તેની જાતિને કારણે કરવામાં આવે છે. અને મારો જન્મ દલિત જ્ઞાતિમાં થયો એ માત્ર એક અકસ્માત છે.”
૧૯૩૦ માં પ્રકાશિત એક તંત્રીલેખમાં આંબેડકરે લખ્યું હતું કે એક હલકી જાતિનો વ્યક્તિ જે રીતે જન્મે છે એ જ રીતે મૃત્યુ પણ પામે છે. આપણો સમાજ તેને આ ભેદભાવ માથી બહાર નીકળવા દેતો નથી.
૧૯૩૫ના પોતાના એક વકતવ્યમાં તેમણે હિંદુત્વનો અસ્વીકાર કરતાં કહ્યું હતું કે “અમારી સાથે જે રીતનો વ્યહવાર કરવામાં આવે છે એના કારણે અમને અમારી જાતને હિન્દુ કહેવામા અમારી કમનસીબી અને શરમ અનુભવીએ છીએ. છે, જો આપણે કોઈ અન્ય ધર્મ સાથે આસ્થા ધરાવતા હોત તો આપણી સાથે આવું વર્તન કરવામાં આવ્યું ન હોત, માટે આપણે કોઈપણ એવો ધર્મ અપનાવવો જોઈએ જે આપણી સાથે સમાનતાનું વર્તન કરે. હવે અમારે અમારી ભૂલ સુધારવી પડશે. મે એક અછૂત લાંછન સાથે જન્મ લીધો છે એ મારી કમનસીબી હતી. જો કે, તેમાં મારો દોષ નથી, પરંતુ હવે હું એક હિન્દૂ તરીકે મૃત્યુ નહીં પામું, કારણ કે એ મારા હાથમાં છે.”