પર્થ, તા.ર૧
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારથી પર્થમાં શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ કેપ્ટનશીપ કરતો દેખાશે. કપ્તાન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી. જે ૧પ નવેમ્બરે બીજી વાર પિતા બન્યો છે. રોહિત એડીલેડ ટેસ્ટ મેચની સાથે સિરીઝમાં પુનરાગમન કરી શકે છે. આ ઉપરાંત સિનિયર ઝડપી બોલર મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ દરમ્યાન ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરી શકશે કે નહીં તેને લઈ સસ્પેન્સ યથાવત્ છે. જો કે બુમરાહે તેને લઈ મહત્ત્વનું અપડેટ આપ્યું છે. મેચના એક દિવસ પહેલા થયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે બુમરાહને શમીની ફિટનેસ પર અપડેટ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે શમીભાઈએ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું છે અને તે આ ટીમનો મહત્ત્વનો હિસ્સો છે. મને પૂરી આશા છે કે મેનેજમેન્ટ તેના ઉપર નજર રાખી રહ્યા છે. આશા કરીએ કે વસ્તુઓ ઠીક રહે અને બની શકે કે તમે તેને ઓસ્ટ્રેલિયામાં જોઈ શકો. અમુક મીડિયા રિપોર્ટસમાં દાવો કરાયો હતો કે કપ્તાન રોહિત શર્મા અને શમી સાથે ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે અને એડીલેડ ટેસ્ટ પહેલાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. પ્રથમ ટેસ્ટ મેચ રર નવેમ્બરે રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ ૬ ડિસેમ્બરે રમાશે. આવામાં પ્રથમ અને બીજી ટેસ્ટ મેચ વચ્ચે ઘણો લાંબો ગેપ છે. એડીલેડમાં રમાનારી સિરીઝની બીજી ટેસ્ટ મેચ ડે-નાઈટ હશે. બુમરાહે કહ્યું કે જ્યારે તમે જીતો છો તો શૂન્યથી શરૂઆત કરો છો પણ જ્યારે હારો છો ત્યારે પણ આવું જ થાય છે. અમે ભારતથી કોઈ બોજ લઈને આવ્યા નથી. ન્યુઝીલેન્ડ સિરીઝમાંથી અમે બોધપાઠ લીધો છે પણ અહીંયાની પરિસ્થિતિ અલગ છે અને અહીં અમારા પરિણામ અલગ રહ્યા છે.