પર્થની ખતરનાક પિચ પર પ્રથમ દિવસે ૨૧૭ રનમાં ૧૭ વિકેટ પડી
ભારત ૧૫૦ રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા ૭ વિકેટે ૬૭ રન
આવું નવમી વખત બન્યું છે જ્યારે ટીમ ઇન્ડિયા વિદેશી
ધરતી પર ટેસ્ટ સિરીઝના પ્રથમ દિવસે ઓલઆઉટ થઈ છે
૪૪ વર્ષમાં ઓસ્ટ્રેલિયા સાથે ઘરઆંગણે બીજીવાર આવું થયું, ૪૦ રનની અંદર પાંચ વિકેટ ગુમાવી પર્થ, તા.૨૨
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સાથે ૧૯૮૦ બાદ આવું બીજીવાર બન્યું છે, જ્યારે ટીમે ૪૦ના સ્કોરથી અંદર જ શરૂઆતની પાંચ વિકેટ ગુમાવી દીધી હોય. આ પહેલા દ.આફ્રિકા વિરુદ્ધ ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયાએ હોબાર્ટમાં રમાયેલી મેચમાં ૧૭ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ૩૮ રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. વિશ્વના સર્વશ્રેષ્ઠ ઝડપી બોલરોમાંથી એક બુમરાહ કાંગારૂઓ માટે ઘાતક સાબિત થયો.
પર્થ, તા.૨૨
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત ફક્ત ૧૫૦ રન જ બનાવી શક્યું. જવાબમાં બેટિંગ કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમમાં જસપ્રીત બુમરાહે પોતાની ઘાતક બોલિંગથી ખળભળાટ ફેલાવી દીધો. પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાની ૬૭ રનમાં સાત વિકેટ પડી ગઈ છે. તે પ્રથમ ઇનિંગના આધારે હજુ પણ ભારતથી ૮૩ રન પાછળ છે. ભારત માટે બુમરાહે ચાર અને મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી. જ્યારે ડેબ્યુ સ્ટાર હર્ષિત રાણાએ એક વિકેટ ઝડપી. આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય બેટ્સમેનોનો ફ્લોપ શો એકવાર ફરી જોવા મળ્યો અને પદાર્પણ કરનાર નીતિશ રેડ્ડી ૪૧ રન બનાવી ટોપ સ્કોર રહ્યો. નીતિશ રેડ્ડીએ પોતાની પહેલી જ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કરી ભારતીય ટીમને ત્રણ આંકડા સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી અને ૫૯ બોલમાં ૬ ચોગ્ગા અને એક સિક્સર ફટકારતા ૪૧ રન બનાવ્યા. રેડ્ડી નંબર આઠ અથવા તેનાથી નીચેના ક્રમે રમી ભારત માટે સર્વોચ્ચ સ્કોર કરનાર નવમો બેટ્સમેન છે. રેડ્ડી ઉપરાંત રિષભ પંત બીજો હાઇએસ્ટ સ્કોરર રહ્યો. જેણે ૭૩ બોલમાં ૩૭ રનની ઇનિંગ રમી. આ ઉપરાંત કે.એલ. રાહુલે ૨૫ રન બનાવ્યા. બાકીના બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહીં અને ભારતીય ક્રિકેટ ટીમ ૧૫૦ રનમાં સમેટાઈ ગઈ, આવું નવમી વાર બન્યું છે. જ્યારે ભારતીય ટીમ વિદેશી ધરતી પર ટેસ્ટ સિરીઝના પ્રથમ દિવસે ઓલઆઉટ થઈ છે. જો કે, આ વખતે ભારતે આ નવ વખતમાં સૌથી ઓછી ઓવર (૪૯.૪) રમી છે. ભારત માટે રાહતની વાત એ રહી કે કપ્તાન બુમરાહના નેતૃત્વમાં ભારતીય બોલરોએ વળતો હુમલો કર્યો. બુમરાહે ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરને વેરવિખેર કરતા ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની અને સ્ટીવ સ્મિથને આઉટ કરી દીધા. આ ઉપરાંત મોહમ્મદ સિરાજ અને હર્ષિત રાણાએ પણ કમાલ કરી દીધો અને જોતજોતામાં જ યજમાન ટીમની હાલત ખરાબ થઈ ગઈ. બુમરાહે ઓસી. કપ્તાન પેટ કમિન્સને ૩૨ને પંતના હાથે ઝીલાવ્યો તો સિરાજે લાબુશેનને પેવેલિયન પરત મોકલ્યો. તે ૫૨ બોલમાં ફક્ત બે રન બનાવી શક્યો. દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ૭ વિકેટે ૬૭ રન બનાવ્યા છે. જ્યારે ભારત ૮૩ રન આગળ છે.
ઓસ્ટ્રેલિયામાં ભારત માટે ચાર ટેસ્ટ મેચોમાં સાત ડેબ્યુ
શું નીતિશકુમાર રેડ્ડી, હર્ષિત રાણા, ગિલ, સિરાજ, ઠાકુર, સુંદરના માર્ગે જઈ શકે છે ?
પર્થ, તા.૨૨ : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થઈ ચૂકી છે. પર્થમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ માટે ભારતે ઓલરાઉન્ડર નીતિશકુમાર રેડ્ડી અને ઝડપી બોલર હર્ષિત રાણાને ડેબ્યુ કેપ આપી છે. નીતિશકુમાર રેડ્ડી અને હર્ષિત રાણાના પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવાની સાથે જ ભારતે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં પોતાની છેલ્લી ચાર ટેસ્ટ મેચોમાં ૭ ડેબ્યુ કેપ આપી છે. ૨૦૨૦-૨૧ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને કોણ ભૂલી શકે છે, જેમાં ઇજાથી પરેશાન ભારતે ઓસ્ટ્રેલિયાને ચાર મેચોની સિરીઝ ૨-૧થી હરાવી ચોંકાવી દીધા હતા. આ જીત વધારે ઉલ્લેખનીય હતી, કારણ કે, એડિલેડમાં પ્રથમ ટેસ્ટમાં પ્રવાસી ટીમ ૩૬ રનમાં સમેટાઈ ગઈ હતી. ૨૦૨૦-૨૧ સિરીઝમાં સૌથી પહેલા શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બીજી ટેસ્ટ દરમ્યાન ડેબ્યુ કર્યું હતું. બ્રિસ્બેનના ગાબામાં ચોથી અને અંતિમ ટેસ્ટમાં અશ્વિન અને બુમરાહ ઇજાના કારણે બહાર થઈ ગયા અને ભારતને પોતાની પ્લેઇંગ ઇલેવનમાં અંતિમ સમયે ફેરફાર કરવો પડ્યો. આ ટેસ્ટમાં ત્રણ ખેલાડીઓએ ડેબ્યુ કર્યું. વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર અને ટી. નટરાજન જેવા ખેલાડીઓએ ભારત માટે પોતાની પ્રથમ ટેસ્ટ રમી. હવે જો તમે હર્ષિત રાણા અને નીતિશકુમાર રેડ્ડીને પણ આમાં સામેલ કરી લો તો ભારતે ઓસ્ટ્રેલિયામાં છેલ્લી ચાર ટેસ્ટ મેચોમાં સાત ખેલાડીઓને પદાર્પણની તક આપી છે.