Downtrodden

કર્ણાટકમાં દલિતોના ઘરો સળગાવાયા, ૯૮ને આજીવન કેદ : પીડિતોએ કહ્યું-નિર્ણયને કારણે અમને ખોટ, અમે દુશ્મની ભૂલી ગયા હતા; ૧૦ વર્ષ બાદ ફરી તણાવ વધ્યો

કર્ણાટકના કોપ્પલ જિલ્લાનું મરાકુમ્બી ગામ તાજેતરમાં ચર્ચામાં આવ્યું જ્યારે દેશમાં સૌથી વધુ ૯૮ લોકોને એક સાથે આજીવન કેદની સજા આપવામાં આવી, હવે આ મામલે એક કરૂણ પાસું સામે આવ્યું છે

(એજન્સી) તા.૨૩
સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં સજા મળ્યા પછી ગુનેગારોના પરિવારજનો શોક વ્યક્ત કરે છે. પીડિત પરિવારો કાં તો ખુશી અથવા સંતોષ વ્યક્ત કરે છે. જો કે, દલિતો પર હુમલા અને આગચંપીની ઘટનાના ૧૦ વર્ષ બાદ કોર્ટના ચુકાદાથી મારકુમ્બી ગામમાં પીડિત પરિવારો અને ગુનેગારો બંનેમાં શોક અને નિરાશા છવાઈ ગઈ છે. હવે તેમને ડર છે કે આ નિર્ણયને પગલે તેમના માટે ગામમાં સાથે રહેવું વધુ મુશ્કેલ બનશે. આ વાસ્તવિકતા ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મીડિયા આ પ્રસિદ્ધ કેસનું વાસ્તવિક સત્ય જાણવા કનકગિરી સ્ટેટ હાઈવેના કિનારે આવેલા મારાકુમ્બી પહોંચ્યું. પહેલા આ પૃષ્ઠભૂમિ વાંચો. આ મામલો અત્યારે ચર્ચામાં કેમ છે ? ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચો : ૨૪ ઓકટોબર ૨૦૨૪ના રોજ કોપ્પલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો દલિત અત્યાચાર કેસ પર ચુકાદો આવ્યો. સેશન્સ કોર્ટના જજ ચંદ્રશેખર સીએ આ કેસમાં ૧૦૧ લોકોને દોષિત ઠેરવ્યા હતા. જેમાંથી ૯૮ લોકોને એસસી/એસટી (પ્રિવેન્શન ઓફ એસ્ટ્રોસાઈટ્‌સ) એક્ટ, ૧૯૮૯ અને આઈપીસીની કલમો હેઠળ આજીવન કેદ અને દરેકને ૫,૦૦૦ રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી હતી.
ત્રણ દલિત આરોપીઓને ૫ વર્ષની જેલ અને ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે ૨૧ ઓકટોબરે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. ૨૪ ઓકટોબરે એક દલિત દોષિતનું જેલમાં મોકલતા પહેલા મૃત્યુ થયું હતું. બાકીના દોષિતોને બલ્લારી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. અહીં મારાકુમ્બીના લોકો ભય અને આઘાતમાં છે. આશરે ૨ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં સામુદાયિક તણાવનો ભય વધી ગયો છે. કર્ણાટક રિઝર્વ પોલીસ કર્મચારીઓ ૨૪ કલાક તૈનાત છે. મીડિયા સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે જો આ મામલો હેડલાઇન્સમાં ન આવ્યો હોત તો ગામ આટલું બદનામ ન થાત. લોકોના ગુસ્સાથી બચવા મીડિયાના લોકો પ્રેસ સ્ટીકર વગરના વાહનોમાં ગામડે પહોંચે છે. ઘણી સમજાવટ બાદ બંને પક્ષોએ મીડિયા સાથે વાત કરી હતી. દલિતોએ કહ્યું-કોર્ટના નિર્ણય માટે લોકો અમને દોષી ઠેરવે છે, દલિતોએ કેમેરા સામે કંઈપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે પોતાનું નામ ન જાહેર કરવાની શરત પણ મૂકી. કેટલાક દલિત વડીલોએ કેમેરા સામે કહ્યું, ‘આરોપીને આજીવન કેદની સજાથી અમે આશ્ચર્યચકિત છીએ. અમે કાયદાના ચુકાદાનું સન્માન કરીએ છીએ, પરંતુ અમને આવી કડક સજાની અપેક્ષા નહોતી. ૨૦૧૪ની ઘટના પછી બધું સામાન્ય થઈ ગયું હતું. ‘અમે એકબીજા સામે દુશ્મનાવટને દફનાવી દીધી હતી. અમે તેમની (ઉચ્ચ જાતિની) જમીનો પર કામ કરતા. ગરીબ ઉચ્ચ જાતિના મજૂરો પણ અમારી જમીન પર ખેતીમાં અમને મદદ કરતા. કેટલાક શ્રીમંત ખેડૂતોએ પણ અમારી જમીનો ખેડવા અને પાકનું પરિવહન કરવા માટે તેમના ટીલર અને ટ્રેક્ટર ઉછીના આપ્યા હતા. હવે આ નિર્ણયથી બધું ખતમ થઈ ગયું છે. દલિતોએ કહ્યું, ‘હવે અમને રસ્તા પર એકલા ચાલતા પણ ડર લાગે છે. અમારા પર બિભત્સ ટિપ્પણીઓ કરવામાં આવે છે. ગામના લોકો આરોપીઓના પરિવારજનોને જે તકલીફ પડી છે તે માટે અમારા તરફ આંગળી ચીંધી રહ્યા છે. અમને વિલન તરીકે જોવામાં આવી રહ્યા છે. અમે અમારી ભાવિ પેઢીઓ માટે ડરીએ છીએ કારણ કે અમે મીડિયા કવરેજને કારણે ચર્ચામાં આવ્યા છીએ. ન્યાય મળ્યા પછી પણ અમે ખોટમાં છીએ. પડોશી ગ્રામજનોએ પણ કોર્ટના નિર્ણય માટે અમને દોષ આપવાનું શરૂ કર્યું છે. અમને નથી લાગતું કે કોઈ ગામના લોકો તેમના બાળકોના લગ્ન અમારા બાળકો સાથે કરશે. કોર્ટના નિર્ણયથી રાહત અનુભવવાને બદલે અમે અમારા ભવિષ્ય માટે વધુ ડરીએ છીએ.
મુખ્ય આરોપીને બાદ કરતા ૯૯ને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ સેશન્સ કોર્ટમાંથી મુખ્ય આરોપી મંજુનાથને બાદ કરતા બાકીના ૯૯ આરોપીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. ૧૩ નવેમ્બરે હાઈકોર્ટની ધારવાડ બેન્ચે તમામને જામીન આપ્યા હતા. જસ્ટિસ શ્રીનિવાસ હરીશ કુમાર અને જસ્ટિસ ટી.જી. શિવ શંકર ગૌડાની બેન્ચે દરેક દોષિતો પર એક જામીન સાથે ૫૦,૦૦૦ રૂપિયાના બોન્ડ લાદ્યા હતા. કેટલાક દોષિતો મીડિયાથી બચવા માટે ૧૬ નવેમ્બરે રાતના અંધારામાં ગામમાં પાછા ફર્યા હતા. કેટલાક લોકો અન્ય ગામોમાં તેમના સંબંધીઓના ઘરે ગયા હતા. ગુનેગારોના પરિવારે કહ્યું-અમે દલિતોની જેમ બરબાદ થઈ ગયા છીએ, ઉચ્ચ જાતિના લોકો મીડિયા સાથે વાત કરવા તૈયાર નહોતા.