રફીકે છેલ્લા ૩૫ વર્ષથી પાઈ-પાઈ જોડી બે માળનું મકાન બાંધ્યું હતું પણ રાજ્ય પોલીસે કોના આદેશથી આ મકાન તોડી પાડ્યું તે અંગે પ્રશ્નો ઊભા થયા હતા, જો કે હિન્દુ મહિલાએ મુસ્લિમ પાડોશી અને તેના પરિવારજનોને પોતાના ઘરમાં આશરો આપી ભારતના મજબૂત સામાજિક માળખાનો પરિચય આપ્યો હતો
(એજન્સી) ઉજ્જૈન, તા.૩૧
ભારત વિવિધતામાં એકતા અને અદ્ભૂત કોમી એકતાની મિસાલ આપતો દેશ છે. જ્યાં એક તરફ અસામાજીક ત્તત્વો સામાજીક ભેદભાવ દ્વારા પોતાના મનસૂબા પૂરા પાડવા છાકટા બને છે ત્યાં કોમી ભાઈચારાનું પણ ઉત્તમ ઉદાહરણ રજૂ કરનારા લોકો પોતાની અસાધારણ કામગીરી દ્વારા આવા લોકોના ઈરાદાઓને બર આવવા દેતાં નથી. આવી જ એક ઘટના રમખાણગ્રસ્ત મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બની હતી. જ્યાં મીરા બાઈ નામક હિન્દુ મહિલાએ પોતાના ઘરમાં રફીક નામક મુસ્લિમ પાડોશીના ઘરના ૧૯ સભ્યોને આશરો આપી કોમી પરિબળોને જોરદાર લપડાક લગાવી હતી. ઉજ્જૈનના બેગમ બાગમાં થયેલી હિંસા બાદ અબ્દુલ રફીકના બે માળના ઘરને સ્થાનિક તંત્રએ તોડી પાડયું હતું. રફીકનો વાંક એટલો જ હતો કે, તેણે હિંસા સામે અવાજ ઉઠાવ્યો હતો. ભારતીય જનાત યુવા મોરચાના કાર્યકરોએ વિસ્તારમાં સૂત્રોચ્ચાર કરી પથ્થરમારો કર્યો હતો. તંત્રને આ ઘટનાની જાણ થઈ અને તેમણે ઉલ્ટાનું રફીકના ઘર પર બુલડોઝર ફેેરવી દીધું હતું. આવા કપરા સમયમાં રફીકની પડોશમાં રહેતી મીરા બાઈ તેમની મદદ માટે આગળ આવી હતી. અને પોતાના ઘરનો એક ઓરડો રફીક અને તેના પરિવારના ૧૯ સભ્યો માટે ખાલી કરી તેમને ત્યાં રહેવાની સગવડ કરી આપી હતી. રફીક દૈનિક મજદૂરી પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા ૩૫ વર્ષથી તેણે પાઈ-પાઈ જોડી સરકારી પટ્ટાની જમીન બે માળનું મકાન બાંધ્યું હતું. ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો પર મીરાના ઘર પરથી પથ્થરો મારવામાં આવી રહ્યાં હતા પણ તંત્રને જ્યારે જાણ થઈ કે, મીરા હિન્દુ છે તો તેઓ રફીકના ઘર તરફ વળ્યા હતા અને તેમની એકપણ વાત સાંભળ્યા વિના તેમનું ઘર તોડી પાડયું હતું.