(દિલ્હી હિંસાનું સત્ય – ભાગ-1)
કારવાં મેગેઝીન માટે છ મહિનાની લાંબી તપાસમાં સાગર નામના એક કર્મચારી લેખકે ફેબ્રુઆરી ૨૦૨૦માં દિલ્હીમાં થયેલ હિંસા પૂર્વે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સભ્યો દ્વારા ફેસબુક લાઇવ બ્રોડકાસ્ટની સંપૂર્ણ તપાસ કરી હતી. આ લેખોની શ્રેણીમાં અમે તપાસ, હિંસા, તેના રાજકીય અને સાંપ્રદાયિક સ્વભાવ અને નાગરિકત્વ (સુધારણા) અધિનિયમ ૨૦૧૯નો વિરોધ કરનારાઓ વિરુદ્ધ લોકોમાં નફરત ઊભી કરવામાં આરએસએસ, ભાજપ અને તેના સંલગ્ન સંગઠનો દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા, અને હિંસા પહેલાના આરએસએસ, ભાજપ અને તેના સંલગ્ન સંગઠનો દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા અંગેના અહેવાલ આપવામાં આવ્યા છે.
૨૩ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ પૂર્વોત્તર દિલ્હીમાં કોમી હિંસા ફાટી નીકળવાના અમુક કલાકો પહેલાં ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સંઘ પરિવારના અન્ય જૂથોના સભ્યોએ સ્થાનિક હિન્દુ પ્રજાને મૌજપુરની શેરીઓમાં બહાર આવવા માટે અપીલ કરીને ગતિશીલ કરી દીધી હતી. તે દિવસે, મૌજપુર ખાતે હિન્દુ ટોળા ભેગા થયા હતા અને જાફરાબાદ મેટ્રો સ્ટેશન પર રસ્તા પર કબજો કરી ચૂકેલા નાગરિકત્વ (સુધારો) અધિનિયમ ૨૦૧૯નો વિરોધ કરનારા વિરોધીઓ વચ્ચે તેમની અથડામણ થઈ હતી, અને એ પછી જ રાજધાની દિલ્હીમાં ત્રણ દિવસથી વધુ સમય સુધી ચાલેલી કોમી હિંસાની શરૂઆત થઈ હતી. તે સમયે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક પ્રેસ રિલીઝ કરીને આ હિંસાને સ્વયંભૂ ગણાવી હતી. પરંતુ સંઘ પરિવારના સભ્યો દ્વારા ફેસબુક લાઇવ બ્રોડકાસ્ટ્સ – જેની તેમની સાથેની મુલાકાતોમાં પણ પુષ્ટિ આપવામાં આવી છે – અને તેની સાથે અનેક ડિજિટલ પુરાવાઓ પ્રદાન કરવામાં આવ્યા છે જે દર્શાવે છે કે મૌજપુરમાં જે હિન્દુ ટોળું ભેગું કરવામાં આવ્યું હતું તે રાજકીય સ્ટંટ હતું અને ઇરાદાપૂર્વક સાંપ્રદાયિક હિંસા માટે તેને એકત્રિત કરવામાં આવ્યું હતું.
૨૩ ફેબ્રુઆરીની સવારે, ભાજપના દિલ્હી એકમના વોર્ડ કક્ષાના પ્રમુખ અનુપમ પાંડેએ રાજધાનીમાં સીએએ કાયદા વિરુદ્ધ પ્રતિકાર વધતાં અહીના હિંદુઓને તેમના ઘરોમાં વૈરાગ્ય લઈને બેસવાની સલાહ આપીને કટાક્ષ કર્યો હતો. પાછલી રાત્રે, સ્થાનિક મુસ્લિમ મહિલા વિરોધીઓના એક જૂથે, વિવાદિત નાગરિકત્વ કાયદો રદ કરવાની માંગ સાથે, ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદ-મૌજપુર માર્ગ પર ચક્કા જામ અથવા નાકાબંધી કરી હતી. સવારે ૧૦.૪૬ વાગ્યે પોતાની એક ફેસબુક પોસ્ટમાં, પાંડેએ લખ્યું છે કે, “જ્યાં સુધી તેઓ આપણા ઘરનો રસ્તો રોકશે નહીં ત્યાં સુધી તમે તમારા ઘરે બેસો. ૧૦૦ કરોડ હિન્દુ લોકો માટે આ શરમની વાત છે!” તેઓ દેશની હિન્દુ વસ્તીનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે “હું મારા હિન્દુ ભાઈઓને અપીલ કરું છું કે શક્ય તેટલી મોટી સંખ્યામાં મૌજપુર ચોકમાં પહોંચવું જોઈએ. જય શ્રી રામ!”
પાંડે તે સમયે ઉત્તરપૂર્વી દિલ્હીના વોર્ડ, સોનિયા વિહાર મંડળના ભાજપના અધ્યક્ષ હતા. આગામી ત્રણ કલાકમાં, તેમણે લોકોને વધુ ત્રણ ફેસબુક પોસ્ટ્સ પર મૌજપુર ખાતે જોડાવા વિનંતી કરી હતી. આ દિવસ દરમિયાન પાંડેએ પાર્ટીના અન્ય સાથીદારો સાથે તેમના ફોટા અને લાઇવસ્ટ્રીમ પોસ્ટ કર્યા હતા. તેમાં કપિલ મિશ્રા અને કૌશલ મિશ્રા સામેલ હતા, જે બંને તે મહિનાની શરૂઆતમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા હતા; ઉત્તર પૂર્વના બાબરપુર વોર્ડમાંથી ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર કુસુમ તોમર; અને સત્યદેવ ચૌધરી, જે તે સમયે પાર્ટીના મૌજપુર મંડળના પ્રમુખ હતા. દરેક પોસ્ટમાં પાંડેએ હિન્દુઓને “તેમના હિન્દુ ભાઈઓ માટે” ચોકમાં ભેગા થવાની અપીલ કરી હતી. તે દિવસે તેમની ચોથી પોસ્ટમાં, બપોરે ૧૨.૨૪ વાગ્યે પાંડેએ લખ્યું હતું કે, “અમે જાફરાબાદને શાહીનબાગ થવા દઈશું નહીં.. અમે સીએએ અને દિલ્હી પોલીસના સમર્થનમાં બહાર આવીશું. આપણે મૌજપુર ચોક ખાતે બપોરે ૩ વાગ્યે ભેગા થવું જ જોઈએ.”
બપોરે ૩.૩૫ વાગ્યે, દીપરાજ રાવલે એ મૌજપુરથી એક ફેસબુક લાઇવસ્ટ્રીમ શરૂ કરી હતી, અને તેઓએ પણ તેવી જ અપીલ સાથે કહ્યું હતું કેઃ “જય શ્રી રામ મારા બધા ભાઈઓ, કૃપા કરીને મોટી સંખ્યામાં મૌજપુર ચોકમાં પહોંચો.” રાવલ એ કિસાન મોરચાના ઉત્તર-પૂર્વ દિલ્હી એકમના પ્રમુખ છે, જે ભાજપનું ખેડૂત સંગઠન છે, જેણે આ પહેલા પાંચ વર્ષ સુધી બજરંગ દળના જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી. આ લાઇવ વીડિયોમાં તેની બાજુમાં ઊભા રહેલા મૌજપુરમાં હાજર રહેલા અન્ય લોકોએ તરત જ નારા લગાવ્યા હતા, “હિન્દુ એકતા ઝિંદાબાદ!” – રાવલ અને આ ટોળાએ એકતાપૂર્વક આ નારા લગાવ્યા અને હિન્દુ એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રાવલના આ વીડિયોમાંના એક પુરુષે એવું જાહેર કર્યું કે, “હવે અમે સૂઈ રહ્યા નથી. આપણે જાગૃત થયા છીએ. આપણે કમજોર કે નબળા હિન્દુ નથી. આપણાં બધા હિન્દુઓ હવે જાગૃત થયા છે.” ઉલ્લેખનીય છે કે આ વીડિયો દસ હજારથી વધુ વખત લોકો દ્વારા જોવામાં આવ્યો હતો.
તે સાંજે ભારતીય જનતા યુવા મોરચાના ભાજપ પૂર્વ યુવા મોરચાના નવીન શાહદરા એકમના, ઉત્તર પૂર્વના બીજા પ્રદેશમાં જિલ્લા કાર્યકારી આકાશ વર્માએ પણ પોતાના ફેસબુક એકાઉન્ટ પર મૌજપુરથી જીવંત પ્રસારણ શરૂ કર્યું હતું. વર્મા તેમના દર્શકોને મોજપુર ચોકની મુલાકાતે લઈ ગયા હતા અને હિન્દુ ટોળાના નારાઓ દર્શાવતા હતા, જ્યાં લોકો એવું કહેતા હતા કે “મોદીજી, તુમ લઠ્ઠ બજાઓ, હમ તુમ્હારે સાથ હૈ; – મોદીજી, તમે તેમને લાકડીઓ વડે મારો, અમે તમારી સાથે છીએ. – તેમને લાંબી લાકડીઓ વડે મારો, અમે તમારી સાથે છીએ. સાથોસાથ, તેમણે તેમના દર્શકોને મૌજપુર ખાતે મોટી સંખ્યામાં જોડાવવા અપીલ કરી હતી. તેનો આ વીડિયો ચાલીસ હજારથી વધુ દર્શકો જોઈ રહ્યા હતા.
તેમના જીવંત પ્રસારણ દરમિયાન એક તબક્કે, વર્માએ પથ્થરોથી ભરેલ એક વેગન બતાવ્યો હતો, અને આ પથ્થરો રસ્તા પર ઉતારવામાં આવ્યા હતા. તેમણે આ દર્શાવતા કહ્યું કે “આ જુઓ, પથ્થરો રસ્તાઓ પર પહોંચી ગયા છે.” તેમણે ડ્રાઇવરને સૂચના આપવાનું શરૂ કર્યું, “યહાં ડાલો, ડાલો” – આ સમયે આ ટોળામાંથી બીજો એક અવાજ સંભળાયો હતો, “વિજય પાર્ક કે મુલ્લો કે લિયે યહાં પથ્થર ડાલો” – તેમણે આ વિસ્તારના મુસ્લિમ પ્રભાવિત વિસ્તારનો ઉલ્લેખ કર્યો હતો. આ વેગનમાં રહેલા આખરે બધા પથ્થરો જમીન પર નાખી દેવામાં આવ્યા હતા અને એ સમયે વર્મા સહિતના ટોળાએ “જય શ્રી રામ!”ના સૂત્રોચ્ચાર કર્યા હતા.
પાંડે, રાવલ અને વર્મા એ ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા એવા ડઝનબંધ વ્યક્તિઓમાં સામેલ છે, જેમણે ૨૩ ફેબ્રુઆરીના રોજ દ્વેષ સાથે હિન્દુ એકતાનો આગ્રહ રાખીને ભીડને શેરીઓમાં એકઠી કરી હતી. તે દિવસે સાંજે ૪ વાગ્યા સુધીમાં, આ ચોકમાં ભેગા થયેલા હિન્દુઓ અને સીએએનો વિરોધ કરી રહેલા લોકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. એ પછી આગામી ત્રણ દિવસોમાં દિલ્હીમાં થયેલી કોમી હિંસામાં ઓછામાં ઓછા ૫૩ વ્યક્તિઓ માર્યા ગયા હતા, જેમાંથી ૪૦ લોકો મુસ્લિમ હતા. તેમ છતાં, તે વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે ભાજપના પોતાના કમાન્ડના ફેરબદલ દરમિયાન, પાંડેને બઢતી આપીને પાર્ટીની ઉત્તર દિલ્હી એકમના અધ્યક્ષ પદે મૂકવામાં આવ્યા હતા. પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારના અને બિહારથી સ્થળાંતર કરનારા પક્ષના પૂર્વાંચલ મોરચાના જિલ્લા પ્રભારી તરીકેનો તેમને વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો હતો. રાવલને બઢતી આપવામાં આવી ન હતી. અને વર્મા હવે બીજેવાયએમના નવા શાહદરા એકમના સોશિયલ મીડિયા પ્રભારી તરીકે ફરજ બજાવે છે.
૨૩ ફેબ્રુઆરીના રોજ હિંસા ફાટી નીકળવાની ઘટના અંગે દિલ્હી પોલીસની આ ઘટના માટેની રજૂઆતમાં હિન્દુ ટોળાના સભ્યો દ્વારા ફેસબુક લાઇવ બ્રોડકાસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા ફોટા કરતાં અલગ ચિત્ર દોરવામાં આવ્યું છે. જુલાઈ ૨૦૨૦માં દિલ્હી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાયેલા સોગંદનામામાં, દિલ્હી પોલીસે નોંધ્યું હતું કે સીએએનો વિરોધ કરી રહેલા વિરોધીઓની મોટી ભીડ ૨૨ ફેબ્રુઆરીની રાત્રે જાફરાબાદ મેટ્રો સ્ટેશન પર એકઠી થઈ હતી, અને ૬૬ ફૂટના રસ્તાની એક બાજુ અવરોધિત કરી દીધી હતી. – જે જાફરાબાદ – મૌજપુર માર્ગ કહેવામાં આવે છે. બીજા દિવસે પોલીસે એફિડેવિટમાં જણાવ્યુ કે, “એવી માહિતી મળી હતી કે બપોરે ૩ઃ૦૦ વાગ્યે જાફરાબાદ મેટ્રો સ્ટેશન પર-૬૬-ફૂટ રોડનો કેરેજ રસ્તો ફરીથી ખોલવાની માંગ કરનારા કેટલાક લોકો જાફરાબાદ મેટ્રોથી લગભગ ૭૦ મીટરના અંતરે મૌજપુર ચોકમાં એકઠા થશે અને પોલીસે સોગંદનામામાં નોંધ્યું છે કે મૌજપુર ખાતે ભીડ એકત્રીત થયા પછી, નજીકના વિસ્તારોના રહેવાસીઓએ માર્ગ ખોલવાની માંગણી કરતા ત્રણ મુસ્લિમ પ્રભાવિત સ્થાનિક ક્ષેત્રના લોકોએ આ લોકો પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
પાંડે, રાવલ અને વર્માના વીડિયો જ આ કથાનો વિરોધાભાસ નથી – અમે ભાજપ, આરએસએસના ૨૦થી વધુ સભ્યો અને તેમના સહયોગી સંગઠનોના જીવંત પ્રસારણોની સમીક્ષા કરી હતી, અને પછી આ વ્યક્તિઓ દ્વારા એવી પુષ્ટિ મળી હતી કે તેઓએ આ વીડિયો જાતે જ ફેસબુક પેજ પર અપલોડ કર્યા છે. તેમના આ વીડિયોઝ અને તેમની સાથેના મારા વાર્તાલાપથી એવું જણાયું કે મૌજપુર ખાતેના એકત્રીકરણ પાછળ તેઓએ લોકોને વિવિધ રીતે પ્રેરણા આપી હતી. – જેમાં તેઓએ હિન્દુ એકતાની અપીલ કરી હતી અને તાકીદની આવશ્યકતા કહી હતી; તેઓએ એવી માન્યતા ઊભી કરી હતી કે સીએએનો વિરોધ કરનારા લોકો ગેરકાયદેસર સ્થળાંતર કરનારા લોકો છે, જેમણે હિન્દુઓના અસ્તિત્વને જોખમમાં મૂક્યું છે અને તેઓ દયા માટે લાયક નથી; તેઓએ લોકોમાં સીએએ વિરોધી લોકો તેમના ઘરો પર હુમલો કરશે તેવો ભય ઊભો કર્યો હતો; અને એક એવી પ્રતીતિ ઊભી કરી કે આ વિરોધ કરનારા લોકો કાયદાથી અજાણ છે. જો કે દિલ્હી પોલીસે રજૂ કરેલી એફિડેવિટમાં આવા કોઈ પણ વીડિયોની છબીનું ચિત્રણ કર્યું નથી.
સૌથી અગત્યની વાત એ છે કે આ વીડિયો દર્શાવે છે કે મૌજપુર ખાતે જે હિન્દુ ટોળા એકત્ર થયા હતા તે ન તો અવરોધક હતું અને તે એક શાંતિપૂર્ણ મેળાવડો હતો. તે એક એવું ટોળું હતું જે નિર્ભય રીતે કોમી સંદેશા સાથે એકત્રીત કરવામાં આવ્યું હતું, પરંતુ ખરેખર તો તે ભય અને નફરત માટે ભેગું કરવામાં આવ્યું હતું, અને તે હિંસા કરવા માટે તૈયાર હતું. તેમની સાથેના મારા ઇન્ટરવ્યુમાં આગળ એવો સંકેત દેખાય છે કે, લગભગ બધાને સીએએ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે આ કાયદા વિરુદ્ધ વિરોધ કરી રહેલા લોકો હિન્દુ વિરોધી છે અને રાષ્ટ્રને તોડવા માટે આ પાકિસ્તાનનું કાવતરું છે. મૌજપુરથી વીડિયોનું જીવંત પ્રસારણ કરનાર એક મહિલા અંજલિ વર્માએ મને કહ્યું કે, “મોદીજીએ તેમને સ્પષ્ટ કહ્યું કે સીએએએ નાગરિકત્વ આપવાનો કાયદો છે અને કોઈની પણ નાગરિકતા છીનવી લેવામાં આવશે નહીં.” તેણીએ તેના ફેસબુક પેજ પર જણાવ્યુ હતું કે તે ૨૦૧૯થી ભાજપ સાથે કામ કરી રહી છે, પરંતુ તેણે આ ઘટનામાં પોતાના જોડાણનો ઇનકાર કર્યો હતો. તેણે પોતાને એક “હિન્દુવાદી” તરીકે ઓળખાવી હતી અને કહ્યું હતું કે તે મૌજપુરના ટોળામાં જોડાઈ હતી કારણ કે “સીએએ કાયદો હિંદુઓ માટે સારો છે” અને હું “મોદીજીને ટેકો આપવા માટે” અહી આવી હતી.
ફેબ્રુઆરીમાં થયેલી હિંસા પછી કેટલાક મહિનાઓ સુધી, મેં હિંસા તરફ દોરી જતા સંજોગોને સમજવા માટે ફેસબુક પર પોસ્ટ કરેલા મૌજપુરના લાઇવ વીડિયોઝ અને ચિત્રો ક્યુરેટ કર્યા હતા. મેં હિંસા શરૂ થવા પહેલાં ૨૩ ફેબ્રુઆરીના રોજ મૌજપુર પહોંચેલા વ્યક્તિઓ અને હિંસામાં ભાગ લેનારા અથવા અન્ય લોકોને ભીડમાં જોડાવા માટે એકત્રિત કરનારા લોકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એક એવી વિવેચનીય પદ્ધતિ સાથે જોઈએ તો આ ટોળા અને સંઘના સંગઠનો વચ્ચે સીધા અથવા આડકતરી રીતે જોડાણ જાહેર કરે છે – ભાજપ અને આરએસએસના સભ્યો તરીકે અથવા બીજેવાયએમ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય ઓછા જાણીતા હિન્દુત્વ જૂથો જેવા સંલગ્ન સંગઠનો સાથે તેમનો સીધો સંબંધ છે. તેમાંના કેટલાકે કહ્યું હતું કે તેઓ સંઘના સંગઠનાત્મક માળખાના મૂળ એકમના ભાગ છે અને આરએસએસ શાખાઓમાં ભાગ લઈને મોટા થયા છે, તેઓ અર્ધસૈનિક તાલીમ મેળવે છે, અને સંમેલન સત્રો સહિત શારીરિક કસરતો પણ કરે છે.
ફેસબુક લાઇવસ્ટ્રીમ્સ, ટોળાના સહભાગીઓની વસ્તી વિષયક અને સામાજિક-રાજકીય પૃષ્ઠભૂમિની મૂલ્યવાન સમજ આપે છે. મેં ઓછામાં ઓછા ૨૬ લાઇવસ્ટ્રીમની તપાસ કરી અને સંબંધિત વ્યક્તિઓ પાસેથી તેમની પ્રામાણિકતાની પુષ્ટિ કરી હતી. તેમના નામ, તેમની ફેસબુક પ્રોફાઇલ અને જે સંસ્થાઓના તેઓ સભ્ય હતા તે વિશે તપાસ કરી હતી. તેમાંના મોટા ભાગના ૧૬ બ્રાહ્મણો હતા. પાંચ રાજપૂત સમુદાયના સભ્યો હતા, ત્રણ પછાત વર્ગના વ્યક્તિઓ હતા અને તેમાંથી બે જાટ હતા. તેમાંના ઘણાએ તેમની પોતાની સમુદાયલક્ષી સંસ્થાઓનું પણ નેતૃત્વ કર્યું હતું, જેમાં પરશુરામ સેના, બ્રાહ્મણ જૂથ જેવી તેમની સંબંધિત જાતિના કલ્યાણ માટે કામ કર્યું હતું; અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા, રાજપૂત જૂથ; અને પટેલ સેના, અન્ય પછાત વર્ગના સભ્યો પણ તેમાં હતા.
આ લાઇવસ્ટ્રીમ્સ મૌજપુર ટોળાંને સ્વયંભૂ, અસાધારણ અથવા સીએએના સમર્થનમાં કામ કરતા હોવાના દાવાને આગળ કરે છે. લગભગ કોઈ પણ લાઇવસ્ટ્રીમ્સ એ નાગરિકત્વના કાયદાની તરફેણમાં દલીલો કરી રહેલી વ્યક્તિઓ બતાવી ન હતી. તેના બદલે, સ્વ-ઘોષિત રાજકીય વલણવાળા સભ્યોએ હિન્દુ એકતાના વિશિષ્ટ વર્ણન અને કાલ્પનિક ધમકીનો ઉપયોગ કરીને એક ટોળું એકત્રિત કર્યું હતું. તેમની ફેસબુક પ્રોફાઇલમાં એ પણ બહાર આવ્યું છે કે દિલ્હી પોલીસના કથનથી વિપરીત, ૨૩મી ફેબ્રુઆરીએ જાફરાબાદ માર્ગ પર કબજો કરનારા વિરોધ પ્રદર્શનોના જવાબમાં મૌજપુર ટોળાને એકઠા કરવામાં આવ્યા ન હતા, તેમ છતાં તે કાર્યવાહીનો અંતિમ કોલ હતો. હકીકતમાં, હિંસાના અઠવાડિયા પહેલા, આ સમાન વ્યક્તિઓમાંથી ઘણાએ આવા અન્ય લાઇવ વીડિયો પ્રસારિત કર્યા હતા, જે હિન્દુઓને સીએએ વિરોધી લોકો સામે એક થવાની અપીલ કરતા હતા. દરેક વખતે, હિન્દુ ઓળખ તેમની આ દેશ પ્રત્યે દાવેદારીના કોલ કરીને તેઓને ઉશ્કેર્યા હતા.
બીજેપી અને આરએસએસના વહીવટી પદાનુક્રમની સમાન વહીવટી રચના છે, તેમાં નાનામાં નાના એકમ તરીકે એક શાખા હોય છે. તેના ચડતા ક્રમમાં, એટલે કે શાખા પછી, આ રચનામાં વ્યાપક રૂપે મંડલ તરીકે વર્ગીકૃત કરી શકાય છે, જે એક અથવા વધુ વોર્ડને આવરી લેતું વહીવટી એકમ છે; એ પછી જિલ્લો આવે છે; જે એવો વિભાગ છે, જે બે અથવા વધુ જિલ્લાઓનું સંયોજન છે; એ પછી પ્રાંત આવે છે, જે રાજ્ય; અને ક્ષેત્ર, બે કે તેથી વધુ ક્ષેત્રોનું સંયોજન હોય છે. પ્રત્યેક એકમમાં પ્રમુખની શરૂઆતથી લઈને અનેક સંગઠનાત્મક હોદ્દાનો સમાવેશ થાય છે; જેમાં ઉપાધ્યક્ષ હોય છે, તે ઉપપ્રમુખ પણ કહેવાય છે; એ પછી મહામંત્રી આવે છે; તેને મંત્રી અથવા સચિવ કહેવાય છે; અને પછી કાર્યકારી સદસ્ય, અથવા કારોબારી સભ્યો હોય છે. સંઘ પરિવારના સભ્યો, જેમણે મૌજપુર ચોક પર કબજો કર્યો હતો, તેમાં પ્રમુખ કે અધ્યક્ષથી લઈને કારોબારી સભ્યો સુધીની તમામ પોસ્ટ્સના લોકો સામેલ હતા અને મોટે ભાગે સોનિયા વિહાર, મૌજપુર, બાબરપુર, દિલશાદ ગાર્ડન, નવીન શાહદારા અને શાહદારા જીલાસ મંડળોમાંથી હતા, જે તમામ ઇશાન દિલ્હી હેઠળ આવે છે.
૨૩ ફેબ્રુઆરીના રોજ મૌજપુર ચોકમાં લોકોને ભેગા કરવા માટે હિંદુ એકતાનો આહવાન આપવું એ કદાચ સૌથી મજબૂત પ્રોત્સાહન હતું. પાંડે, જે ભાજપના સોનિયા વિહાર મંડળના અધ્યક્ષ હતા, જેમણે વારંવાર સ્થાનિક હિંદુઓને ધાર્મિક એકતાની જરૂરિયાત દર્શાવીને મૌજપુર આવવાનું આહ્વાન કર્યું હતું, તેમણે મારી પાસે જુસ્સાથી પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે. “ભાઈ, શું હિન્દુઓ વિશે વાત કરવી ખોટી છે ?” ૩૯ વર્ષના પાંડેએ મને કહ્યું કે તેમને એવું લાગે છે કે સીએએ કાયદો એ હિન્દુ રાષ્ટ્ર સ્થાપવામાં મદદ કરશે, અને તેમણે આગળ કહ્યું કે તેનો સર્વત્ર અમલ થવો જોઈએ કારણ કે તે રામ રાજ્ય, અથવા હિન્દુ દેવતા રામના શાસનનો પર્યાય એ હિન્દુ રાષ્ટ્ર છે. “શું આપણે એમ કહી શકીએ નહીં કે આપણે હિન્દુ રાષ્ટ્ર સ્થાપિત કરીશું ? દરેક રાજ્યમાં, આ અમારો એજન્ડા છે, ભાજપનું રામ રાજ્ય અને હિન્દુ રાષ્ટ્ર બંને વિચાર એક સમાન છે.”
પાંડેએ જણાવ્યું હતું કે તેઓ માનતા નથી કે તેમણે હિંસાને ભડકાવી હતી અથવા આ ચોક પર જાણી જોઈને ટોળાને એકત્રિત કર્યા હતા. તેમણે કહ્યું કે “સીએએની તરફેણમાં ઊભા રહેવું તે ઉશ્કેરવું નથી, તેમણે કહ્યું કે, ‘હું સીએએની તરફેણમાં કામ કરી રહ્યો છું, મેં ભૂતકાળમાં પણ આ કાર્ય કર્યું હતું અને ભવિષ્યમાં પણ કરીશ. ખરેખર, ૨૩ ફેબ્રુઆરીએ સ્થાનિક હિન્દુઓને એકત્રીત કરવાના તેમના આ પ્રયત્નો પ્રથમ વખત ન હતા. ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ, પાંડેએ સીએએના સમર્થનમાં એક કૂચ કાઢી હતી. તે એ જ દિવસ હતો કે જ્યારે મોદીએ દિલ્હીના રામલીલા મેદાનમાં એક રેલી યોજી હતી, અને સંસદ દ્વારા સીએએ લાગુ કરવામાં આવ્યાના થોડા દિવસો પછી, દેશભરમાં વિરોધ પ્રદર્શિત થયો હતો. તે દિવસે પાંડે ફેસબુક પર લાઇવ થયા હતા, અને એક વીડિયોમાં ટોળાની આગેવાની કરતા તેઓએ કહ્યું હતું કે, ‘દેશ કે ગદ્દારો કો, ગોલી મારો સાલોં કો’ – (આ દેશના દેશદ્રોહીઓને શુટ કરો.)
પાંડે અગાઉ સ્વયંસેવક હતા અને તેમણે ઘોડેસવારી અને રાઇફલ પકડીને સંઘના યુનિફોર્મના ખાકી શોટ્ર્સ અને સફેદ શર્ટ સહિતના પોતાના ફોટા સહિત સોશિયલ મીડિયા પર ગર્વથી આરએસએસ સાથે પોતાનું જોડાણ દર્શાવ્યું છે. તેમણે મને કહ્યું કે હું માનતો નથી કે મેં લોકોને સાંપ્રદાયિક મુદ્દે અહી એકત્રિત કર્યા છે.
ભાજપના કિસાન મોરચાના સ્થાનિક એકમના પ્રમુખ રાવલે પણ તેમના જીવંત પ્રસારણમાં હિન્દુ એકતાની અપીલ કરી હતી. તેઓ ૨૮ વર્ષના છે અને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ઉપાધ્યક્ષ છે અને તે ઉત્તર-પૂર્વ દિલ્હીના ઘોંડા વિસ્તારમાં અખાડા-પરંપરાગત આઉટડોર કુસ્તી અને કસરત માટેની સંસ્થા ચલાવે છે. રાવલે કહ્યું કે બજરંગ દળમાં તેના મિત્રોનો ફોન આવ્યા બાદ તે મૌજપુર ચોકમાં ગયા હતા. તેમણે મને કહ્યું કે, “અહીં આસપાસના હિન્દુ સંગઠનોએ મને કહ્યું, તેથી હું ત્યાં ગયો હતો.” રાવલે કહ્યું કે ઘોંડામાં ઘણા લોકોને મૌજપુર ખાતે જવા માટે “બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ” જેવા સંગઠનો તરફથી સંદેશાઓ મળ્યા હતા. તે સમયે બીજેવાયએમના નવીન શાહદરા જિલ્લા કારોબારી સભ્ય વર્માએ મને કહ્યું હતું કે તે “અમારા હિન્દુત્વના એજન્ડા” માટે તેઓ આ ચોક પર ગયા હતા. હકીકતમાં, તેમના સમગ્ર વીડિયોમાં, સૌથી આકર્ષક પાસું એ હતું કે હિન્દુ સૈનિક તરીકે આ સ્થળ પર હાજર રહેવાની વર્માની ખુશી સ્પષ્ટ જાહેર થાય છે. કપાળ પર તિલક અને કેસરી કુર્તા સાથે, વર્માએ તેમનો કેમેરો ઊંચો કરીને સૂત્રોચ્ચાર કરતાં હતા, અને તેઓએ સાંપ્રદાયિક દુર્વ્યવહાર સાથે જય શ્રી રામના ગૌરવપૂર્ણ ગીત સાથે લોકોને શુભેચ્છા પાઠવી હતી.
તેના આ પ્રસારણ દરમિયાન અન્ય એક તબક્કે, ટોળામાંથી કોઈએ વર્માને આ શૂટિંગ બંધ કરવાનું કહ્યું હતું, અને કહ્યું હતું કે મીડિયા સંસ્થાઓ આ વીડિયો પાછળથી પોતાની ચેનલ પર દર્શાવી શકે છે. વર્માએ તે માણસને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે, “આ જીવંત પ્રસારણ છે અને પત્રકાર પણ આપણા બધા હિન્દુ ભાઈઓ જ છે. તેમણે પોતાની હિન્દુ ઓળખ જણાવીને ભીડનો વિશ્વાસ જીતી લીધો હતો અને તેનું પ્રસારણ ચાલુ રાખ્યું હતું. આ દ્રશ્યમાં ઘણા જૂથો હતા જેઓ પોતાનાં વર્તુળો બનાવીને ઊભા હતા અને પોતાનાં સૂત્રો પોકારી રહ્યા હતા. વર્માએ તેના દર્શકોને જમીન પર પડેલા પથ્થરો પર પોતાનો કેમેરો લઈને કહ્યું હતું કે, “હવે સમય આવ્યો છે કે આપણે હિન્દુ એકતા બતાવવાની છે ! હિન્દુ એકતા ઝિંદાબાદ!” આ પથ્થરોથી કેમેરો દૂર લઈ જઈને, તેમણે તેના દર્શકોને અપીલ કરી હતી કે, “મિત્રો, સવાર સુધીમાં, આપણે મોટી સંખ્યામાં અહી એકઠા થવું જ જોઈએ. આજે આપણે આપણી શક્તિ બતાવવી જ જોઈએ.” તે પછી તેણે એક કેમેરા પર એક વ્યક્તિને દર્શાવ્યો હતો જે શંખ ફૂંકી રહ્યો હતો, જેને બ્રાહ્મણવાદી સાહિત્યમાં યુદ્ધની ઘોષણા તરીકે ગણવામાં આવે છે અને વર્મા ગર્વથી બોલ્યા હતા કે, “યુદ્ધનો શંખ ફૂંકાઈ રહ્યો છે. આ આપણી હિન્દુ એકતા છે.”
(ક્રમશ 🙂 અહેવાલ : સાગર (સૌ. : કારવાં મેગેઝિન)