(એજન્સી) બૈરૂત, તા.ર૪
લેબેનોનની રાજધાની બૈરૂતના મધ્ય વિસ્તાર પર ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભયાનક અને ઘાતક હવાઈ હુમલામાં ૫૫ જેટલા નાગરિકોનાં મોત થયા હોવાનું જાહેર થયું છે. ઇઝરાયેલ દ્વારા યુદ્ધ શરૂ કરવામાં આવ્યા બાદ અત્યાર સુધીનો સૌથી વધુ ઘાતકી અને ભયાનક હુમલો છે તેમ લેબેનોનના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જે વિસ્તાર પર હુમલો થયો તે મોટાભાગે કામદારોનું વિસ્તાર છે અને બસ્તા તરીકે ઓળખાય છે ત્યાં થયેલા હવાઈ હુમલામાં ૨૦ લોકો માર્યા ગયા હતા અને ૬૦થી વધુ ઘાયલ થયા હતા. કોઈ ચેતવણી આપ્યા વિના લડાકુ જૂથના મથકો પર હુમલાના નામે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને બોમ્બવર્ષા કરવામાં આવી રહી છે. આજે બીજા હવાઈ હુમલામાં સમુદ્ર કાંઠે વસેલા ટાયર શહેર પર હવાઈ હુમલો થતાં ૧૪ નાગરિકો માર્યા ગયા હતા. સિવિલ ડિફેન્સ સૂત્રોએ જણાવ્યું હતું કે મધ્ય બૈરૂતના બસ્તા વિસ્તારમાં તો લોકો નિંદ્રાધીન અવસ્થામાં હતા ત્યારે કોઈ ચેતવણી પહેલાંથી આપ્યા વિના એમના પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા અને ચાર જેટલા ભૂગર્ભ બંધ કર પર મિસાઈલ મારો કરવામાં આવતા મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે આસપાસની અનેક ઇમારતો કાટમાળ બની જવા પામી હતી અને સેંકડો લોકો ગભરાટભરી રીતે નાશ ભાગ કરવા લાગ્યા હતા અને અનેક ઘાયલ થયા હતા. ઇઝરાયેલ તરફથી એવો દાવો કરવામાં આવે છે કે જૂથના કમાન્ડ સેન્ટર ઉપર જ હુમલા કરવામાં આવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા જુદી છે.